આપણી અખબારી ભાષા અજીબ છે. અહીં અલગ અલગ દેશોનાં નામોમાં ‘સજીવારોપણ’ થાય છે ! જેના લીધે દેશો દેશ નહીં પણ વ્યક્તિ હોય એવું લાગે છે.. જુઓ.
***
વરસોથી આપણે છાપામાં વાંચતા આવ્યા છીએ કે ચીનનો ‘ડોળો’ ભારતની જમીન ઉપર છે… ચીનનો ‘ડોળો’ નેપાળ ઉપર છે… ચીનનો ‘ડોળો’ અરુણાચલ પ્રદેશ ઉપર છે…. વગેરે.
તે વખતે તો ટીવી કે મોબાઈલ નહોતાં એટલે અમે વરસો લગી રાહ જોતા રહ્યા કે ક્યારેક તો ચીનના એ ‘ડોળા’નો ફોટો છાપામાં છપાશે ને ?
આજે તો ટીવી ઉપરાંત અવકાશમાં ઉડતાં ઉપગ્રહો પણ છે પરંતુ પેલો ‘ડોળો’ કેવડી સાઈઝનો છે ? કેવા કલરનો છે ? અને કોની આંખમાં ફીટ થયેલો છે ? એ જોવા મળ્યું નથી !
આજકાલ ચીનનો ‘ડોળો’ તાઈવાન ઉપર છે. એ જ ડોળો શ્રીલંકા અને માલદીવ ટાપુઓ ઉપર પણ ઝળુંબી રહ્યો છે. બિચારાં આ બે નાનકડા દેશો પાસે તો આ ‘ડોળો’ જોવા માટે દૂરબીનો પણ નથી ! અરેરે.. શું થશે ?
અમારા એક બે મિત્રો જ્યારે માનસરોવરની યાત્રાએ ગયેલા ત્યારે મેં ખાસ કીધેલું કે ‘બોસ, ક્યાંય પણ પેલો ચીનનો ‘ડોળો’ જોવા મળે તો ફોટો પાડીને મને વોટ્સએપ કરજો !’ પરંતુ એમનાં કેમેરામાં આટલાં બધાં ચાઇનિઝ એપ હોવા છતાં એ ‘ડોળો’ પકડાયો નહીં… અફસોસ !
એવું જ ચીનની ‘ખોરી’ દાનતનું છે ! યાર, સવાલ એ છે કે સૌથી પહેલાં ચીનની દાનતને ‘ચાખી’ કોણે હશે ? જેણે નામ પાડ્યું એણે જ ને ? અહીં પણ એ જ પ્રાણપ્રશ્ન ઊભો છે કે ચીનની દાનત ક્યાં ચાખવા મળે ?
વળી, ચીનની જ દાનતનો સ્વાદ કેમ જાહેર થયો છે ? ઇરાન, ઇરાક કે ઇવન જ્યાંથી સ્વાદિષ્ટ સૂકામેવા આવે છે એ અફઘાનિસ્તાનની દાનતનો સ્વાદ શા માટે છૂપો રાખવામાં આવે છે ? જનતા જાણવા માગે છે.
ચીનના ‘પંજા’ વિશે પણ બહુ જ દંતકથાઓ ફેલાયેલી છે. અમુક પત્રકારો એને ‘ડ્રેગનનો પંજો’ કહે છે, પરંતુ, એ પંજાનું માત્ર કાલ્પનિક ચિત્ર જોવા મળે છે, ફોટો કદી દેખાયો નથી ! જનતા એ પણ જોવા માગે છે.
અચ્છા, પાકિસ્તાન નામનો આખો દેશ શાસ્ત્રીય સંગીતમાં ખાંટુ હશે એવું અમે બાળપણમાં માનતા હતા, કેમકે વારંવાર છાપામાં આવતું કે ‘પાકિસ્તાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો !’
અહીં પણ જાહેર જનતા જાણવા માંગે છે કે આ રાગમાં કેટલા સૂર છે ? તીવ્ર કેટલા ? મધ્યમ કેટલા ? અને કોમળ કેટલા ?
(કેમકે અમુક સેક્યુલરોને આ રાગ બહુ ‘કોમળ’ લાગે છે, વરસોથી !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment