નામ તેરે કિતને મિમ્સ !?

યુપીની કાવડયાત્રાના માર્ગમાં ખાણીપીણીની દુકાનો ઉપર માલિકોનાં નામ લખવાના સરકારી હુકમ ઉપર સુપ્રીમ કોર્ટે તરત જ બાન મુકી દીધો છે.

કેટલાક લોકોને આ સેક્યુલારિઝમની જીત લાગે છે, તો કેટલાકને આમાં કોમવાદનાં બીજ દેખાય છે. જોકે અમને તો કટાક્ષમય ‘મિમ’ દેખાય છે. તમે પણ જુઓ…

*** 

એક જબરદસ્ત મોટું ફિલ્મનું હોર્ડિંગ લાગ્યું છે. ફિલ્મનું નામ છે ‘તેરે નામ’…
અને એમાં ફોટો છે યોગીનો !

*** 

માત્ર એક જ વાર અદાલતમાં ઊભા રહેવાની લાખો રૂપિયાની ફી લેતા વકીલો સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ બહાર આવીને ગાઈ રહ્યા છે :

નામ ગુમ જાયેગા…
ચહેરા ભી બદલ જાયેગા…
હમારી આવાજ હી પહેચાન હૈ !’

*** 

છતાં કાવડયાત્રાના રૂટ ઉપર કેટલાક ભાજપના કાર્યકરો દુકાને દુકાને ફરીને ગુજરાતી કોમેડિયન રમેશ મહેતાની જેમ પૂછી રહ્યા છે :

‘શું નામ રાખ્યાં છે ?’

*** 
બેકગ્રાઉન્ડમાં ‘ગુમનામ’ ફિલ્મનું ગાયન ચાલી રહ્યું છે… એની સાથે સાથે દ્રશ્યો બદલાઈ રહ્યાં છે.

ગુમનામ હૈ કોઈ’
(દુકાનનો માલિક)
બદનામ હૈ કોઈ…’
(યોગી)
કિસ કો ખબર, કૌન હૈ વો…’
(પત્રકારો)
અનજાન હૈ કોઈ…’
(યાત્રાળુઓ)

*** 

યાત્રાના રૂટ ઉપર કોઈ છમકલું ના થાય એટલા માટે પોલીસો ગોઠવાઈ રહ્યા છે… સાથે સાથે ગાયન ચાલી રહ્યું છે…

રાહોં મેં ખડે હૈં દિલ થામ કે
હાયે, હમ હૈં દિવાને તેરે નામ કે…’

*** 
સેક્યુલરનો વેશ પહેરીને સત્તાભૂખ્યા નેતાઓ નીકળી પડ્યા છે ! સૌ એકસાથે જાણીતું સમૂહગાન ગાઈ રહ્યા છે…

છલિયા’ મેરા નામ…
‘છલના’ મેરા કામ…
હિન્દુ મુસ્લિમ સીખ ઈસાઈ
સબ કો મેરા સલામ !’

*** 
બીજી બાજુ નાટ્યકાર શેક્સપિયરનો ફોટો છે… એના હોઠ ફફડે છે :

‘વોટ ઇઝ ઇન અ નેમ ?’

ભારતના નેતાઓ એકી અવાજે જવાબ આપે છે :

વોટ…! વોટ… ! વોટ…!’

***

- મન્નુ શેખચલ્લી

Comments