પેપરલીકની એટલી બધી ઘટનાઓ બની ચૂકી છે કે હવે જો કોઈ નવું પેપર લીક થાય તો સરકારે શું શું કરવાનું છે એનું પેપર પણ લીક થઈ ગયું છે !
***
પ્રશ્ન (૧) કોઈપણ એક વિષય ઉપર ગાઈડમાં જોયા વિના નિબંધ લખો :
(૧) મેરિટની મર્યાદાઓ અને ભ્રષ્ટ તંત્રની ભલમનસાઈ
(૨) પેપર ફૂટતા હૈ, ફોડનેવાલા ચાહિયે
(૩) જો હું અભણ શિક્ષમમંત્રી હોત તો...
***
પ્રશ્ન (૨) નીચેના મુહાવરાનો વિચાર વિસ્તાર કાપલીમાં જોયા વિના લખો :
(અ) નાણાં અને નફ્ફટાઈ, પેપરને લાવે તાણી
(બ) બુક્સ પઢ પઢ જગ મુઆ, પાસ હુઆ ન કોઈ,
ઢાઈ લાખ એક ક્વેશ્ચન કા, દિયે સો ડોક્ટર હોઈ
(ક) પાપનો ઘડો, ‘ભરાય’ પણ નહીં અને ‘ધરાય’ પણ નહીં.
***
પ્રશ્ન (૩) પેપરલીક થયાની ઘટના બહાર આવે ત્યારે શું શું પગલાં લેવાં ? લાંચિયા મંત્રીની મદદ વિના નીચેનાં પગલાંને ચડતા ક્રમમાં ગોઠવો.
(૧) ઘટના બની જ નથી એવો રદિયો આપવો.
(૨) કડક પગલાં લેવાશે એવી જાહેરાત કરીને તરત તપાસ કરો કે કોને કોને બચાવવાના છે.
(૩) તપાસ સમિતી નીમી દો, જેમાં અધ્યક્ષ તરીકે આપણો જ માણસ હોય.
(૪) જેણે પેપરલીકના પુરાવા શોધી કાઢ્યા હોય એને જ ફસાવી મારવાના રસ્તા શોધો.
(૫) કોર્ટનો ઠપકો મૂછમાં હસતાં હસતાં સાંભળતા રહો અને નવી નવી તારીખો માગતા રહો.
(૬) લોકો કંટાળી જાય ત્યાં સુધી રાહ જુઓ અને....
(૭) નવું પેપરલીક કૌભાંડ બહાર આવે તેની તૈયારીમાં લાગી જાવ.
***
પ્રશ્ન (૪) ખાલી જગ્યા પુરો (ડોનેશન સીટની નહીં, મેરિટ સીટની !)
* પેપર લીક કરવું એ ................. નું કામ છે. (બહાદુરીનું / દેશભક્તિનું)
* પેપર લીકની ઇન્ડસ્ટ્રી વડે દેશના ............. ને રોજગારી મળે છે. (અર્થતંત્રને /તપાસતંત્રોને)
* પેપર લીક કૌભાંડોને અટકાવવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય .......... ઉપર પ્રતિબંધ મુકવાનો છે. (એન્ટરન્સ એક્ઝામો / મેરિટ સિસ્ટમ ઉપર)
***
જોડકાં ગોઠવો :
શિક્ષણમંત્રી – ટ્વેલ્થ ફેઇલ
લીક સુત્રધાર – ચંદુ ચેમ્પિયન
સીબીઆઈ – કડક સિંહ
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment