આપણી કહેવતો એવરગ્રીન છે ! પરિસ્થિતિ કોઈપણ હોય, એની ઉપર બંધબેસતી આવી જ જાય છે ! જુઓ…
***
લોકસભામાં સજ્જડ પીછેહઠ પછી યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે યોગી આક્રમક મૂડમાં.
‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો.’
***
યુપીમાં નીકળનારી કાવડયાત્રાના રૂટ ઉપર આવતી તમામ દુકાનો પર માલિકોનાં નામ લખવાના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ ગઈ !
‘નામ છૂપાને સે નિયત નહીં છિપતી !’
***
ઈડી કહે છે કે કેજરીવાલ જાણી જોઈને એવો ખોરાક ખાય છે કે જેથી તેનું વજન ઘટતું જ જાય !
યાને કે… ‘હું મરું પણ તને રાંડ કરું !’
***
નીટની પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓને પરફેક્ટ ૭૨૦ માર્કસ મળ્યા છે અને અમુક ચોક્કસ સેન્ટરોમાં તો રીતસર માર્કસની લહાણી થઈ છે !
મતલબ કે… ‘આખું કોળું શાકમાં ?’
***
જો બાઈડને કહ્યું કે ‘હવે તો ભગવાન આદેશ આપશે તો જ હું ઉમેદવારી પાછી ખેંચીશ !’ ડેમોક્રેટ પાર્ટીમાં ટેન્શન.
વાહ શું સીન છે… ‘ઘરડો ચડ્યો ઘોડીએ, એમાં જાનનો જીવ પડીકે !’
***
જીઓએ ભાવ વધાર્યા પછી એરટેલ અને વોડાફોને પણ ભાવ વધાર્યા. આથી હજારો ગ્રાહકો બીએસએનએલમાં જઈ રહ્યા છે !
ટુંકમાં… ‘લાંબા સાથે ટુંકો જાય, મરે નહીં તો માંદો થાય !’
***
નવી નવી સાંસદ બનેલી કંગના રાણાવતે સ્વામી અથમુક્તેશ્વરાનંદ વિશે બેફામ વાણીવિલાસ કરી નાંખ્યો.
હિન્દી કહેવત છે… ‘એક તો કરેલા, ઉપર સે નીમ ચડા !’
(એક તો કારેલું, ઉપરથી લીમડે ચડ્યું !)
***
યમને કરેલા ડ્રોન હુમલાના જવાબમાં ઇઝરાયેલે યમનના બંદર, તેલ ભંડાર અને પાવર સ્ટેશનો તબાહ કરી નાંખ્યા.
એટલે જ કહે છે કે… ‘અલ્યા, મધપૂડામાં કાંકરીચાળો ના કરાય !’
***
જોગાનુજોગે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા પછી એની મેળે જ બે ડઝનથી વધુ મોટાં મોટાં કૌભાંડો બહાર પડ્યા છે !
આને કહેવાય… ‘કાગનું બેસવું અને ડાળનું પડવું !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment