જુનાં ગાયનો વારંવાર સાંભળીએ ત્યારે આપણને એની ફિલ્મી સિચ્યુએશનો જ યાદ આવે છે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે ! એ જ ગાયન પાછળ હકીકતમાં નવો ‘મામલો’ હોઈ શકે છે ! જેમ કે…
***
ગાયન :
‘મંઝિલ વોહી હૈ પ્યાર કી, રાહી બદલ ગયે…’
મામલો :
મામલો એવો છે કે છોકરી તો એ જ છે પણ બે ચાર બોયફ્રેન્ડો બદલાઈ ગયા છે !
***
ગાયન :
‘કિસી ના કિસી સે, કહીં ના કહીં, કભી ના કભી… દિલ લગાના પડેગા…’
મામલો :
એવું છે કે બહેનની ઉંમર ૩૪ વરસની થઈ ગઈ છે, સત્તર જાતનાં નખરાં કરવામાં એ કુંવારી રહી ગઈ છે, અને હવે ‘આ’ હાલત છે !
***
ગાયન :
‘મમ્મી કો પાપા સે, પાપા કો મમ્મી સે પ્યાર હૈ… હૈ ના, બોલો બોલો…’
મામલો :
જ્યારે જ્યારે મમ્મી-પપ્પાની વેડિંગ એનિવર્સરી આવે છે ત્યારે બિચારાંઓ પોતાનાં ‘સંતાનોને’ ખુશ રાખવા માટે કેક કાપે છે, સ્માઈલ સાથે ફોટા પડાવે છે અને રીલ્સમાં નાચી પણ લે છે… જેથી સંતાનોને એ ‘ભ્રમ’ બરકરાર રહે કે બન્ને વચ્ચે ‘પ્યાર’ છે ! (જેનું કારણ હવે પછીના ગાયનમાં છે.)
***
ગાયન :
‘જો તુમ કો હો પસંદ, વોહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો, તો રાત કહેંગે…’
મામલો :
બિચારા પુરુષે દિવસમાં એક વાર બોસ આગળ અને પત્ની આગળ દિવસમાં દસ વખત આ કહેવું પડે છે !
***
ગાયન :
‘હમેં તુમ સે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના…’
મામલો :
આ કોઈ પ્રેમી-પ્રેમિકાનું સોંગ નથી બાપા ! આ તો દરેક યુવાનની ટ્રુ ફિલીંગ્સ છે… પોતાના મોબાઈલ ફોન માટે !
***
ગાયન :
‘હમ છોડ ચલે હૈં મહેફિલ કો, યાદ આયે કભી તો મત રોના..’
મામલો :
કોઈપણ ટુરિસ્ટ પ્લેસની આ દશા હોય છે ટુરિસ્ટો જતા રહે પછી ! ખાલી પ્લાસ્ટિકની બોટલો, પેપર ડીશો, પેપર કપ્સ, પ્લાસ્ટિકની કોથળીઓ, વેફરનાં પડીકાં, પાનની પિચકારીઓ અને નકરો એંઠવાડ પડ્યો હોય છે… મહેફિલ છોડ્યા પછી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment