વર્લ્ડ કપનાં વન લાઇનર્સ !

ભારતની ક્રિકેટ ટીમે ૧૧ વરસે આઈસીસી વર્લ્ડ-કપની ટ્રોફી જીતી છે. ખુશીના આ માહૌલમાં થોડી મજાક મસ્તી પણ જરૂરી છે ! રાઈટ ?

*** 

પાકિસ્તાની ટીમની કહાણી એક વાક્યમાં... ‘ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા, બાર આના !’

*** 

પાકિસ્તાની ટીમના ખેલાડીઓ કરાંચી આવવાને બદલે લંડન જતા રહ્યા. ત્યાં એક ખેલાડીએ એક પાકિસ્તાની ફેન સાથે – ઝગડો કરીને તમાશો કર્યો. યાને કે...

‘નાક ભી કટવાઈ ઔર નમક ભી છિડકવાયા !’

*** 

ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે ભારતીય બોલરોએ બોલ ટેમ્પરીંગ કર્યું છે !

વાહ ! કોંગ્રેસ પણ હારે છે ત્યારે જ ઈવીએમનો વાંક કાઢે છે !

*** 

દક્ષિણ આફ્રિકાની મજબૂત ટીમ નેપાળ જેવી દૂધપૌવા ટીમ સામે માંડ માંડ ૧ રનથી જીતી !

આને કહેવાય, નસીબ આડે પાંદડું તો લાફો મારી જાય વાંદરું !

*** 

નવજોત સિધ્ધુની કોમેન્ટ્રી એટલે...
‘ચા કરતાં કીટલી ગરમ !’

*** 

છેલ્લી બે મેચ બાદ કરતાં બાકીની મેચોમાં કોહીનો પરફોર્મન્સ કેવો હતો ?
- મેદાનમાં આવી ગયેલા હરખપદૂંડા પ્રેક્ષક જેવો !

*** 

અમેરિકામાં તૈયાર થયેલી પિચો કેવી હતી ?
‘સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે !’

*** 

અમેરિકાની ટીમનો પરફોર્મન્સ એટલે...
જે બાબલાનાં બોલ, બેટ અને સ્ટંપલા હોય એને બે દાવ તો આપવા જ પડે ને !

*** 

દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં :
ખોદા પહાડ... (પહેલી પંદર ઓવર)
નિકલા ચૂહા... (છેલ્લી પાંચ ઓવર)

*** 

અચ્છા, ઇન્ડિયન ટીમમાં શિવમ દૂબેનો પરફોર્મન્સ કેવો હતો ?
- મિસ્ટર ઇન્ડિયા જેવો ! મોટે ભાગે અદૃશ્ય જ હતો !

*** 

અને અક્ષર પટેલનો પરફોર્મન્સ ?

‘નયા દિન નઈ રાત’ના સંજીવકુમાર જેવો... બોલર, બેટ્સમેન, ફિલ્ડર, કેચર, સંકટમોચન, સલાહકાર, ટેઈલ એન્ડર, પિન્ચ હિટર, એક જ ઓવરમાં ૨૩ રન આપીને ટેન્શન ઊભું કરનાર અને બુકીઓની આખી બાજી ઉથલાવી નાંખનાર ‘ભેદી’ ખેલાડી!

***

- મન્નુ શેખચલ્લી

Comments