સાદડવેલ ગામનો ફિલ્મસ્ટાર... રાજેશકુમાર !


નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…

‘ચીનાંઈ સેઠ, જિન કે ઘર સીસે કે હોટે હૈં… વો ડુસરોં કે ઘર પે પઠ્ઠર નીં ફેંકા કરટે !’

અમારા સાદડવેલ ગામના એક ‘ઉગતા’ અભિનેતા રાજેશકુમારની આ કહાણી છે. ગામમાં પાનની દુકાન પાસે ઊભેલા ચારેક જુવાનિયાઓ આ કલાકારને પાનો ચડાવી રહ્યા છે !

‘વાહ રાજુ વાહ ! હવે બીજો ડાયલોગ !’

રાજુ ઉર્ફે રાજેશકુમાર પોતાના વાળ સરખા કરે છે, અને અમિતાભ બચ્ચનનો પોઝ ધારણ કરે છે અને ડાયલોગ ફટકારે છે :

‘ટુમ લોગ મુજે બાહર ઢૂંડ રહે ઠે, ઔર મેં ટુમારા યહાં ઇન્ટેજાર કર રહા ઠા !’

‘બીજો ! બીજો એક !’

રાજેશકુમાર એ જ સપાટ ચહેરો અને મામુલી અવાજ સાથે વધુ એક ‘અદાકારી’નો નમૂનો પેશ કરે છે :

‘આજ… ખુસ ટો બોહોટ હોંગે ટુમ… કે જો આડમી…’
અચાનક એ માથું ખંજવાળીને કહે છે ‘હાહરું ગોખેલું ઉતું, પણ ભૂલી ગિયો !’

એના દોસ્તો જરાય હિંમત હાર્યા વિના હવા ભરતા રહે છે : ‘બિલકુલ ચિંતા નીં કરવાની. એકવાર યાદ થેઈ જાય પછી તો તુ રાજેશ ખન્નાના ગાભા કાડી લાખવાનો !’

બીજો એક મિત્ર લૂઝ બોલ આપે છે : ‘અરે, પેલો રાજેસ ખન્નાવારો બોલી બટલાવનીં ?’

તરત જ રાજુ રાજેશ ખન્નાના વહેમમાં આવીને ત્રાંસો પોઝ આપતાં બોલે છે : ‘યે આંહું પોંછ ડાલો પુસ્પા… આઇ હેટ ટિયર્સ !’

‘વાહ ! વાહ ! વાહ વાહ !’ મિત્રો તાળીઓ પાડે છે અને ફરમાઈશ કરે છે. ‘એ જ વાત પર બધ્ધાંને હારુ સોડા-લેમન થેઈ જાય !!’

*** 

’૮૦ના દાયકાનો આખો કિસ્સો એ રીતે શરૂ થયો હતો કે ચીખલી ટાઉનની આર્ટસ કોલેજમાં સરક્યુલર આવ્યો કે નવસારીમાં યોજાનારા યુથ ફેસ્ટિવલમાં તમારી કોલેજ તરફથી નાટક, સંગીત, વકતૃત્વ સ્પર્ધા વગેરે માટે એન્ટ્રીઓ મોકલી આપશો.

આમાં ગુજરાતીના એક પ્રોફેસર કોલેજના છોકરાઓને નાટક માટે તૈયાર કરવાનું બીડું ઝડપેલું. શરૂઆતમાં તો દસ-બાર જણા તૈયાર થયેલા પણ આખરે છ સાત ટક્યા. એમાંના ચાર તે અમારા સાદડવેલ ગામના રાજુ, ચંપક, હિતેશ અને હસમુખ.

પ્રોફેસર સાહેબે કીધું ‘જાવ લાયબ્રેરીમાં અને એક સારું એકાંકી શોધી લાવો.’

અહીં ‘નાટક’ કેવું હોય તેની પણ ખબર ના હોય તેને ‘એકાંકી’ એટલે શું ? આવા પ્રશ્નો થવા સ્વભાવિક હતા. બે દિવસની શોધખોળ પછી એ પાછા આવ્યા. 

‘સાહેબ, બો’ હોઈધું, પણ લાઇબેરીમાં એકાંકી નામનું કોઈ ચોપડું જ નીં મલે !’

પ્રોફેસર સાહેબે માથું કૂટ્યું. છેવટે પોતે છોકરાઓને લઈને લાયબ્રેરીમાં ગયા. એમને જોઈતાં હતાં ‘નટીશૂન્ય નાટકો’ (જેમાં સ્ત્રી પાત્ર ના હોય) પરંતુ એની જે બે ચોપડીઓ હતી તે ‘ચોરાયા’ ખાતે નોંધવામાં આવી હતી ! આખરે માત્ર એક સ્ત્રી પાત્ર હોય એવું કોમેડી નાટક પસંદ કર્યું પણ છોકરીનો રોલ ભજવે કોણ ?

બસ, આમાં ભરાઈ ગયો અમારો સાદડવેલ ગામનો રાજુ ! કેમકે આખા નાટકમાં એ છોકરીના સૌથી ઓછા સંવાદો હતા ! ખેર, નાટક તૈયાર થઈ રહ્યું હતું ત્યારે ગુજરાતીના એ પ્રોફેસર સાહેબ પોતે ગુજરાતી ભાષાના શુદ્ધ પ્રેમી હોવાને કારણે સતત ટકોર કરતા રહ્યા કે ‘શુધ્ધ ગુજરાતી બોલો… શુધ્ધ ગુજરાતી બોલો…’

પણ જન્મથી જે છોકરાંઓ ‘ત’ને બદલે ‘ટ’ અને ‘દ’ને બદલે ‘ડ’ બોલતા હોય તે કંઈ રાતોરાત થોડા ‘શુધ્ધ’ થઈ જાય ?

આમાં થયું એવું કે સ્પર્ધાના બરોબર બે દિવસ પહેલાં પ્રોફેસર સાહેબ માંદા પડ્યા ! છોકરાઓને થયું ‘એની બેનને… ખાડામાં ગેઈ સુઢ્ઢ ગુજરાતી ! આપન્ને ફાવે ટેવું જ બોલો નીં ? સાહેબ કાં જોવા આવવાના છે ?’

બસ, આ જ કારણસર નવસારીમાં નાટક ભજવાયું ત્યારે, આજના આધુનિક નાટ્યકારો કહે છે ને, એવું ‘પ્રેક્ષકો સાથેનું તાદાત્મ્ય’ સધાયું કે ના પૂછો વાત ! નાટકની શરૂઆતમાં જ સુરતી બોલીમાં સંવાદ આવ્યો કે ‘પોરી, જોં નીં ? ડરવાજામાં કોણ ટારો કાકો ઘંટડી માઈરા કટ્ટો છે ?’  જવાબમાં છોકરી કહે ‘ઉહું… મેં નીં જ્વા ! મેં ટો મારા પગમાં મેંડી મુકેલી છે !’

છોકરામાંથી છોકરી બનેલા રાજુએ જે રીતે વધારે પડતો લહેકો કરીને ‘મેંડી મુકલી છે’ કહ્યું તેના ઉપર કોલેજીયન ઓડિયન્સ ફિદા થઈને ‘હાયે હાયે !’ કરીને સીટીઓ મારવા લાગ્યું ! બસ, એ પછી તો બધા એક્ટરો ચગ્યા ! 

જ્યાં મૂળ સંવાદમાં ના હોય ત્યાં પણ ‘એની બેનને…’ અને ‘હમણાં કે’ઉં તે…’ વાળી સુરતી ભભરાવવા માંડી ! આ રીતે સુરતી ‘તાદાત્મ્ય’નું સંધાન થતાંની સાથે જ હોલ ખડખડાટ હાસ્યોથી ગુંજતો થઈ ગયો !

સ્વાભાવિક છે, આવા નાટકને ઇનામ તો ન જ મળે ? પરંતુ મુખ્ય મહેમાન તરીકે પધારેલા એક લોકલ નેતાએ આભારવિધિના ભાષણમાં કહ્યું કે ‘આજે આપણી પોરીઓ નાટકમાં ભાગ લેતાં હરમાતી છે, તાં આ નાટકમાં જે પોરીએ અભિનય કરવાની હિંમટ કરેલી છે ટેને મારી ટરફઠી એકસો ને એક રૂપિયા !’

પ્રેક્ષકોમાંથી બૂમ પડી : ‘એ છોકરી નહીં, છોકરો છે !’ નેતાજીએ તરત કહ્યું ‘ટો ટો બીજા એકસોને એક !’

આમ બસ્સો ને બે રૂપિયાનું રોકડું ઇનામ જીત્યા પછી અમારા રાજુનો અમારા સાદડવેલ ગામમાં વટ હતો ! નાટક પહેલાં એના ચહેરા ઉપર વેરવિખેર દાઢી મૂછ ઉગેલાં હતાં, પણ સ્ત્રી પાત્ર ભજવવા માટે ક્લીનશેવ થયેલો રાજુ હવે સોહામણો લાગતો હતો. એમાં વળી પેલા બસ્સો ને બે રૂપિયામાં નવાં નક્કોર પેન્ટ-શર્ટ સીવડાવી લાવ્યો !

આ જોઈને એના મિત્ર હસમુખે એને ચણાના ઝાડ ઉપર ચડાવવાનું ચાલુ કર્યું. ‘તું હારા, આ આર્ટ્સ-ફાર્ટ્સ ભણીને હું કાંદા કા’ડવાનો ? તું તો એક્ટર બનવાને લાયક છે ! પોયરો થઈને પોરીનો રોલ ભજવવાનું કંઈ હેલ્લું થોડું છે ?’

પછી હસમુખે ફિલ્મી દ્રષ્ટાંતથી શરૂ કર્યું. ‘તને ખબર કે ? પેલો જિતેન્દ્ર ખરો કે નીં ! તેણે પેલ્લવેલ્લાં પોરીનો રોલ કરેલો ! ‘સહેરા’ પિકચરમાં તેને હિરોઇનનાં કપડાં પે’રાવેલાં ! પણ એ જોઈને જ વી. શાંતારામ પારખી ગેલા કે આ છે અસલી કોહીનૂર ! ’

રાજુને આમાં રસ પડ્યો એટલે હસમુખની ટોળકીએ એને વધારે ચડાવ્યો. ‘પેલો ડેવ આનંડ ખબર કે ? એ મુંબઈમાં આઈવો તિયારે ખાલી એની ચાલ જોઈને ડિરેક્ટરે હિરો બનાવી લાખેલો ! અને ડિલીપકુમારે આમ આંખ પટપટાવીને ખાલી એટલું જ પૂછેલું કે, ‘જનાબ, મૈં… ક્યા કર સકટા હું ? એમાં જ-’’

‘હું વાત કરે ?’ રાજુમાં હવા ભરાવા માંડી !

પછી તો જોઈએ જ શું ? બિલીમોરા સીટીમાં લઈ જઈને રાજુનાં નવાં કપડાં સીવડાવ્યા… ‘કોહીનૂર સ્ટુડિયો’માં ફોટા પડાવ્યા… છેક નવસારી જઈને ‘રાજમહાલ હેર-કટિંગ સેલુન’માં અમિતાભ બચ્ચન જેવા કાન ઉપર મંજીરાં ચોંટાડ્યા હોય એવા વાળ સેટ કરાવ્યા… ફરી નવસારીના ‘મિલન સ્ટુડિયો’માં ફોટા પડાવ્યા… એટલું જ નહીં, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં કલર પણ કરાવ્યા !

રાજુનું નામકરણ પણ થઈ ગયું… ‘રાજેશ કુમાર !’ અમારા સાદડવેલનો રાજેશ કુમાર આ બધા ખર્ચા કરી શકતો હતો કેમકે એના બાપા મસ્કતમાં કમાવા ગયેલા હતા. મા સ્વર્ગે સીધાવી ગયેલી. એટલે રહેતો હતો એમની મોટી બહેનના ઘરે. બેન-બનેવીને કશી ખબર નહીં. એમને એમ કે ‘એનો બાપ પૈહા મોકલતો છે, તો છો ને ફૂલ ફટાક થેઈને ફરતો ? આગળ જતાં પોરી હારી મલહે !’

જોકે હસમુખ એન્ડ કંપની આટલેથી અટકી નહીં. એ લોકોએ રાજુને મુરખ બનાવવાનો બહુ મોટો પ્લાન બનાવ્યો હતો. હસમુખ એક દિવસ ક્યાંકથી મનમોહન દેસાઈનું સરનામું લઈ આવ્યો ! રાજુને કહે, ‘આ સરનામે તારા ફોટા મોકલ… એ દેહાઈ આપડાવારો ગુજરાતી જ છે !’

સરનામું સાવ બોગસ હતું. છતાં કવર તૈયાર કરવામા આવ્યું. અંદર ફોટા ઉપરાંત ‘ટાઇપ’ કરેલી અરજી મુકી. પછી ‘આનું ટો રજિસ્ટર પોસ્ટ કરવા પડહે… તું મને પૈહા આપનીં ? મેં બધું કરતો છે…’ એમ કરીને રાજુ પાસેથી બસ્સો રૂપિયા પણ લઈ લીધા !

અઠવાડીયા પછી સાદડવેલ ગામની કરિયાણાની દુકાને એસટીડી કોલ આવ્યો : ‘ઉધર ગાંવ મેં રાજેશકુમાર કૌન હૈ ? બોમ્બે સે મનમોહન દેસાઈ બોલતા હું !’

રાજુ દોડતો દોડતો આવ્યો ! ખુદ મનમોહન દેસાઈનો અવાજ (જે હકીકતમાં હસમુખ જ હતો.) સાંભળીને તે ગાંડો-ઘેલો થઈ ગયો ! ફોનમાં એણે સાંભળ્યું ‘તુમ તો હીરા હો હીરા ! ફૌરન બોમ્બે આ જાઓ, મેરી અગલી પિકચર મેં મૈં તુમ્હેં હીરો બનાઉંગા !’

બોલો, ક્યાં પેલો કોલેજના નાટકનો ‘પોરી’નો રોલ ? અને ક્યાં મનમોહન દેસાઈની નવી ફિલ્મમાં હીરોનો રોલ ? રાજેશકુમાર તો સાતમા આસમાને ઉડવા લાગ્યા. ઘરે બેન-બનેવીને કહ્યું ‘મુંબઈના એક કામે જતો છું !’ ઉપરથી બેન પાસેથી હજાર રૂપિયા પણ લીધા.

બિલીમોરા સ્ટેશને અમારા રાજેશકુમારનો વિદાય સમારંભ થયો ! સમારંભમાં તેના ચાર મિત્રો જ હતા. સૌએ ખાસ ફોટોગ્રાફરને તેડાવીને ફોટા પડાવ્યા, હારતોરા કર્યા અને ‘બેસ્ટ લક’ની સાથે સાથે ‘હહરીનાં હીરો બનીને અમને ભૂલી નીં જતો…’ એમ કરીને વિદાય આપી !

આખી કોમિક કહાણીમાં ટ્રેજેડી હવે શરૂ થઈ. હસમુખ મંડળીને હતું કે પેલું મનમોહન દેસાઈનું સરનામું જ સાવ ખોટું છે એટલે રાજુ ખોટા રૂપિયાની જેમ બીજા જ દિવસે પાછો આવશે. પણ એવું બન્યું નહીં… પંદર દિવસ થયાં છતાં રાજુના કોઈ સમાચાર ના મળ્યા એટલે મિત્રો આવી ગયા ટેન્શનમાં !

એમણે બેન-બનેવી પાસે જઈને રાજુના હીરો બનવાની સાહસિક ઝુંબેશનો ભાંડો ફોડી નાંખ્યો. બેન-બનેવી એક્શનમાં આવી ગયાં. મુંબઈમાં જેટલાં સગાવ્હાલાં ઓળખીતાં હતાં ત્યાં તપાસ કરાવડાવી…. પણ આપણા સાદડવેલના સ્ટાર રાજેશ કુમારનો ક્યાંયથી પત્તો મળ્યો નહીં !

હસમુખ એન્ડ કંપની ડબલ ટેન્શનમાં હતી. લોકોને કહેવું શી રીતે કે અમે જ એને ચગાવી મારેલો ? પરંતુ બરાબર બાવીસમા દિવસે એક ઘટના બની.

ના, બાવીસમા ‘દિવસે’ નહીં, રાત્રે… રાજુના બનેવીના ઘરે ટકોરા પડ્યા ! જુએ છે એક હાથમાં બેગ અને બીજા હાથમાં છત્રી સાથે સાળો રાજુ ઊભો છે ! દાઢું વધી ગયું છે… આંખો ઊંડી ઉતરી ગઈ છે… ડાચાં બેસી ગયાં છે અને શરીર સોસવાઈ ગયું છે. બેન-બનેવીએ કશું ય બોલ્યા વિના રાજુને ઘરમાં લઈ લીધો.

પણ ખરી ઘટના તેવીસમા દિવસની સવારે બની ! અમારા સાદડવેલ ગામનો હસમુખ એના ઘરના ઓટલે બનિયાન અને લુંગી પહેરીને બ્રશ કરતો હતો ત્યાં દૂરથી એને રાજુ આવતો દેખાયો !

પહેલાં તો એને હસવું આવી ગયું ! પછી વિચારતો હતો કે બેટમજીનું કયા ડાયલોગ વડે ફીરકી ઉતારીને સ્વાગત કરું ? ત્યાં તો રાજુ અચાનક વાવાઝોડાની ઝડપે ધસી આવ્યો અને છત્રી વડે હસમુખને દે ધનાધન… દે ધનાધન… દાંત ભીંસીને ઝૂડવા જ માંડ્યો !

હસમુખ લુંગી ઊંચી કરીને નાઠો ! રાજુ એની પાછળ તલવાર તાણીને કોઈ યોદ્ધો દોડતો હોય એ રીતે છત્રી તાણીને દોડ્યો ! ફળિયાનાં લોકોને મસ્ત મજાનું મનોરંજન જોવા મળ્યું !

આ ખબર ફેલાયા પછી હસમુખના બીજા ત્રણ દોસ્તારો ગામ છોડીને પંદર દિવસ સુધી ‘ભૂગર્ભ’માં ભરાઈ રહ્યા હતા ! 

જોકે આજે પાંસઠ વરસની ઉંમરે પહોંચેલો રાજુ જ્યારે પેલા સ્ટુડિયોમાં પડાવેલા ફોટા જુએ છે ત્યારે વિચારે છે કે ‘હહરીનું નસીબમાં તો ઓહે… પણ ટકડીર જરીક ઓછું પઈડું !’

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

  1. For few minutes I was in heaven dear, what a beautiful story yaar Avu j lakhata raho to life jeeva jevi lage Varana is gam se bhari duniya me rakhkha kya hai

    ReplyDelete

Post a Comment