વરસાદનાં ભીનાં કાર્ટૂનો !

ક્યાંક ઓછો, તો ક્યાંક વધારે. પણ આખા ગુજરાતમાં વરસાદ થઈ ગયો છે. આવી ભીની મોસમમાં રમૂજમાં તળેલાં તાજાં ભજીયાં જેવાં કાર્ટુનની મજા માણો.

*** 

મકાન માલિક એક નવા ભાડૂઆતને ઘર બતાડી રહ્યો છે. છતમાંથી ટપકતું પાણી બતાડીને કહે છે :

‘જોયું ! પાણી તો અહીં ચોવીસે કલ્લાક ચાલુ રહેવાનું !’

*** 

માત્ર બે ઇંચ વરસાદ પડવા છતાં રસ્તામાં રોજ ભરાઈ જતાં પાણીમાં ઘૂંટણ સુધી પલળીને ઓફિસે આવેલો કર્મચારી બોસને કહે છે :

‘પેટ્રોલ ભથ્થું તો ઠીક છે, પણ હવે હોડી-ભથ્થાંનું કંઈ નક્કી કરો ! આ તો રોજનું થયું…’

*** 

એક નેતાજી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર ચહેરા સાથે નિવેદન આપી રહ્યા છે :

‘અમારી વરસો જુની યોજના હતી કે શહેરોમાં પડતા વરસાદના પાણીનો સંગ્રહ થવો જોઈએ… આજે તમે જોઈ શકો છો કે અમારા પ્લાનિંગના કારણે આજે શહેરમાં માત્ર બે ઇંચ વરસાદ પડે તો પણ કમ સે કમ ૧૦૦ ઠેકાણે પાણીનો સંગ્રહ થઈ જાય છે !’

*** 

મુંબઈની એક હિરોઈન ઉપર ફિલ્મના પ્રોડ્યુસરનો ફોન આવે છે :

‘મેડમ ! શહેરમાં હજી તો ધોધમાર વરસાદ ચાલુ જ છે… એટલે, આજે જે ગાયનનું વરસતા વરસાદમાં શૂટિંગ થવાનું હતું ને, એ કેન્સલ રાખ્યું છે !’

*** 

વરસતા વરસાદમાં પલળીને ઓફિસમાં આવી રહેલો બોસ પોતાની વિગ કાઢીને સેક્રેટરીને આપતાં કહે છે :

‘જલ્દી ! ફટાફટ મારી પલળેલી વિગને સૂકવવાની વ્યવસ્થા કરો ! પાંચ જ આપણા હેર-ઓઇલના એક્સપોર્ટ ઓર્ડર માટે ઓન-લાઇન મિટિંગ કરવાની છે !’

*** 

મુંબઈના એક વિસ્તારમાં જ્યાં છાતી સમાણાં પાણી ભરાઈ ગયાં છે ત્યાં એક અજાણ્યો માણસ હોડીમાં બેસીને જઈ રહેલા બે-ચાર જણાને પૂછી રહ્યો છે :

‘અરે ભાઈ, આટલામાં કોઈ મૂતરડી ખરી ? મને બહુ જોરથી લાગી છે…’

*** 

આકાશમાં સુર્ય તપી રહ્યો છે. રોડ સૂકાઈ ગયેલા દેખાય છે. એક બસ-સ્ટોપ ઉપર સાત આઠ જણા ઊભા છે. ત્યાં એમની સાથે મોટો રેઇનકોટ અને ટોપો પહેરીને ઊભેલો એક માણસ એમને પૂછી રહ્યો છે :

‘તમને શી રીતે ખબર પડી કે હું હવામાન ખાતામાં નોકરી કરું છું ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments