નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
‘કૂવાનું દોડ્ડું (દોરડું) તૂટી ગિયું ! જીવણ ખુશાલને તાંની વો’ઉ (વહુ)નો તાંબડો કૂવામાં પડી ગિયો ! અ’વે તો બિલાડી લાખવા પડવાની, કૂવામાં !’
આમાં ‘દોડ્ડું’ એટલે દોરડું એ તો સમજાય, પણ કૂવામાં ‘બિલાડી’ શા માટે ઉતારવાની ? તો એ જાણવા માટે પહેલાં દોડ્ડાંની વારતા જાણવી જરૂરી છે.
વાત એમ હતી કે અમારા સમરોલી ગામમાં જીવણ ખુશાલ એટલે મોટું નામ. ડાંગરની ખેતી, ચીકુની વાડી, આંબાની વાડી ઉપરાંત કરિયાણાનો વેપાર. એ જમાનામાં ગામમાં બે માળનું એકમાત્ર પાકું મકાન જીવણ ખુશાલનું. આ જીવણ ખુશાલને પોતાની નામના મોટી કરવાનો ઘણો શોખ. એટલે ગામનાં ત્રણે ત્રણ મંદિરમાં એમના નામની તકતી હોય. એ તો ઠીક, ફળિયામાં કૂવો ખોદાવવા માટે સૌથી વધારે રૂપિયા દાનમાં આપેલા એ વાતનો હક કરીને કૂવા ઉપર પણ ખાસ આરસના પથ્થરની રૂપાળી તકતી કોતરાવેલી : ‘સમરોલી ગામના દોનેશ્વરી દાતા શ્રી જીવણભાઈ ખુશાલભાઈના રૂ. ૧૦૦૧/-ના દાન વડે બનેલો અમૃત કૂવો.’
આમાં ‘અમૃત’ ક્યાંથી આવ્યું ? તો ભાઈ, જીવણ ખુશાલના પહેલા દિકરાનું નામ અમૃત, જે બોલાય ‘અમરત’ તરીકે ! બીજા દિકરાનું નામ જીવાભાઈ, જે બોલાય ‘જીવલા’ તરીકે. અમરતની પત્ની અને જીવણ ખુશાલની મોટી વહુ એટલે હસુમતી (ટુંકમાં હસુ) અને જીવલાની પત્ની હંસાવતી જેને ગામના લોકો ‘જીવણ ખુશાલને તાંની નાલ્લી વો’ઉ’ કહેતા.
તમને થશે કે ભાઈ, આમાં પેલું ‘દોડ્ડુ’ ક્યાં ગયું ? તો વાત એ દોરડાની જ છે. પચ્ચીસ વરસ પહેલાં પોતાના નામની તકતી લગાડીને જીવણ ખુશાલે વટ પાડેલો એટલે એવો રિવાજ પડી ગયેલો કે કૂવા ઉપર જે બે-ત્રણ દોરડાં પડ્યાં રહેતાં હોય તે પણ જીવણ ખુશાલ જ લાવી આપે !
પોતાની કરિયાણાની દુકાન પર બેઠા હોય ત્યારે જીવણ ખુશાલ વાત વાતમાં ભજીયું મુકે કે ‘તમે લોકો મારા કૂવાનું પાણી પીતા છે ! ભૂલી નખે (ના) જતા !’ સવાર સવારના ઓટલે બેસીને દાતણ કરતા હોય અને ફળિયાની વહુઓ માથે ભરેલાં બેડાં લઈને નીકળે ત્યારે પણ વટ મારે: ‘કેમ લાગે પોરી, મારા કૂવાનાં પાણી બરાબર કેનીં?’
ફળિયાના પુરુષો આ કારણે જીવણ ખુશાલ ઉપર ચીડાયેલા. એવામાં ખુશાલ જીવણ પાસે આગળ ફળિયાનાં બૈરાંઓએ ફરિયાદ કરી કે ‘કૂવાનાં દોડ્ડાં ઘહાંઈ (ઘસાઈ) ચાઇલાં, નવાં લાવી આપો નીં?’ જવાબમાં જીવણલાલે તોરમાં આવીને કહી દીધું : ‘એની બેનને… કુવો બી મેં ખોદાવી આપું, ને દોડ્ડાં હો મેં જ લાવી આપું ? તમારા ધણીઓને કે’વોની ?’
બૈરાંઓએ પોતપોતાના ધણીઓને વાત કરી ત્યારે બધા પુરુષોની તપેલી ગરમ ! ‘મોટો તકતી લગાવીને દાનેશ્વરી થતો છે, તો દોડ્ડાં હો દાનમાં આપીને તેની નવી તકતી લગાવનીં?’
આમાં ને આમાં દોરડાં ઘસાતા ગયાં… અને એક દિવસ જીવણ ખુશાલની નાની વહુ હંસા જ્યારે પાણી ભરવા ગઈ ત્યારે એક દોરડું તૂટી ગયું અને તાંબાનો તાંબડો (ઘડો) પડ્યો કૂવામાં !
આ જ વાતે મોટી વહુ હસુને ટોણો મારવાનો મોકો મળી ગયો. ‘પિયરથી લોટો હોં નીં લાવેલી, ને અ’વે તાંબડો કૂવામાં લાખી આવી ! નાલ્લી વો’ઉના એક કામમાં ભલીવાર નીં મલે…અ’વે ઘરમાં પાણી ભરીને કોણ લાવહે, એનો બાપ ? અરે, કંઈ નીં તો બાપને તાંથી બે દોડ્ડાં (દરોડાં) લાવી મુકતે તો બી ચાલતે કેનીં?’
ઘરમાં જેઠાણીનું જ રાજ કેમ કે એ પરણીને આવેલી ત્યારે સોનું અને ચાંદી ઘણું લાવેલી. જ્યારે દેરાણી હંસા બિચારી ગરીબ ઘરની, એટલે વાતે વાતે જેઠાણી એને દબડાવ્યા જ કરે. ઘરમાં સત્તર જાતનાં મજુરીનાં કામ બિચારી હંસા જ કરે અને જેઠાણી બેઠી બેઠી હુકમ છોડે.
… તો આ થઈ દોડ્ડું (દોરડું)ની વાત. પણ પેલી ‘બિલાડી’નું શું ?
તો મિત્રો, બિલાડી કોઈ જીવતું પ્રાણી નહીં પણ એક જાતનું સાધન હતું ! જ્યારે કૂવામાં આવું કંઈક પડી જાય જેમકે લોટો, પવાલું, વાટકી, પાળી ઉપર નીચોવીને નાંખેલાં કપડાં, ધોકો કે પછી કોઈ બીજી ચીજ… તો આ બિલાડીને દોરડેથી લટકાવીને કૂવામાં ઉતારવામાં આવે. આમ જુવો તો બિલાડીમાં નાનાં મોટાં આઠ-દસ જાતના ‘હૂક’ હોય. કોઈ લંગર જેવાં, કોઈ માછલી પકડવાના કાંટા જેવા, કોઈ ‘ટી’ આકારનાં તો કોઈ ‘એક્સ’ અને ‘વાય’ આકારનાં !
આ બિલાડીને કૂવામાં ઉતારનારો વળી એક એકસ્પર્ટ હોય ! તે કૂવાની ઉપર વચ્ચોવચ એક લાંબુ પાટિયું ગોઠવે અને પછી તેની ઉપર ઊંધો સૂઈ જઈને દોરડા વડે બિલાડીને કૂવામાં ઉતારે… પછી જે ખૂબીથી એ દોરડું ઘૂમાવે, ઝબકોળે, ખેંચે, ઢીલ આપે અને ફરી ખેંચે એમાં જ એનો અસલી કસબ !
સવાલ જીવણ ખુશાલની ઇજ્જતનો તો ખરો જ, (કેમકે તકતીઓ એના નામની) સાથે સાથે વાંક પણ ખરો (કેમકે દોરડાનાં પૈસા નહોતા આપ્યા) એટલે પૂરા રૂપિયા દસ આપવાનું કબૂલ કરીને એમણે આ એક્સ્પર્ટ ‘બિલાડીયો’ તેડાવેલો.
બિલાડીયાએ એનો કરતબ દેખાડવાનો શરૂ કર્યો. આ તમાશો જોવા આખું ફળિયું ભેગું થયું. બિલાડીયો એની બિલાડીને અંદર નાંખીને બહાર કાઢે… અને જાતજાતની ચીજો નીકળતી ગઈ ! આમાં કોઈનો લોટો નીકળ્યો, કોઈની પવાલી નીકળી, એક બે ઝાંઝર નીકળ્યાં ! સાથે સાથે કૂવામાં ઉગેલા વેલા અને તળિયે બાઝેલી લીલ પણ નીકળી.
પેલો નાલ્લી વો’ઉનો તાંબડો હજી બિલાડીના પંજામાં ફસાઈને નીકળ્યો નહતો, પણ પાંચમાં પ્રયત્ને જે ચીજ નીકળી તે જોઈને સૌના મોંમાંથી ‘હેં !’ નીકળી ગયું… કેમકે એ હતી સોનાની બે બંગડીઓ !!
હજી ફળિયાના લોકોનું ‘હેં !’ શમે એ પહેલાં જ હસુ જેઠાણી બોલી પડી : ‘આ તો મારી બંગડીઓ !’
તો વાચકમિત્રો, હવે આ બે બંગડીઓનો એક ફ્લેશબેક જાણવો પડશે ! વાત એમ હતી કે બે વરસ પહેલાં દેરાણી હંસાએ જેઠાણી હસુબેનના પગ દબાવતાં કીધેલું કે ‘મોટીબેન, મારા ભાઈનાં લગન આવતાં છે, પણ મારી પોંહે પે’રવા લાયક કંઈ નીં મલે. જો તમે તમારી બે બંગડી આપતે તો…’
હસુ જેઠાણીએ જાણે આખું રાજપાટ બે દિવસ માટે વાપરવા આપ્યું હોય એ રીતે સોનાની બે બંગડીઓ દેરાણી હંસાને આપેલી, પરંતુ લગ્નમાં પોતે હાજરી આપવા ગયેલી ત્યારે જે સગુંવ્હાલું મળે તેને કોઈને કોઈ બહાને પોતાની ‘દાનેશ્વરીતા’ જણાવ્યા વિના રહે નહીં. ‘મારી દેરાણીને મેં જ કે’યું કે તારા ભાઈના લગનમાં આમ બોડી બોડી (ઘરેણાં વિનાની) જહે તો મારા જ હહરાનું ખરાબ લાગહે. એનાં કરતાં લે, મારી બે હુંનાની (સોનાની) બંગડી તું પે’રજે…’
બિચારી હંસાવહુને પણ અમુક લોકોએ ટોણા મારવામાં છોડી નહીં. ‘આ બંગડી ફક્કડ લાગતી છે ! કિયારે લીધી ?’ અથવા ‘ઓહો ? તારા ધણીએ તને હુંનાની બંગડી કરાવી આપી ?’ હંસાવહુએ જખ મારીને કહેવું પડે કે ‘ના, એ તો મારી જેઠાણીએ મને પે’રવા આપલી છે.’
ભાઈનાં લગ્ન પત્યાં પછી દેરાણી હંસા છેક મોડી રાત્રે પાછી સાસરે આવી. થાકેલી વહુએ કપડાં બદલ્યાં પછી સોનાની બંગડીઓ કબાટમાં મુકવા માટે હસુ જેઠાણીને ઊંઘમાંથી ઉઠાડવાનું વિચાર્યું. પછી થયું કે ‘હારીની ઊંઘ બગડહે તો મને મણ-મણની જોખાવહે… એના કરતાં હવારે જ આપા…’ એટલે એણે બંગડીઓ પોતાના ઓશિકાની નીચે ખોસી રાખી.
પણ સવારે થાકેલી હંસાને હસુ જેઠાણીના કડવાં વેણથી જાગવું પડ્યું : ‘અજુ કાં લગી પાડાની જેમ ઘોરિયા કરતી છે ? ઊઠનીં ? કૂવે પાણી ભરવા કોણ જહે ? તારા ભાઈની નવી વો’ઉ?’
ગભરાટમાં ઊઠેલી દેરાણી હંસાએ ઓશિકા નીચે હાથ નાંખીને જોયું તો ત્યાં બંગડીઓ જ નહીં !
સવારે તો વાત ટાળી દીધી પણ જ્યારે બપોરે હસુ જેઠાણીને ખબર પડી કે બંગડીઓ ગાયબ છે, તો તરત એણે ફળિયું ગજાવવાનું શરૂ કર્યું. ‘એ તો છે જ ચોટ્ટી (ચોરટી) ! ગરીબ જાણીને મેં ડયા (દયા) કરી તો ડયાની માંયને (માને) ડાકણ કડ્ડી (કરડી) !’ વગેરે વગરે….
આમ ને આમ છેલ્લાં બે વરસમાં હસુ જેઠાણીએ હંસા દેરાણીને કમ સે કમ બારસો વખત ‘ચોટ્ટી’ કહીને બદનામ કરેલી.
પણ હવે ? એ બે ‘હુંનાની બંગડીઓ’ તો કૂવામાંથી નીકળી ! એ પણ ‘બિલાડી’ના પંજામાં ફસાઈને !
હસુ જેઠાણીએ કૂવાની આસપાસ ભેગી થયેલી ભીડ સામે જ છાતી કૂટવા માંડી. ‘આ ચોટ્ટીએ એનાં ભાઈનાં લગનની રાતે જ મારી હુંનાની બંગડીઓ કૂવામાં લાખી દીધેલી ઓહે ! જુવોનીં, મારું જરી જેટલું સુખ આ નાલ્લી વો’ઉથી જોવાતું નીં મલે.’
શરૂઆતમાં જરા ડઘાઈ ગયેલી હંસા દેરાણી પણ હવે સામી થઈ ગઈ. ‘હહરીની… તુએ જ એ બંગડી કૂવામાં લાખી દીધેલી ઓહે ! તારી પાંહે તો બીજી બે ડઝન પડેલી છે… પણ મને ફજેત કરવા હારુ થેઈને તેં જ આ ઘાટ ઘડેલો ! ચોટ્ટી છે… તું જ ચોટ્ટી છે !’
‘મને ચોટ્ટી કે’તી છે ? તારી તો હાહુને… અ’મણા કે’ઉ તેં… ચોટ્ટી તો તું જ છે !’
‘તું જ ચોટ્ટી…’ ‘તું જ ચોટ્ટી..’ એવું અડધો કલાક લગી ચાલ્યું ! જો એમના પતિઓ વસ્તુપાળ અને તેજપાળ હોત તો ચોક્કસ ત્યાં ફળિયાના કુવાની આજુબાજુ દેરાણી-જેઠાણીના ગોખલા બનાવડાવીને અંદર બબ્બે બંગડીઓનાં શિલ્પ કોતરાવ્યાં હોત !
પણ પછી આખા કિસ્સામાં થયું શું ? તો થયું એવું કે જેઠાણીની સતત કચકચથી ત્રાસીને દેરાણી હંસા એક દિવસ પોતાનાં બે બાળકોને બગલમાં ઘાલીને માથે કપડાંનું પોટલું મુકીને પોતાને પિયર ચાલી ગઈ !
એનું જોઈને ‘જૈસે કો તૈસા’ના ન્યાયે જેઠાણીએ પણ રુસણાં લીધાં ! એ પણ પોતાના બાપનો ટેમ્પો તેડાવીને બે બાળકો સહિત પિયર પધારી ગઈ !
હવે બે માળના પાકા બંગલામાં રહ્યા માત્ર ત્રણ ભાયડા ! ન ચૂલો ફૂંકતા આવડે કે ના રોટલા ટીપતાં આવડે ! થોડા દહાડા તો મજુરણના હાથના રોટલા ખાઈને કાઢ્યા. પણ પછી બન્ને દિકરાઓ ઉપડ્યા પોતપોતાનાં બૈરાંને મનાવવા માટે !
આખરે દેરાણી અને જેઠાણી બન્ને માન્યાં તો ખરાં ! પણ એક જ શરતે ! બન્નેએ કીધું કે ‘મને બે નવ્વી હુંનાની બંગડી કરાવી આપે તો જ આવું !’
આખી વાતમાં ફળિયાવાળાંને એ વાતની મજા પડી કે ‘હારા, જીવણ ખુશાલે જો નવું દોડ્ડું લેઈ આપલું ઓ’તે, તો ચાર ચાર બંગડીનો ચાંલ્લો નીં થતે…’
- આજે તો એ કૂવો રહ્યો નથી. પણ કહે છે કે કૂવો અને જીવણ, બન્ને હયાત હતા ત્યાં લગી કૂવા ઉપર દોરડાં હંમેશાં નવાં જ જોવાં મળતાં હતાં !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
જબરજસ્ત કહાની છે.
ReplyDeleteથેન્ક યુ કર્દમ ભાઈ !
Delete
ReplyDeleteભંજાતે બિલાડી કુવામાં નીં લાખે, જળદેવી કુવામાં ફરતી ઓય!
અસ્સલ સુરતી લાગો છો ! ભંજાતે એટલે સાંજે. (અન્ય વાચકોની જાણ ખાતર)
Delete