જો બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાંથી ખસી ગયા ! આને ‘હસવામાંથી ખસવું થયું’ એવું કહી શકાય ? જોકે એમના ખસવામાંથી હસવું આવે એવું ઘણું છે ! જેમકે…
***
જે ડેમોક્રેટ સપોર્ટરોએ ‘બાઇડન ઇઝ ધ બેસ્ટ’નાં હજારો ટી-શર્ટો ખરીદી લીધાં હતાં એનું હવે શું કરવાનું ?
***
અને ભૈશાબ, રાજીનામું આપતાં આટલી બધી વાર ? અમારા નિતિશ કુમાર તો એક દિવસમાં બબ્બે વાર રાજીનામાં આપી શકે છે !
***
અને આ તો ચૂંટણી પહેલાં જ પાણીમાં બેસી ગયા ! અમારા સુરતમાં પણ આવું જ થયેલું ! બોલો.
***
કોઈએ અમેરિકાની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની ઉપર કેસ ઠોકવો જોઈએ ! આ વડીલને કયા હિસાબે તમે ‘ફીટ’ ગણીને પ્રિમિયમો લેતા હતા ?
***
કહે છે કે હવે ડેમોક્રેટિક પાર્ટીમાં ફરી નવો ઉમેદવાર પસંદ કરવા માટે આંતરિક ચૂંટણી થશે ! હું કહું છું, અલ્યા, બે મહિના પહેલાં એમને નહોતું સમજાતું કે આ ઘરડા કાકા નહીં ચાલે ?
***
અમેરિકન લોકશાહીની વિચિત્રતા તો જુઓ ? એક ભાઈ જે આખેઆખી ચૂંટણી હારી ગયા હતા એ ખુરશી છોડવા તૈયાર જ નહોતા ! અને આ ભાઈ માત્ર એક ડિબેટ હારી ગયા એમાં ઉમેદવારી છોડી દીધી ? બહુ કહેવાય...
***
જો બાઈડને નવા ઉમેદવાર તરીકે કમલા હેરિસ ઉપર પોતાની પસંદગી ઢોળી છે.
આ હિસાબે અમેરિકામાં ‘કમલા પસંદ’ પાનમસાલાની જાહેરખબરમાં હવે બાઈડનનો ફોટો હશે !
***
નવી અફવા... વ્હાઈટ હાઉસનું નવું નામ હવે ‘કમલા નિવાસ’ હશે !
***
અમેરિકામાં રહેતા ઇન્ડિયનો પ્રચાર માટે ‘નિરમા’ની જીંગલ વાપરવાના છે : ‘સબ કી પસંદ કમલાઆઆ...’
***
કહે છે કે કમલા હેરિસનું નામ આગળ આવતાં જ પાર્ટીને ૭ કલાકમાં ૪૧૫ કરોડનું ફંડ મળી ગયું !
જુઓને, ત્યાં કેટલું સહેલું છે ? જ્યારે અહીં તો ઈડીના દરોડા પાડવા પડે છે !
***
દરમ્યાનમાં સૌ બાઈડનને આશ્વાસન આપી રહ્યા છે કે હાલની નોકરી છોડ્યા પછી તમને ‘વિકલાંગ ક્વોટા’માં તો જરૂરથી નવી નોકરી મળી જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment