નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
નામ એનું બુધિયો. અને નામ જેવાં જ લક્ષણ ! મગજમાં બે આની ઓછી. જ્યારે જુઓ ત્યારે એની માંજરી આંખો સતત વિસ્ફારીત હોય ! કાયા માંડ પાંચ ફૂટની, પણ શરીરના એકે એક ગોટલા ફૂલેલા હોય ! એ તમને કદી નોર્મલ સ્પીડે ચાલતો જોવા જ ના મળે ! જ્યારે જુઓ ત્યારે લગભગ દોડતો જ હોય. એ પણ ઉછળતાં ઉછળતાં ! ટુંકમાં, આજની ફિલ્મોમાં આવતા રાજપાલ યાદવને જોઈ લો !
બુધિયાના મા-બાપ કોણ એ તો એને પણ ખબર નહોતી. અમારા મલિયાધારા ગામમાં એ જીવાભાઈ સુખાભાઈ ઉર્ફે જીવા-સુખાને ત્યાં મજુર તરીકે વરસોથી કામ કરે. દરેક કામમાં એ જબરો પણ બુધિયાની એક જ નબળાઈ… સવારના પહોરમાં એની ઊંઘ ઊડે નહીં !
જીવા-સુખાના દિકરાઓની તો રોજની ડ્યૂટી થઈ ગયેલી કે સવાર સવારના સાઈકલ કે ટમટમિયું (મોપેડ) લઈને બુધિયાની ઝુંપડીએ જવાનું અને એને ઉઠાડવાનો ! બુધિયો એની ઝોળી જેવી ખાટલીમાં બે હાથ અને બે પગ પહોળા કરીને નસકોરાં બોલાવતો હોય ત્યારે એને પ્રેમથી હલાવીને ઉઠાડવાનો :
‘બુધિયા, ચાલનીં ઊઠનીં, હવાર પડી ગેઈ !’
જવાબમાં બુધિયો બેમાંથી એકાદ આંખ અડધી ખોલીને જુએ, પછી પડખું ફરી જાય, અને બબડે : ‘બસ, મેં આવતો જ છે ! તમે જાવો નીં ?’ પણ બધાને ખબર કે બુધિયો એમ કંઈ જાગે નહીં. પંદર મનિટ રાહ જોયા પછી એને ફરીથી હલાવવાનો :
‘બુધિયા, ચાલનીં ! તારી ચાય ઠંડી પડી જવાની !’
બુધિયો બબડે ‘હહરીની ચાય ગેઈ ચૂલામાં, મને દારૂ પીવડાવહે કે ?’ ટુંકમાં, જાતજાતની લાલચો આપીને બુધિયાને જગાડવામાં જ રોજનો પોણો કલાક થઈ જાય !
જોકે બુધિયાની આ ‘સ્ટર્ટિંગ ટ્રબલ’ પતે પછી તમે જુઓ તો બુધિયો છેક સાંજ સુધી તીતીઘોડાની માફક ઉછળતો હોય ! ખેતરમાં ખેડ કરવાની, રોપણી-કાપણી કરવાની, લાકડાં ફાડવાનાં, ગુણો ઊંચકવાની અને ‘બલિયા’ને (બળદોને) નવડાવવાના-ખવડાવવાના અને ‘ગાલ્લી’ (ગાડું) હાંકવા સુધીનાં તમામ કામ એને સોંપે એ પહેલાં કરવા જ મંડ્યો હોય.
જીવાભાઈ સુખાભાઈ બુધિયાને ખાવું-પીવું અને મહિનાના ૩૦ રૂપિયા (એ જમાનામાં) આપતા. એમાં બુધિયો ખુશ હતો. પરંતુ બુધિયાની મોર્નિંગવાળી ‘સ્ટાર્ટિંગ ટ્રબલ’ને કારણે એકવાર બહુ મોટી ટ્રબલ ઊભી થઈ.
વાત એમ હતી કે રક્ષાબંધનના પ્રસંગે જીવા-સુખાની એકની એક દિકરી સુધા એના નવસારી શહેરના સાસરેથી પોતાના પતિ સાથે અહીં અમારા મલિયાધરામાં આવવાની હતી. એ જમાનામાં તો એસટી બસો બહુ ઓછી, એટલે છેક ચાર કિલોમીટર દૂર પીપલગભાણ ફાટક નામની એક જગ્યાએ બસમાંથી ઊતરવું પડે અને ત્યાંથી ચાલતા, અથવા કોઈની ગાલ્લીમાં (ગાડામાં) મલિયાધારા આવવું પડે.
ટુંકમાં, જીવા-સુખાનો જમાઈ લગ્નના બીજા જ વરસે આવવાનો હોય તો એમને તેડવા માટે ગાલ્લી તો મોકલવી જ પડે ને ? પણ બુધિયાનાં નસીબ ખરાબ, કે બસનો આવવાનો ટાઇમ સવારે આઠ વાગ્યાનો !
જીવા-સુખાના દિકરાઓ બુધિયાને જગાડવા માટે છેક છ વાગ્યાના પહોંચી ગયા ! પોણો કલાકે એ જાગ્યો તો ખરો, પણ ટમટમિયાની પાછલી સીટ ઉપર ઝોલાં ખાતો રહેલો બુધિયો સતત બબડતો હતો. ‘એન બેનનીં… હહરીની ઊંઘ કદરાઈ ગેઈ… માથું ભમિયા કરતું લાગે રે !’
જેમ તેમ કરીને એને ગાલ્લીમાં બેસાડ્યો અને પાકી સુચના સાથે રવાના કર્યો કે ‘જમાઈ પહેલી વાર ઘરે આવતો છે. જોજે, મોડો નીં પડતો… ને જમાઈને હાચવીને ઘેરે લેઈ આવજે…’ બુધિયાએ ભારેખમ પોપચાં સાથે ડોકું હલાવીને ‘હા’ એ ‘હા’ કરી તો ખરી, પણ…
પણ હજી ફળિયું પસાર કરે છે ત્યાં એને બેઠાં બેઠાં જ ઊંઘ આવી ગઈ !
હવે જુઓ મઝા ! જો તમે ગામડામાં ઉછર્યા હો તો તમને ખબર હશે કે બળદોને જો તમે સરખી રીતે હંકારો નહીં, તો એ એમની રીતે રોજના જાણીતા રસ્તે હાલ્યા જ જતા હોય છે. એ દિવસે સવારે પણ એવું જ થયું ! બન્ને બળદોએ ગાલ્લીને વાળી મુકી આંબાની વાડીના રસ્તે !
પંદર મિનિટ પછી તો વાડી પણ આવી ગઈ. બલિયા (બળદો) તો શાંતિથી ઊભા છે. પણ બુધિયાભાઈ બેઠાં બેઠાં ભર ઊંઘમાં ગરદન લટકાવીને ગાલ્લીમાં જ બેઠા છે ! આમ ને આમ પુરો દોઢ કલાક વીતી ગયો !
એ પછી બુધિયો ઝબકીને જાગે છે, તો એની વિસ્ફારિત ભૂરી આંખો સામે આંબાની વાડી છે ! ‘એની બેનને…’ એમ કહેતાં બુધિયાએ પહેલાં તો બલિયાઓને (બળદોને) એક ડઝન ગાળો દીધી. પછી પોતાની જાતને બે ડઝન ગાળો દેતાં ગાલ્લીને મારી મુકી પીપલગભાણ ફાટકે !
પણ ત્યાં મોટી ટ્રેજેડી સર્જાઈ ચૂકી હતી. જીવા-સુખાની એકની એક દિકરી એકલી ઊભી ઊભી ડૂસકાં લઈને રડી રહી હતી. ‘તું છેક અ’મણાં આઈવો બુધિયા ? તારો જમાઈ રિહાઈને (રીસાઈને) પાછો ચાલી ગિયો !’
ટુંકમાં સુધાનો પતિ આ અપમાન સહન ના કરી શક્યો એટલે તે વળતી જ એસટીમાં બેસીને નવસારી જતો રહ્યો હતો ! બુધિયો ગાલ્લી લઈને જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે જીવા-સુખાનો પિત્તો ફાટીને આસમાને જતો રહ્યો : ‘હહરીના બુધિયા… તારે લીધે…’
તમે નહીં માનો, પણ આખું ફળિયું આ તમાશો જોવા ભેગું થઈ ગયેલું ! કેમ કે જીવા-સુખો જે એની અત્યાર સુધીની જીંદગીમાં કદી એક પણ ગાળ બોલતો સંભળાયો નહોતો, એ અસ્ખલિત પ્રવાહે અને મિનિટના ડઝનના ભાવે ગાળો બોલી રહ્યો હતો ! સીધી વાત હતી, બુધિયાની ઊંઘને કારણે આજે એમની ઇજ્જતના ભડાકા થઈ ગયા હતા.
જીવા-સુખાએ બુધિયાને એ જ ઘડીએ નોકરીમાંથી ગાળ દઈને કાઢી મુક્યો !
જોવા જાવ તો બુધિયો એને લાયક પણ હતો, પરંતુ બે દિવસ પછી બુધિયો એના અડધા મહિનાનો પગાર માગવા ગયો ત્યારે જીવા-સુખાએ વધુ ચાર ગાળ સાથે સંભળાવી દીધું : ‘હહરીનાં તને એક પૈહો નીં આપા ! થાય તે કરી લેજે !’
‘થાય તે’ એટલે વળી શું ? બુધિયાની ચાટી ગઈ… એ ચાર દહાડા લગી ધૂંધવાતો રહ્યો પછી એણે એવું પરાક્રમ કર્યું કે જેની કલ્પના તેણે પોતે કદી કરી નહીં હોય !
તે એ રાતે સૂતો જ નહીં. એ રાતે બરોબર ત્રણેક વાગે તે જીવા-સુખાના ઘરે આવ્યો અને ગમાણમાંથી (તબેલામાંથી) બે બળદને છોડીને, એમને ઘૂંસરીમાં નાંખીને, ચૂપચાપ પોતાની સાથે લઈને જતો રહ્યો !
બંને બળદો બુધિયાના હેવાયા થઈ ગયેલા એટલે એમને તો કંઈ અજુગતું લાગ્યું જ નહીં હોય ને ? ઉપરથી બુધિયાએ એમને ઘૂંસરીમાં ઘાલીને પાછળ એક ‘આડું’ લટકાવી રાખેલું. (‘આડું’ એટલે એવું લાકડું જે અમસ્તુ જમીન પર ઘસડાતું રહે. જ્યારે ખેતરમાં હળ ચલાવવાનું હોય ત્યારે ખેતર સુધી બળદોને આ રીતે લઈ જવાતા) જો તમે ગામડામાં ઉછર્યા હો તો તમને એ પણ ખબર હશે કે બળદોને જો ઘૂંસરીમાં ના ઘાલ્યા હોય તો એ મનફાવે ત્યાં આડા-અવળા ચરવા જતા રહે. પણ ધૂંસરી હોય તો તમે હાંકો ત્યાં લગી ચાલતા રહે.
બુધિયાની ચાલ તો આમેય ઝડપી, એટલે એણે તો રાતના અંધારામાં બળદોને લઈને ચાલ્યે જ રાખ્યું ! પુરા પાંચ કલાકે જ્યારે બળદો થાકી ગયા ત્યારે બુધિયો અમારા માલિયાધરાથી પુરા ૩૫ કિલોમીટર દૂર કછોલી ગામે, બે માળના એક ઘર સામે જઈ પહોંચ્યો હતો !
સવારે આઠ વાગે જ્યારે ઘરનો માલિક રમણ-મંગુ ઓટલે બેસીને દાતણ કરતો હતો તેની સામે જઈને બુધિયો કહે છે : ‘આ બલિયા વેચવાના છે, તમે લેવાના કે ? હો રૂપિયામાં બન્ને આપું !’
જ્યાં એક એક બળદ દોઢસો બસ્સોમાં મળતો હોય ત્યાં માત્ર સો રૂપિયામાં બે બલિયા મળતા હોય તો કોને રસ ના પડે ? આમેય, રમણ-મંગુના બલિયાઓ ઘરડા થઈ ગયા હતા. એમણે તરત ઘરની મજુસમાંથી સો રૂપિયાની મોટી નોટ બુધિયાના હાથમાં પકડાવી દીધી !
ચાલો, બુધિયાએ એનો બદલો તો લઈ લીધો પણ હવે ? પાછા મલિયાધરા તો જવાય જ નહીં ને ? એટલે એ બે ખોબામાં માંડ સમાય એવી મોટી (એ જમાનાની) સો રૂપિયાની નોટ લઈને ભાડેનું ઘર શોધવા નીકળ્યો ! પરંતુ એનાં કપડાં, એનું ડાચું અને એના દેદાર (દીદાર) જોઈને લોકો પહેલું એ જ પૂછે કે ‘આટલા બધા રૂપિયા તું લાઇવો કાંથી ? અને તું કોણ જાત છે ? કિયા ગામનો ? કાંથી આઈવો ?’
બુધિયો બિચારો પેટનો ખાડો પુરવા માટે પણ ક્યાં જાય ? એ જમાનામાં ચીખલી જેવા ગામમાં પણ ‘હોટલો’ નહોતી ! બુધિયો કરિયાણું લેવા જાય તો સોની નોટ જોઈને દુકાનદાર પૂછે : ‘આ કાં' થી લાઈવો ? ચોરી કરેલી છે હું ?’ ગભરાયેલો બુધિયો જવાબ આપવાને બદલે તીતીઘોડાની જેમ ત્યાંથી નાસી છૂટે.
આખરે ત્રણ દિવસ અહીં તહીં ભટક્યા પછી બુધિયો પેલા રમણ-મંગુના ઘરે જ પાછો પહોંચ્યો. હાથ જોડીને, ભૂરી આંખોમાંથી આંસુ પાડતાં કહે છે : ‘માથે દેવું ચડી ગે’લું એમાં મારું ખેતર વેચાઇ ગિયું, ઘર વેચાઇ ગિયું, બલિયા હો તમુને વેચી લાઈખા… અ’વે મેં કાં જવાનો ? તમારે તાં મજુરીએ રાખહે કે ?’
બુધિયાનું મજબૂત શરીર જોઈને રમણ-મંગુએ એને ખાવુંપીવું અને મહિનાના ૨૦ રૂપિયામાં રાખી લીધો. રહેવાનું પણ ગમાણમાં જ !
જોકે બુધિયાને અહીં ફાવી ગયું. (પેલી સ્ટાર્ટિંગ ટ્રબલ તો હતી જ, છતાં) આમ જોવા જાવ તો આ કહાણી અહીં જ પુરી થઈ જાત પણ બે મહિના પછી એવું બન્યું કે...
‘બુધિયા, કાલે હવારે આપણી હેડ્ડી (શેરડી) ભરેલું ગાલ્લું (ગાડું) લેઈને ખાંડને કારખાને જવાનું છે. તાં આઠ વાગે પૂગી જવા પડે, કેમકે ગાલ્લાંની બો’ મોટી લાઇન લાગતી છે… ’ આવો હુકમ રમણ-મંગુનો હતો. બુધિયાને સવારે પાણી છાંટીને ઉઠાડ્યો પણ ખરો, જેમ તેમ કરીને ગાલ્લી પર બેસાડ્યો પણ ખરો અને ગણદેવી ખાંડના કારખાનાનો રસ્તો સમજાવીને રવાના પણ કર્યો…
પરંતુ બુધિયો અડધી કલાક પછી ગાલ્લીમાં જ ઊંઘી ગયો !
હવે આવે છે કહાણીનો છેલ્લો ટ્વિસ્ટ…!
પેલા બે બલિયાને હંકારનારું કોઈ હતું નહીં એટલે એમણે ‘જાણીતો’ રસ્તો પકડ્યો ! અને…
સવારે સાડા આઠ વાગ્યાના સુમારે જ્યારે બુધિયો જાગીને તડકાથી કદરાઈને, માંડ માંડ આંખ ચોળે છે તો સામે એના જુના માલિક જીવા-સુખાનું ઘર છે !
કહે છે કે જીવા-સુખાએ બુધિયાને ના તો ગાળ દીધી, કે ના તો લાફો માર્યો… બસ, બુધિયાને ગાલ ઉપર બે ટપલી મારીને એની ‘સ્ટાર્ટિંગ ટ્રબલ’ સહિત ઘરમાં સ્વીકારી લીધો. હેપ્પી એન્ડિંગ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment