આપણા એનઆરઆઇના મેસેજો !

યાર, આપણા એનઆરઆઈઓના મેસેજોમાં ત્યાં શું ચાલે છે એના કરતાં અહીં શું ચાલે છે એની જ લપ્પન-છપ્પન વધારે હોય છે ! જુઓ…

***

મારા એક ફ્રેન્ડે મને સવાર સવારના છેક અમેરિકાથી ફોટા સાથે મેસેજ મોકલ્યો કે ‘બકા, ઘરથી બહાર નીકળતાં સંભાળજે ! કેમકે ફલાણા બ્રિજ ઉપર મોટો ખાડો પડ્યો છે !’

જાણે એ ખાડો મને દેખાવાનો જ ના હોય ! (પણ એને દેખાઈ ગયો છે !!)

***

એ તો ઠીક, બપોર પછી એ જ ફ્રેન્ડનો ફોટા સાથે મેસેજ આવ્યો કે ફલાણા કોર્પોરેટરે મેસેજ મુક્યો છે કે એ ખાડો હવે રિપેર થઈ ગયો છે !

- હવે તમે જ કહો, મારો જીવ બચાવવા બદલ મારે કોને થેન્ક્સ કહેવાના ?

***

અમારા ફેમિલી ગ્રુપમાં કેનેડાથી મારા એક ભત્રીજાએ અહીં ‘લોક રક્ષક દળ’ની ભરતી માટેની છેલ્લી તારીખ સાથેનો મેસેજ મુક્યો !

મેં ફોન કરીને પૂછ્યું ‘અલ્યા, આપણા ફેમિલીમાં તને કોણ હવાલદાર બનવાને લાયક લાગે છે ?’ તો કહે છે ‘ના કાકા, આ તો ગુજરાતમાં આટલી બધી બેરોજગારી છે ને, એટલે કોઈને કામ આવે…’

***

તમે માર્ક કરજો, આ એનઆરઆઈઓને આપણી કેટલી બધી ચિંતા છે ! થોડા દિવસ પહેલાં મેસેજ હતો કે ડાયાબિટીસ, બીપી, કિડની પ્રોબ્લેમ, હાર્ટ પ્રોબ્લેમ માટે સાવ ‘મફતમાં’ દવા મળે છે… એમાં સરનામું હરિદ્વાર પાસેના કોઈ આશ્રમનું હતું… જેમાં ‘એપોઇન્ટમેન્ટ’ લેવા માટે ફોન નંબર પણ હતો !

- એટલે શું, મફતિયા દવા માટે છેક હરિદ્વાર સુધી લાંબા થવાનું ?

***

નવાઈ તો એ વાતની લાગે છે કે અહીં રીવરફ્રન્ટ ઉપર કોઈ પ્રોજેક્ટ બનવાનો હોય, આપણા રેલ્વે સ્ટેશનનું રિનોવેશન થવાનું હોય કે સરદાર સરોવર ડેમમાં બોટિંગ શરૂ થવાનું હોય તો એના ચકાચક વિડીયો છેક ઇંગ્લેન્ડથી આવે છે !

અને અહીં બબ્બે વરસ લગી એ પ્રોજેક્ટો શરૂ પણ નથી થયા હોતા !

***

બાકી ભારત કેટલું મહાન, ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન… એવા વિડીયો મોકલનારા માંડ પાંચ વરસે એક વાર ભારતમાં આવે છે !

- અને તે વખતે પીવાનું પાણી પણ ત્યાંથી લેતા આવે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments