આપણા ગુજરાતી શાયરો માટે અમને બહુ મોટી ફરિયાદ છે ! કોઈએ ચા વિશે, માવા-મસાલા વિશે અને ખાસ કરીને ભજીયાં વિશે ગઝલો લખી જ નથી !
આ મહેણું દૂર કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે… જાણીતા શાયરોની માફી સાથે !
***
ગરમ ભજીયાં જ મારા
દર્દનો ઉપચાર લાગે છે
મરચાં સહિત તો સ્વર્ગનો
દરબાર છે ભજીયાં !
***
મૂંગે મોઢે મરણતોલ
એ ઘાવ સહે છે પણ
દોઢસો ડીગ્રીમાં જલીને
સ્વાદ આપે છે ભજીયાં !
***
ખોવાયેલી ખુશબુથી ફરી
મેળાપ કરાવી દો…
આખા ઉનાળાનો ઝૂરાપો…
ને… વરસાદનાં ભજીયાં !
***
હવાઓમાં લખેલી મહેકની
ફરિયાદ આવી છે…
કાતિલ છે ચૂલ્હો-તેલ
(પણ) સજાને માાફ છે ભજીયાં !
***
જ્યારે કલા, કલા નહીં
જીવન બની જશે…
ત્યારે જ બેસન માત્રથી
બનશે નવાં ભજીયાં !
***
આ સૃષ્ટિનાં સંગીતમાં
જુલબંધી અજબ ભાળી
રિમઝિમ છાંટણાંની તાનમાં
છમછમ કરે ભજીયાં !
***
હો ભલે બંધાણ ચ્હા,
કે બીયર-મદિરાનું…
હર મહેફિલમાં અલગ છતાં
‘કોમન’ હોય છે ભૂજિયાં !
***
ગયા જનમનાં પૂણ્ય હશે
કે આ જનમની ભલાઈ
વરસાદ પડતાં જ જો પત્ની
તળી આપે ગરમ ભજીયાં !
***
પૂણ્યો ખૂટી પડ્યાં
કે કરમ કાળાં કર્યાં હશે
જેને લાઇનમાં ઊભવા છતાં
દુકાને, ખૂટી પડે ભજીયાં !
***
(અને નરસિંહ મહેતા કહી ગયા…)
હો રંગ-રૂપ જુજવાં છતાં
એ પીળું… ‘હેમ’ હોયે છે
ભલે મેથી, બટાકા, કંદથી
બનતાં રહે… ભજીયાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment