વધુ એક પૂજા ખેડકર !?

મહારાષ્ટ્ર સરકારે ચૂંટણીમાં લાભ લેવા માટે મહિલાઓને મહિને ૩૦૦૦ આપવાની તો જાહેરાત કરી જ હતી. હવે બારમું પાસને ૬૦૦૦ અને ગ્રેજ્યુએટોને ૧૦,૦૦૦ સ્ટાઇપેન્ડ આપવાની લોલિપોપ જાહેર કરી છે !

આમાં એકાદ કિસ્સો તો આવો જરૂર બહાર નીકળશે કે…

*** 

‘સાહેબ, આ એક કેસ જરા વિચિત્ર લાગે છે !’

‘શું થયું ? કોઈ પીએચડીએ અરજી કરી છે ?’

‘ના, આમાં એવું છે કે એક વ્યક્તિ બારમું પાસ બતાડીને ૬૦૦૦ રૂપિયા લઈ રહ્યો છે, અને એ જ વ્યક્તિ ગ્રેજ્યુએટ બતાડીને બીજા ૧૦,૦૦૦ પણ લઈ રહ્યો છે ! ’

‘એ તો પોસિબલ છે ને ! બારમુ પાસ કર્યા પછી ગ્રેજ્યુએટ થવાય ને ?’

‘પરંતુ અહીં તો એ બારમું પાસ વ્યક્તિ દિવસે પટાવાળાની નોકરી કરે છે અને રાત્રે એ જ ઠેકાણે ચોકીદારની નોકરી પણ કરે છે !’

‘એ જ ઠેકાણે ?’

‘હા, પટાવાળાની નોકરી જ્યાં કરે છે એ ઓફિસ એક ઘરમાં છે અને એ જ ઘરની ચોકી એ રાત્રે કરે છે !’

‘ડબલ ડબલ નોકરીઓ ?’

‘અને ડબલ ડબલ સ્ટાઇપેન્ડ ! જોવાની વાત એ છે કે દિવસની નોકરી એના જ પપ્પાને ત્યાં કરે છે અને રાતની નોકરી એની જ મમ્મીને ત્યાં કરે છે !’

‘કમાલ છે, એવું શી રીતે બને ?’

‘કેમકે એના પપ્પા સરકારી ઓફિસર છે પણ સાથે સાથે વીમા એજન્ટ પણ છે, જેમની ઓફિસ પોતાના જ ઘરમાં છે. અને મમ્મી કોર્પોરેટર છે પણ સાથે સાથે જમીનની દલાલી કરે છે, એમની ઓફિસ પણ ઘરના સરનામે છે.’

‘ઓહ ! અને દિકરો બન્નેને ત્યાં જોબ કરે છે ? એ પણ પોતાના જ ઘરમાં રહીને ? વાહ દિકરા વાહ !’

‘સર, એ માત્ર દિકરો નથી, એ દિકરી પણ છે !’

‘હેં ? શી રીતે ?’

‘એણે સેક્સ ચેન્જ કરાવ્યું છે ! મેડિકલ સર્ટિફીકેટ પણ છે ! એટલે તે મહિલા તરીકે ઓલરેડી મહિને ૩૦૦૦ તો લઈ જ રહી છે !’

‘ઓત્તેરી !’

‘એટલું જ નહીં, હવે તો એ વિધવા પેન્શન પણ લઈ રહ્યો, સોરી લઈ રહી છે, કેમકે એણે મેરેજ સર્ટિફીકેટ અને ડેથ સર્ટિફીકેટ પણ આપ્યું છે !’

‘હદ થઈ છે ! શું નામ છે એનું ?’

‘સર, યુવાનનું નામ તો ભૂલી ગયો પણ યુવતીનું નામ કંઈક પૂજા… પૂજા ખેડકર જેવું છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments