અંધેર નગરીની નવી વારતા !

એરપોર્ટની છત તૂટે, એક પછી એક પૂલ તૂટે કે ગેમિંગ ઝોનમાં લોકો સળગી મરે એ પછી શું થાય છે ?

એવી અંધેર નગરીની વારતા હવે થોડી બદલાઈ ગઈ છે.

*** 

એક બહુ મોટી સરકારી બેન્કની તિજોરી ચોરવા માટે ચાર ચોર રાતના સમયે દિવાલમાં બાકોરું પાડીને ઘૂસવા ગયા.
પણ પેલી દિવાલ જ તૂટી પડી !
ચોર દબાઈને મરી ગયા !

ચોરની માએ ફરિયાદ કરી કે તમારી બેન્કની એવી તે કેવી દિવાલ કે બાકોરું પાડતાં જ તૂટી પડે ?

પોલીસવાળા પણ કહે વાત તો સાચી છે ! ચોરોને ખબર જ નહોતી કે બેન્કમાં ચોરી શી રીતે થાય ? એમને વિજય માલ્યા અને મેહુલ ચોકસી વગેરે વિશે કંઈ ખબર જ નહોતી ?

આમાં વાંક તો મિડીયાનો છે !

મિડીયા કહે ભાઈ, ક્યાંક ને ક્યાંક, તમે જોઈ શકો છો કે વાંક દિવાલનો છે ! તમને જણાવી દઈએ કે દિવાલ કોણે બનાવી હતી !

હવે વાંક નીકળ્યો કોન્ટ્રાક્ટરનો !

કોન્ટ્રાક્ટર કહે હું શું જાણું ? મેં તો પુરેપુરા પૈસા જ્યાં ખવડાવવાના હતા ત્યાં ખવડાવ્યા છે ! ખરો વાંક તો કડિયાનો છે !

કડિયો પૂછ્યું મિડીયાએ : ‘ભાઈ, આવી તે કેવી ચણી દિવાલ ?’

કડિયો કહે ‘હું શું કરું ? સિમેન્ટમાં પાણી જ વધારે હતું !’

સૌએ પકડ્યો પેલા બિચારા મજુરને, જેણે સિમેન્ટના માલમાં પાણી રેડ્યું હતું !

મજુર બિચારો સાચું બોલી ગયો કે ‘માઈ-બાપ ! એ વખતે એક નેતાજીનો રોડ-શો નીકળ્યો હતો ! એનો તામ-ઝમામ જોવામાં પાણી વધારે પડી ગયું !’

મિડીયા કહે : ‘હવે નેતાજીને શૂળીએ ચડાવો !’

પણ સરકારી ચોપડે લખાયેલો નિયમ નીકળ્યો કે, ‘શૂળીની સાઇઝ નેતાના ગળા કરતાં હંમેશા બમણી જ રાખવી પડે !’

છેવટે સજા તો કોઈને કરવી જ પડે ને ?

કેમકે બિચારા ચાર 'ચોર' મરી ગયા હતા ! એટલે છેવટે બેન્કના બે કારકુનને સસ્પેન્ડ કર્યા !

કેમ ? તો કહે, જે ઘડીએ સિમેન્ટમાં પાણી વધારે પડી ગયેલું, તે જ ઘડીએ તમે ચાલુ ડ્યૂટીએ પેશાબ-પાણી કરવા ગયેલા !

બોલો. આમાં બધા જાણતા હતા કે પેલા ચાર ચોર સિવાય બીજા તમામ મોટા મોટા લોકો ચોર હતા, પણ…

અંધેર નગરીમાં ન્યાય તો થવો જ જોઈએ ને ? એટલે થયો! વારતા પુરી.

***

- મન્નુ શેખચલ્લી

Comments