આપણા દેશની કોર્ટોની ગતિ ગોકળગાય જેવી છે, મિજાજ કડક માસ્તર જેવો છે અને અસર અસાધ્ય બિમારીની દવા જેવી છે ! એટલે જ ક્યારેક વિચાર આવે છે કે…
***
અદાલતો જે રીતે સરકારને ખખડાવી નાંખે છે, ઉધડો લઈ નાંખે છે, ઠપકો આપે છે અને અલ્ટિમેટમો આપે છે…
એ રીતે કદી સમાચારોમાં એવું સાંભળ્યું કે અદાલતે ખૂનીને ખખડાવી નાંખ્યો, બળાત્કારીનો ઉધડો લઈ નાંખ્યો, કૌભાંડીને ઊભો વેતરી નાંખ્યો (રીપ યુ અપાર્ટ) અને ભ્રષ્ટાચારીને અલ્ટિમેટમો આપ્યાં ?
આ તો જસ્ટ વિચાર આવ્યો, મિ લોર્ડ !
***
જે રીતે ખૂની અને બળાત્કારીને જામીન મળતા નથી, કેમકે એ બહાર નીકળીને ખૂન – બળાત્કાર કરે તો – એ જ રીતે…
કૌભાંડીને શી રીતે જામીન મળી જાય છે ? શી ખાતરી કે એ બહાર નીકળીને નવાં કૌભાંડો નહીં કરે ?
આ તો જસ્ટ વિચાર… મિ લોર્ડ !
***
ગુનેગારો ચોવીસે કલાક ગુના કરતા હોય છે, પોલીસ પણ ચોવીસે કલાક ગુના રોકવા માટે અથવા ગુનેગારોને પકડવા માટે કામે લાગેલી હોય છે…
તો પછી કોર્ટો કેમ ચોવીસ કલાક ચાલતી નથી ?
આ પણ જસ્ટ વિચાર… મિ લોર્ડ !
***
અંગ્રેજોને ભારતમાં ગરમી બહુ લાગતી હતી એટલે ઉનાળામાં વેકેશન પાડતા…
બાળકો ભણી ભણીને કંટાળી ના જાય એટલે નિશાળોમાં દિવાળી વેકેશન પાડીએ છીએ…
પરંતુ આજે કોર્ટોમાં ન તો અંગ્રેજો છે કે ન તો બાળકો છે ! તો પછી શા માટે બબ્બે વેકેશનો પડે છે ?
સોરી, આ તો જસ્ટ… નવરાં બેઠાં…
***
જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણયને ખોટો જાહેર કરે, જો હાઈકોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને ખોટો જાહેર કરે…
તો હાઈકોર્ટ અને નીચલી કોર્ટના જજોને કંઈ સજા ના થાય ?
આવું એક એલએલબીનો સ્ટુડન્ટ પૂછતો હતો… મિ લોર્ડ !
***
જો દેશની કોર્ટોમાં લાખો કેસોનો ભરાવો થઈ ગયો છે… તો સરકાર ‘સંઘરાખોરી’ બદલ કોર્ટોની ધરપકડ ના કરી શકે ?
આવું એક લોકરક્ષક દળનો નવરો ઉમેદવાર પૂછતો હતો… મિ લોર્ડ !
***
બાકી, ‘ક્રિમિનલ જસ્ટિસ’ ટાઇપની વેબસિરિઝોમાં સાચેસાચી રિયાલીટી લાવવા માટે બે દ્રશ્યો વચ્ચે બબ્બે મહિનાની ‘મુદત’ ના પાડી દેવી જોઈએ ?
એકાદ વેબસિરીઝ ભલે સાત વરસે પતે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment