જુવાનિયા ઘરડા થશે ત્યારે..!

આજના સિનિયર સિટીઝનો ડંફાશો મારે છેને, કે અમે તો લાઇટના થાંભલા નીચે ભણતા અને પાંચ પાંચ કિલોમીટર સાઇકલ ચલાવીને કોલેજ જતા…

એવું જ્યારે આજની યંગ જનરેશન ‘ઓલ્ડ’ થશે ત્યારે કેવી કેવી ડંફાશો મારશે ? જુઓ નમૂના…

***

એ વખતે સ્માર્ટફોનો ક્યાં હતા ? નોકીયાના બ્લેક એન્ડ વ્હાઈટ ફોનમાં બે જ ગેઇમો હતી. એક સાપોલિયાંની અને એક જીવડાંની ! મારો રેકોર્ડ છે, કે હું દોઢ કલાકમાં ૫૦૦૦ જીવડાં ખાઈ ગયો હતો !

***

નોકીયાના ફોનમાં મેં પંદરમી ઓગસ્ટ માટે કી-બોર્ડના ડોટ, ડેશ અને ફૂંદડીઓ વડે આખા ભારતનો ઝંડો બનાવેલો ! એ પણ ફરકતો હોય એવો ! બોલ, … આ એનિમેશન તો પછીથી આવ્યું.

***

તારા દાદાની ઓફિસમાં બબ્બે ટ્રાવેલ બેગમાં સમાય એવડું મોટું કોમ્પ્યુટર હતું ! છતાં એમને સ્માર્ટફોન વાપરતાં તો મેં શીખવાડેલું ! પૂછી જો દાદીને…

***

અને એંહ… આખી સોસાયટીમાં પહેલામાં પહેલો ઓનલાઇન પિત્ઝા મેં મંગાવેલો ! મેં… ! પૂછી જો તારી મમ્મીને….

***

સોશિયલ મિડીયા ? વાત જ ના પૂછીશ ! ફેસબુકમાં મારા બાર-બાર એકાઉન્ટ હતાં ! એમાંય ત્રણ તો છોકરીઓનાં નામે હતાં ! …. પણ તારી મમ્મીને કહેતો નહીં હોં ?

***

આ અનંત અંબાણીનું જામનગરમાં પ્રિ-વેડીંગ હતું ને, ત્યારે મેં મારા હાથે, જાત્તે… મુકેશ અંબાણીને શિમલા મરચાંના ભજીયાં ખવડાવેલાં છે !

અને પેલી બિયોન્સે હતી ને, એણે મને ફ્લાઇંગ કિસ આપેલી ! બોલ.

***

ધરતીકંપ તો તમે ક્યાંથી જોયો હોય ? એ વખતે એક દિવાલ પડતી હતી ને, તેને મેં બે મિનિટ લગી પીઠ વડે અટકાવી રાખેલી ! એમાં જ તો મમ્મી જોડે લવ થઈ ગયેલો… પૂછ મમ્મીને !

***

અને કોરોના વખતે ? માવા ખાવા માટે રાતના જઈને આખેઆખો પાનનો ગલ્લો ઉઠાવી લાવેલા ! …. જોજે પાછો, મમ્મીને કહેતો નહીં !

***

- મન્નુ શેખચલ્લી

Comments