નવી શ્રેણી....ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
‘પિરી વેડિંગ ? એ વરી કેવું આવે ? હહરીનું…’
દક્ષિણ ગુજરાતમાં વાંસદા પાસે આવેલા મોટી વાલઝર ગામના જગાભાઈ દુર્લભભાઈને ‘વેડિંગ’ એટલે શું એ પણ ખબર નહોતી. ત્યાં ‘પ્રિ-વેડિંગ શૂટ’ એવું અળવીતરું નામ ધરાવતી આજકાલની આધુનિક લગ્નવિધિમાં શું હોય એની ક્યાંથી ખબર હોય ?
જી હા, વાચક મિત્રો, આ વખતનો કિસ્સો જુનો જમાનો નહીં, પણ પાંચેક વરસ પહેલાંનો જ છે ! વાત એમ હતી કે ‘જગા-દુલ્લભ’ના નામે પ્રખ્યાત એવા જંગલી લાકડાના વેપારી અને ‘ડેન્સો’ (બેન્ડ-સો)ના માલિક કરોડો કમાઈને બેઠેલા ગામમાં પોતાનું જુનું ઘર તોડીને ત્યાં નવો બંગલો બંધાવેલો ત્યારે રસોડામાં તો ઠીક, જાજરૂ અને બાથરૂમમાં મોંઘા મારબલના ટાઇલ્સ નંખાવેલા !
‘હહરીા આપડે આટલું કમાયેલા તે કોના હારુ ? ઉપર તો લેઈ નીં જવા મલે, તો હહરીના અંઈ જ વાપરીને જલ્સા કરો નીં !’ આવી ફિલોસોફી ધરાવતા જગા-દુલ્લભની એકની એક દિકરી સવિતાનાં લગ્ન આવી રહ્યાં હતાં.
મેરેજનો વિડીયો બનાવવા માટે છેક મુંબઈના કોઈ મોંઘા વિડીયોગ્રાફર સાથે વાત ચાલતી હતી એમાં પેલાએ સહેજ પૂછ્યું કે ‘પ્રિ-વેડિંગ શૂટ ભી કરવાના હૈ યા સિર્ફ શાદી કા શૂટિંગ કરના હૈ ?’
ત્યારે… જગા-દુલ્લભભાઈને સવાલ થયેલો કે ‘પિરી-વેડિંગ ? એ વરી કેવું આવે ? હહરીનું ?’ બસ, આમાં જ બન્યો પેલો સ્ટિંગ ઓપરેશનનો કિસ્સો !
મુંબઈના પ્રોફેશનલ વિડીયોગ્રાફરોની ટીમ જ્યારે ગામમાં આવી ત્યારે એમની સામે સૌથી મોટી સમસ્યા એ ઊભી થઈ કે ‘આ કપલ ? આ બિચારાં શું કરશે ?’
કારણ એટલું જ કે જગાભાઈની વ્હાલી દિકરી એક તો ઠીંગણી, રંગે રૂપે સાવ સામાન્ય, ઉપરથી આઠમું ફેઈલ ! હવે તમે જ કહો, એવી કન્યા માટે જમાઈ કેવોક મળે ? કંઈ સપનાનો રાજકુમાર તો હોય જ નહીં ને ? છતાં જગાભાઈ દુલ્લભભાઈએ પોતાની દિકરીને ‘મેચિંગ’માં આવે એવો, એના જ જેટલો ઠીંગણો, રંગે રૂપે મામૂલી અને ભણવામાં પણ નવમું ફેઈલ એવો છોકરો શોધી કાઢેલો ! (જેથી ઘરજમાઈ તરીકે પોતાના કહ્યામાં રહે.)
પેલા મુંબઈવાળા પ્રોફેશનલ વિડીયોગ્રાફરો આ કપલને લઈને આસપામાં ‘કુદરતી સૌંદર્ય’ ટાઈપનું ‘લોકેશન’ શોધતાં શોધતાં સરસ મજાનાં લીલાં-છમ્મ વાંસના જંગલમાં જઈ પહોંચ્યા.
અહીં આવીને પ્રોફેશનલ ટીમની કુરિયોગ્રાફર છોકરી આપણી દેશી કન્યાને પૂછે છે ‘તુમ કો કૌન સા રોમેન્ટિક ગાના પસંદ હૈ ?’
કન્યા કહે છે ‘મેં તો ગાયન-બાયન નીં હાંભળતી હૈ !'
પછી પેલા થનારા જમાઈને પૂછ્યું ‘આપ કી ક્યા ચોઈસ હૈ ?’
બિચારો જમાઈ પણ છૂટી પડ્યો : ‘પિચ્ચર કા સોખ જ નીં મલે, તાં ચોઇસ કહાં થી લાવેગા ?’
બિચારી મુંબઈની ટીમનું કામ અઘરું થઈ ગયું ! આવતીકાલથી તો મંડપ મહુરત, પીઠી, પેણો (રસોઈના ચૂલાની પૂજા) વગેરેની વિધી ચાલુ થઈ જવાની હતી. જે કંઈ પ્રિ-વેડિંગ શૂટ કરવાનું હતું એના માટે આજનો જ દિવસ હતો !
આ તરફ મુંબઈની કુરિયોગ્રાફર માંડ માંડ એકાદ ફિલ્મી ગાયનનો વિડીયો બતાડીને છોકરા છોકરી પાસે કંઈ ‘મુવમેન્ટ’ શીખવાડવાની કોશિશ કરતાં કરતાં લમણે હાથ દઈને થાકી ગઈ હતી, એવા સમયે જ ‘સ્ટિંગ ઓપરેશન’ થઈ ગયું !
શી રીતે ? તો બન્યું એવું કે પેલો કેમેરામેન, જે ક્યારનો ઊભો ઊભો કંટાળી રહ્યો હતો એણે આસપાસના કુદરતી સૌંદર્યના શોટ્સ લેવા માટે કેમેરો ઘુમાવ્યો… ત્યાં જ દૂર એક લીલા વાંસના ઝૂંડ પાછળ એક દેશી કપલ પ્રેમલીલા કરતું ઝડપાયું !
કેમેરામેને ધીમે રહીને ‘ઝૂમ-ઈન’ કર્યું ! પછી એના સાથી ફોટોગ્રાફરને બતાડ્યું. પેલો કહે ‘રેકોર્ડ કર લે !’ આણે કહ્યું : ‘કર હી રહા હું !’
કેમેરામેને વધુ ‘ક્લેરિટી’ માટે વધુ ‘ઝૂમ-ઇન’ કર્યું ! પેલું દેશી જુવાન કપલીયું તો ચુમ્મા-ચુમ્મીમાં મગ્ન હતું… પણ આ તરફ વધું એક પ્રેક્ષક ઉમેરાયો ! કોણ ?
એનું નામ સતિશ ઉર્ફે સતિયો. એ તો અહીં જગા-દુલ્લભની દિકરી અને જમાઈનાં વિવિધ કપડાં સાચવવા માટે (અને કપડાં બદલવાનાં થાય ત્યારે ચાદર લઈને આડશ ઊભી કરવાની સેવા આપવા માટે) આવેલો. એણે કેમેરાની ફ્રેમમાં જોયું કે તરત મોંમાંથી નીકળી ગયું :
‘અરે ! આ તો લાખાપરા ગામનાં કનુ ને ચંપા !’
જોકે એના શબ્દો મુંબઈની ટીમને સંભળાયા નહીં. એ લોકો એની મજા લેતા રહ્યા. ખાસ્સું દસેક મિનિટનું રેકોર્ડિંગ થયું ! એ પછી જ્યારે ‘મેઇન’ શૂટિંગ, યાને કે કન્યા-જમાઈનો શોટ ‘રેડી’ થયો ત્યારે પેલા સાથે કેમેરામેને વિડીયોગ્રાફરને કહ્યું ‘ઇસ કો હાર્ડ-ડિસ્ક મેં સેવ કર લેના, મજા આયેગા !’
આપણા સતિશે આ વાક્ય સાંભળ્યું ! ભલે એને સમજાયું નહીં, પણ અહીંથી જ આખી જફા શરૂ થઈ. સાંજ પડ્યે એ પહોંચી ગયો લાખાપરા ગામે ! કનુને શોધીને કહ્યું ‘પેલા મુંબઈવારા આવલા છે તેણે તારુંને ચંપાનું પેમલા-પેમલીવારું સૂટિંગ કરી લાખેલું છે !’
હવે લાખાપરાનો કનુ કંઈ ગામનો ગુંડો તો હતો નહીં કે પેલા મુંબઈવાળા કેમેરામેનના ગળે ચપ્પુ મુકીને ધમકી આપે ! એ તો મામુલી ઘરનો છોકરો હતો. વળી મોટી વાલઝરના જગાભાઈ પાસે જઈને એમ થોડું કહેવાય કે ‘તમારા વિડીયોવારાએ મારી ચંપાની પેમલા-પેમલીનું પિચ્ચર ઉતારેલું છે, તેને…’
બિચારા કનુથી થઈ પણ શું શકે ? છતાં એ બીજા જ દિવસે સવારથી જગા-દુલ્લભના બંગલે પહોંચી ગયો. અહીં મંડપ-મહુરતની વિધિ ચાલી રહી હતી.
કનુ પેલા કેમેરામેન પાસે જઈને કહે છે : ‘ઓ ભાઈ, તેં કાલે જે મારું સૂટિંગ ઉતારેલું છે તે ભોંહી લાખ નીં ?’ (ભૂંસી નાંખ ને !)
મુંબઈવાળો કેમેરામેન પૂછે છે ‘એ ભોંહી-ભોંહી ક્યા કરતા હૈ ?’
કનુ બિચારો પોતાનું ડાચું નજીકથી બતાડીને કહે છે ‘મેરે કુ ઓળઈખા કે નીં ? મેં પેલા ઝાડ કે પીછે…’
કનુએ ના છૂટકે બે હાથની આંગળીઓ વડે ચૂંબનની મુદ્રાઓ કરીને બતાડી ! હવે કેમેરામેનને મજા પડવા માંડી ! ‘એસા એસા ક્યા કરતા હૈ ? ઐસા રોજ કરતા હૈ ? અચ્છા, તેરેવાલી કા નામ ક્યા હૈ ?’
કનુ બિચારો હરીફરીને એક જ રિક્વેસ્ટ વારંવાર કરે છે : ‘મે’રબાંની કર કે વો ભોંહીં લાખો નીં ?’
મુંબઈની ટીમે કનુને આખો દહાડો પોતાની પાછળ પૂંછડી પટપટાવતા કૂતરાની માફક ફેરવીને બરાબરની મજા લીધી !
બીજા દિવસે પીઠીનો પ્રોગ્રામ હતો. હવે કનુ જરા અકળાઈ ગયો. તે કહેવા લાગ્યો : ‘દેખો, વો ભોંહી લાખો નીં તો હારાવારી નીં થહે.’
‘હારાવારી ?’ મુંબઈની ટીમ મજા લેતી રહી. ‘વો ક્યા હોતી હૈ ? સાલા ઔર સાલીવાળી કુછ હોતી હૈ ?’
ત્રીજા દિવસે જગાભાઈએ ધામધૂમથી ‘સંગીત’નો પ્રોગ્રામ રાખેલો. છેક નવસારીથી એક ભવ્ય ઓરકેસ્ટ્રા બોલાવેલું. લાલપીળી લાઈટો અને કાન ફાડી નાંખે એવાં જાયન્ટ સ્પીકરો સાથે અમીન સાયાનીની નકલ કરતા એન્કરની ‘કોમેન્ટ્રી’ ઉપર ફિલ્મી ગાયનો ચાલ્યાં. પછી મંડપની ખુરશીઓ ખસેડીને ગરબા ચાલુ થયા… બિચારો કનુ પણ વિડીયોવાળાની આજુબાજુ ગરબા રમતો જાય અને કહેતો જાય : ‘થોડાઘણા રૂપિયા જોઈતા ઓહે તો આપી દેવા… પણ પેલું ભોંહી લાખો નીં ?’
ગરબા પત્યા પછી ‘ડીજે’ ચાલુ થયું ! બધા રાતના ત્રણ વાગ્યા સુધી તીતીઘોડાની માફક ઉછળી ઉછળીને નાચતા રહ્યા. વિડીયોવાળા શૂટિંગ કરતા રહ્યા અને એમની પાછળ પાછળ આંટા મારતા કનુને નચાવતા રહ્યા ! ‘પેલું ભોંહી લાખો નીં ?’
હવે આવતીકાલે તો લગ્ન હતાં ! દરમ્યાનમાં ક્યાંકથી કનુની ચંપાને પણ આ મામલાની ખબર પડી ગયેલી ! એણે કનુને ધમકી આપી ‘જો તેં કેમેરામાંથી નીં ભોંહાઈવુ તો મેં ઝેર ખાઈને મરી જવા !’
કનુ હવે જીવ ઉપર આવી ગયો ! એણે નક્કી કર્યું કે આ વિડીયોવાળાને વાંસદાની જે હોટલમાં ઉતારો આપ્યો છે ત્યાં જઈને એ લોકો ઊંઘતા હોય ત્યારે ધારિયું લઈને પહોંચી જાઉં અને એકાદના હાથ કે પગમાં ઘસરકો પાડીને કહું કે ‘પેલું ભોંહી લાખતા છે કે નીં ?’
પણ ખરે વખતે આપણો સતિશ ઉર્ફ સતિયો મદદે આવ્યો. એણે કહ્યું ‘આમાં તો પોલીસકેસ થેઈ જાહે. તું જેલમાં જાહે. એના કરતાં કંઈ બીજું વિચાર.’
‘એની બેનને… એ લોકનો કેમેરો જ ચોરી લેઈએ તો ?’
બરાબર આ વખતે સતિયાને પેલું વાક્ય યાદ આવ્યું : ‘ઇસ કો હાર્ડ ડિસ્ક મેં સેવ કર લેના.’
સતિયાએ ભલે કોમ્પ્યુટર કે લેપ-ટોપ ના વાપર્યું હોય પણ મોબાઈલ તો વાપરેલો. એટલે એને ‘સેવ’ કર લેનામાં સમજ પડી ગઈ ! રહ્યો સવાલ બાકીના શબ્દોનો તો… સતિયો માથું ખંજવાળતો બોલ્યો :
‘એ લોકો કંઈ હાડ્ડીસમાં સેવ કરવાનું બોલતા ઉતા ! પણ હાડ્ડીસ એટલે હું ?’
આ ‘હાડ્ડીસ’ નામની ચીજ શું છે ? એ કેવી દેખાય ? એમાં સેવ થયેલું ક્યાં પડેલું હોય ? આવા બધા અઘરા સવાલોના જવાબ મેળવવા માટે બન્ને ભોળિયાઓ વાંસદામં લગ્નની વિડીયોગ્રાફી કરનારા એક ‘રાજહંસ સ્ટુડિયો’વાળા પાસે ગયા ! પોતે જાણે એકાદ મેરેજની વરધી આપવાના હોય એવો ડોળ કરીને, સવાલો પૂછીને જાણી લીધું અને જોઈ પણ લીધું કે આ ‘હાડ્ડીસ’ કેવી આવે !
છેલ્લા દિવસે આખો પ્લાન તૈયાર હતો. જગા-દુલ્લભના બંગલે ધામધૂમથી બેન્ડ-વાજાં સાથે જાન આવી. લગ્ન થયાં… કન્યા વિદાય થઈ… બધું પત્યું પછી મુંબઈની ટીમને વાંસદાની હોટલમાં લઈ જઈને, છાંટોપાણી, મામણાં, મટન બિરીયાની વગેરેની પાર્ટી અપાઈ. તેમાં મદદ કરવા માટે અને સવારે ટેક્સીમાં બધો સામાન મુકાવીને રવાના કરવા માટે આપણો સતિશ ઉર્ફે સતિયો હોટલમાં જ રોકાઈ ગયો !
વહેલી પરોઢે જ્યારે આખી મુંબઈવાળી ટીમ ઘસઘસાટ ઉંઘમાં હતી ત્યારે સતિયાએ એમની બેગમાં પડેલી છએ છ ‘હાડ્ડીસ’ કાઢી લીધી !
એ મારતી સાઈકલે લખાપરા ગામે પહોંચી ગયો. પણ હવે સવાલ એ હતો કે ‘એની બેનને… આ હાડ્ડીસમાંથી આપડાવારું ભોંહવાનું (ભૂંસવાનું) કેમ કરીને ?’
અહીં લાખાપરાના કનુ પાસે એક જ ઉપાય હતો : ‘આ હાડ્ડીસને ખાડો દાટી ઘાલીએ ! ભોંહવાની (જફા) જ નીં મલે !’
પણ થયું એવું કે હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સતિયો પકડાઈ ગયો ! વાંસદા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ ગઈ. પહેલાં સતિયાને ડંડા પડ્યા. એણે કનુની સ્ટોરી કહી દીધી !
હવે નસીબ જુઓ… વાંસદા પોલીસ સ્ટેશનમાં જે ઇન્સ્પેક્ટર હતા તે કનુના કાકાના સાઢુભાઈ નીકળ્યા ! હવે એ મુંબઈવાળાને ઊંધા ચોંટ્યા : ‘ઇસ મેં તો ઇન્ટ્રુઝન ઓફ પ્રાયવસી (પરવાનગી વિના અંગત જીવનમાં ઘૂસવું) કી કલમ નંબર ૩૫૪-સી ઔર ૩૫૪-ડી લગેગી ! અશ્ર્લીલ વિડીયો ભી શૂટ કિયા હૈ તો ૨૯૨ ભી લગેગી !’
છેવટે એ શરતે સમાધાન થયું કે પોલીસ અને કનુની હાજરીમાં પેલો વિડીયો ‘ભોંહી લાખવો’ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
😘😘😘
ReplyDeleteVah
ReplyDeleteજાન બચી તો લાખ્ખો પાયે !
ReplyDelete