છેલ્લાં ૭૭ વરસથી બજેટમાં ગરીબો, ખેડૂતો અને પિછડા વર્ગને સતત મદદ કરવામાં આવી છે પણ એ લોકો ત્યાંના ત્યાં જ છે ! એટલે કમ સે કમ હવે તો મિડલ ક્લાસને મદદ કરો ? નિર્મલાજી માટે અમારાં થોડાં સૂચનો છે…
***
ટેક્સ-બેક યોજના રાખો :
જે રીતે અમુક કંપનીઓ કેશ-બેક આપે છે, એ રીતે જે લોકો અમુક તારીખથી પહેલાં ટેક્સ ભરી દે એને દસ ટકા ટેક્સ પાછો આપો ને ! અમદાવાદીઓ તો સૌથી પહેલાં ટેક્સ ભરશે !
***
ઇમાનદારીનું ઈનામ આપો :
જે બિચારા પગારદારો છેલ્લાં દસ વરસથી નિયમિત રૂપે પુરેપુરો ટેક્સ ભરે છે એમની ઇમાનદારી માટે એમના ઇપીએફમાં પાંચ દસ હજાર જમા કરાવો. આવક છૂપાવનારા બેઇમાનોને તો તમે બહુ રાહત આપો છો, આ પણ ટ્રાય કરી જુઓને ?
***
મહિલા કરદાતાને સાડી આપો :
આ આઇડિયા તો નિર્મલાજીને જરૂર ગમશે ! જે મહિલા પગારદારો (નીતા અંબાણી જેવા ઉદ્યોગકારો નહીં હોં?) છેલ્લી તારીખના એક મહિના પછી પણ ટેક્સ ભરી દે તો એમને સૌને કુરિયરમાં એમની પસંદગીની એક સાડી ભેટમાં મોકલી આપો !
(પેલો એક મહિનો સાડીની ઓનલાઇન પસંદગી માટે જ આપ્યો છે !)
***
ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ આપો :
જેમ કે દશેરાના દિવસે કાર ખરીદો તો રોડ-ટેક્સમાં ડિસ્કાઉન્ટ ! અખાત્રીજના દિવસે મકાનનો સોદો કરો તો પ્રોપર્ટી ટેક્સમાં ભારે છૂટ ! ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ખરીદો તો જીએસટીમાં સ્પેશીયલ રેટ ! અને ટીવીમાં આખેઆખા બજેટનું પુરા સાત કલાકનું પ્રસારણ ‘લાઇવ’ જુઓ તો એક મહિનાના કેબલ કનેક્શનના પૈસા પાછા !
(ધંધો આમ જ થાય નિર્મલા બેન !)
***
ટેક્સ હોલીડે જાહેર કરો :
ફક્ત એક વાર ટ્રાય કરી જોજો... દિવાળી અને બેસતું વરસ, આ બે દિવસે પેટ્રોલ ડિઝલ અને સીએનજી ઉપર કોઈ જાતનો ટેક્સ નહીં !! બિચારા લોકો બહુ બહુ તો ટાંકી ફૂલ કરાવશે... ટેન્કરો તો નહીં લાવે ને ? પણ લોકોની દિવાળી સુધરી જાય કે નહીં !
***
ક્યારેક થોડું તો માફ કરો ?
કંઈ કેટલાંય વરસો લગી ખેડૂતોનાં દેવા માફ કરો છો... તો એક વાર અમારા મિડલ ક્લાસિયા ઉપર લાગતા સત્તર જાતના ટેક્સ માફ કરી જુઓ ને ? પછી ચૂંટણીઓ ના જીતો તો કહેજો...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment