બધું જ ઓન પેપર ?!

નવસારી જિલ્લામાં અમુક સરકારી અધિકારીઓએ ઓન-પેપર રોડ બાંધીને, એનું ઓન-પેપર રિપેરિંગ કરાવીને કરોડોનું કરી નાંખ્યું !

આવા જ એકાદ અધિકારી સાથે ખરેખર કંઈક આવી ઘટના બને તો ?…

*** 

અધિકારી સાહેબ રાતના સમયે સરકારી કારમાં જઈ રહ્યા હતા. સાહેબ ઝોકે ચડી ગયા હતા…

એવામાં ધડામ કરતી કાર એક નદીમાં પટકાઈ !

જોગાનુજોગ ડ્રાઈવરને ખાસ ઈજા ના થઈ પણ સાહેબના હાથપગ ભાંગી ગયા ! એ ચીસ પાડતાં પૂછે છે : ‘આવું શી રીતે થયું ?’

ડ્રાયવર કહે છે ‘શી ખબર ? અહીં નદી ઉપર જે પૂલ હતો એ ઓન-પેપર જ હતો !’

*** 

પછી માંડ માંડ સાહેબને બહાર કાઢવામાં આવ્યા. એમ્બ્યુલન્સ એમને લઈને એક ઠેકાણે પહોંચી. સાહેબને સ્ટ્રેચરમાં સૂવાડીને બહાર કાઢ્યા અને કહે છે :

‘લો, આ હોસ્પિટલમાં એડમિટ થઈ જાવ !’

સાહેબ અહીંનો સીન જોઈને ડઘાઈ ગયા : ‘અરે ! આ તો બંધ પડેલી ફેકટરી છે !’

‘ના હોં ! આ હોસ્પિટલ જ છે ! બસ, ઓન-પેપર છે એટલું જ !’

*** 

એમ્બ્યુલન્સવાળા સાહેબને સ્ટ્રેચરમાંથી ગોડાઉનના સામાનની જેમ ઠાલવીને હાલતા થયા !

હજી થોડીવાર થઈ ત્યાં તો સફેદ કોટ પહેરેલા બે જણા આવ્યા અને કહેવા લાગ્યા :

‘ચાલો, પેમેન્ટ કરો… ઓપરેશના અઢી લાખ, રૂમ ભાડાના પાંત્રીસ હજાર, દવાઓના દોઢ લાખ અને કન્સલ્ટન્સી ફી પંચાવન હજાર !’

‘અરે હોતું હશે ? મારી તો કોઈ ટ્રિટમેન્ટ જ નથી થઈ !’

‘થઈ ગઈ છે ! બધું ઓન પેપર છે ! હવે તમે પેમેન્ટ કરો એટલે આયુષ્યમાન સ્કીમમાંથી અમને રૂપિયા મળે !’

*** 

આમાંને આમાં એક દિવસ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાહેબને એક ખેતરમાં ઠાલવી ગઈ ! ઉપરથી કીધું :

‘આ ઓન-પેપર સ્મશાન છે ! થોડી જ વારમાં તમને તમારાં અસ્થિ મળી જશે !’

*** 

સાહેબની તો હાલત ખરાબ થઈ ગઈ ! સાલું, બધું જ ઓન-પેપર ?

ત્યાં તો એક કચરાનો ખટારો આવ્યો અને સાહેબને એક ઉકરડામા ઠાલવી દીધા ! સાહેબે બૂમાબૂમ કરી મૂકી :

‘અરે, કોઈ મને આ નરકમાંથી કાઢો !’

ત્યાં જ એક બેટરીનો પ્રકાશ થયો. અને આકાશવાણી થતો હોય એવો અવાજ સંભળાયો :

‘સાહેબ, આ નરક નથી ! સ્વર્ગ જ છે… ઓન-પેપર !’

***

- મન્નુ શેખચલ્લી

Comments