નવી શ્રેણી...ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
દોસ્તો, આજનો કિસ્સો એ જમાનાનો છે જ્યારે ગામડાંઓમાં તો શું, નાનાં નાનાં શહેરોમાં પણ ઘેર ઘેર શૌચાલયો નહોતાં. એમાંય ગામડામાં તો સવાર સવારના લોટો લઈને ‘ઝાડે ફરવા જવું’ એ એક જાતની કળા હતી !
આજે જે સિનિયર સિટિઝનો ગામડામાં ઉછરેલા છે એમને પૂછી જોજો કે ‘લોટે જવું’ એ કેટલી ઝીણવટભરી કામગીરી માગી લેતી ક્રિયા હતી ! એક તો તમારે જ્યાં બેસવાનું હોય એ જગ્યા ‘આડશવાળી’ હોવી જોઈએ. બીજું, તમારો લોટો ઢેફાંવાળી કે ઢાળવાળી જમીન ઉપર એ રીતે મુકાયેલો હોવો જોઈએ કે તે અચાનક ગબડી ના પડે ! (નહિતર પછી ઢેફાં વડે કે ઝાડનાં પાંદડાં વડે જ ‘સાફ’ કરીને આવવું પડે.)
ત્રીજું, આજે જે રીતે તમે શૌચાલયમાં બરોબર બેઠક જમાવીને બેસો છો એ તો ચાલે જ નહીં, કેમકે તમે જે ચીજનું ‘નિષ્કાષન’ કરો છો તેની નાની સરખી ઢગલી બની જાય છે અને તે તમારા જ પૃષ્ઠભાગને અડી જાય તો તમારું જ મેલું તમને ચોંટે છે ! એટલે ચોથું, તમે ‘ભજિયાં’ મુકતા હો કે ‘વણેલા ગાંઠીયા’, તમારે થોડી થોડી વારે જગ્યા બદલતું રહેવું પડે ! અને પાંચમું, જે ખરેખર તો સૌથી પહેલું છે, તે એ કે તમે સવાર સવારના ઝાંખા ઉજાસમાં જ્યાં પણ ‘ફરવા’ જતા હો અને જઈને પાછા આવતા હો ત્યારે નીચે નજર રાખતા રહેવાનું કે ક્યાંક બીજાનું ‘કૃત્ય’ તમારા પગ નીચે તો નથી કચડાતું ને ?
આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી આજના કિસ્સા ઉપર આવીએ ? તો મિત્રો, આ વાત છે અમારા પીપલધરા ગામના સોમુ દરજીની અને એમના ફળિયાના એક કાળુ કૂતરાની.
અમારા સોમુ દરજી શરીરે એકવડીયા બાંધાના, રંગે ખાસ્સા ગોરા. દરજીકામમાં એટલા ચીવટવાળા કે આજુબાજુનાં પાંચ ગામનાં બૈરાં એમને ત્યાં જ ‘કબજા’ યાને કે બ્લાઉઝ સીવડાવવા આવે.
કારણ શું ? સોમુ દરજી એક વાર એમની મેઝર ટેપ વડે માપ લે અને બીજી વાર ‘ઘરાક’ને હળવેક ગોળ ફેરવીને નજર વડે માપી લે ! બસ. પછી કબજાનું ફીટિંગ એવું ‘ફાઈન’ આવે કે પાંચ ગામનાં બૈરાં બીજાં પાંચ ગામમાં જઈને વખાણ કરે કે ‘હોમુ ડરજી એટલે હોમુ ડરજી !’
આ સોમુ દરજીને ગોળ ખાવાનો બહુ શોખ. સવાર બપોરની ચ્હા તો ગોળમાં જ બનેલી જોઈએ. શાકમાં, દાળમાં કે કઠોળમાં જો ગોળ ઓછો પડે તો પોતાની પત્નીને ‘ગજ’ વડે (મીટર માપવાની લોખંડની પટ્ટી) ધમકાવી નાંખે. સીવવા માટે સંચે બેઠા હોય ત્યારે પણ થોડી થોડી વારે ગોળની કાંકરી મમળાવવા જોઈએ. એ તો ઠીક, એમના મનમાં એવો વહેમ ઘૂસી ગયેલો કે સવારે જ્યારે પોતે ઝાડે ફરવા જાય ત્યારે ત્યાં બેસતાં વખતે ગોળ ચોપડેલો અડધો રોટલો ન ખાય ત્યાં સુધી બરોબર પ્રેશર આવતું નથી !
બસ, આ ગોળ ચોપડેલા રોટલાને લીધે જ આપણી આ કહાણીના બીજા મુખ્ય પાત્ર (અથવા વિલન)ની એન્ટ્રી થાય છે ! વાત એમ હતી કે સોમુ દરજીના બાજુના ફળિયામાં રહેતો આ કાળુ નામનો કૂતરો એકાદ દિવસ પેલા ગોળવાળા રોટલાની સુગંધથી આકર્ષાઈને સોમુભાઈની પાછળ પાછળ પૂંછડી પટપટાવતો ચાલવા લાગ્યો.
સોમુભાઈએ બિચારાએ દયાભાવથી પોતે ‘બેઠા’ હોય ત્યારે બે ચાર બટકાં ખવડાવ્યાં… બસ, આમાં તો કાળુ કૂતરાને સ્વાદ લાગી ગયો ! જોકે વાત ત્યાંથી અટકતી હોત તો તો આ અજીબો-ગરીબ કિસ્સો જ ના બન્યો હોત ને ?
એક દિવસ પેલો કાળુ કૂતરો મોડો પડ્યો. એ દરમ્યાન સોમુ દરજીએ રોટલો પતાવીને એમનું ‘ક્રિયાકર્મ’ ચાલુ કરી દીધેલું. આ બાજુ પેલા કાળુ કૂતરાને વધારે પડતી ભૂખ લાગી હશે કે પછી આજના પ્રાણીઓના ડોક્ટરો કહે છે તેમ, કાળુને ‘કોપ્રોફેગિયા’ નામની બિમારી હશે, જે હોય તે પણ કાળુ કૂતરાએ સોમુભાઈનું મળ ખાઈ લીધું !
બસ, અહીંથી સ્ટોરીમાં ખતરનાક ટર્ન આવવાનો શરૂ થઈ ગયો ! પેલા કાળુ કૂતરાને હવે પેલા ગોળવાળા રોટલામાં નહીં પરંતુ અતિશય ગોળ ખાવાની ટેવને કારણે જે મળ નીકળતો હતો એનો ચસકો લાગી ગયો !
હવે તો કાળુ રોજ સવાર પડે ને સોમુભાઈ ક્યારે નીકળે એની રાહ જોતો બેઠો હોય ! સોમુભાઈ જ્યાં જાય ત્યાં પાછળ પાછળ પૂંછડી પટપટાવતો જાય ! અને પહેલું ‘ભજીયું’ અથવા ‘વણેલું’ ગાંઠીયું બહાર પડે કે તરત એમા મોં નાંખવા પૂંઠ તરફ પહોંચી જાય !
શરૂશરૂમાં એક બે દિવસ તો સોમુભાઈ જરા ચોંકીને ઊભા થઈ ગયા, પણ સાલું પછી તો કાળું કૂતરું રીતસર એમની ‘પાછળ’ પડી ગયું ! હજી તો એ લોટે જવાની સરખી જગ્યા શોધે, બેસે, લોટો ગોઠવે, ત્યાં તો કાળુ કૂતરું પૂંછડી પટપટાવતું એમની આજુબાજુ આંટા મારવા લાગે ! ઉપરથી બહુ ખુશ થતું હોય તેમ ઉછળી કૂદીને ભસે પણ ખરું ! પછી જેવા સોમુભાઈ ‘ગોઠવાય’ કે તરત પાછળના ભાગે પહોંચીને ગેલ કરવા માંડે ! ક્યારેક પીઠ ઉપર હળવો પંજો મારે તો ક્યારેક કમર નીચે મોં ખોસીને વ્હાલ કરવા લાગે !
હવે સોમુભાઈની હાલત ખરાબ થવા લાગી ! કૂતરાથી બચવા માટે એક હાથમાં લોટો અને બીજા હાથમાં લાકડી લઈને નીકળવા માંડ્યું ! (ગોળવાળો રોટલો સદરાના ખિસ્સામાં રાખતા હતા) પરંતુ કાળુ કૂતરું તો હવે હેવાયું થયેલું ! એ કંઈ ગાંઠે ? સોમુભાઈ લાકડી ઉગામે તો ‘હાઉહાઉ’ કરતું સામું થાય અને જેવા સોમુભાઈ એમના કાર્યક્રમમાં જોતરાય કે તરત પાછળ જઈને ભાવતું ભોજન શોધે !
આ તો હવે રોજનું થઈ પડ્યું ! વળી એવું તો હતું નહીં કે સોમુભાઈ જ્યાં ફરવા જતા હતા ત્યાં તે એકલા જ હોય ? બીજા ગામલોકો પણ હોય જ ને ? તો એમના માટે આ રોજ સવારનું મનોરંજન થઈ ગયું ! પહેલાં એવું હતું કે સોમુભાઈ લોટો લઈને નીકળે એની રાહ માત્ર પેલું કાળુ કૂતરું જોતું હતું પણ હવે ગામના અડધો ડઝન જુવાનિયા એમના ‘લોટા’ની રાહ જોતા થઈ ગયા હતા !
ધીમે ધીમે ગામમાં વાત ફેલાવા લાગી કે સોમુભાઈ અને કાળુ કૂતરાને ‘સ્વાદનો સંબંધ’ છે ! સોમુભાઈ જ્યાં જાય ત્યાં મશ્કરીઓ થવા લાગી. આમાં બિચારા સોમુભાઈ પણ શું કરે ? પેલા કૂતરાને શા માટે બીજા કોઈની વિષ્ટામાં રસ નહોતો પડતો અને માત્ર એમની જ ‘વિષ્ટા’માં શું સ્વાદ આવતો હશે ? આ રહસ્ય ઉકેલાતું જ નહોતું.
એવામાં એક વડીલે સોમુભાઈને સલાહ આપી કે ‘તમે એક કામ કરી જુવોનીં ? તમે આઠ દા’ડાના નક્કોરડા ઉપવાસ ખેંચી લાખો ! કેમકે જો ખાવાનું જ પેટમાં નીં જાહે તો ઝાડો કાંથી થવાનો ? ને ઝાડો નીં થહે તો પેલો કૂતરો એની ટેવ ભૂલી જહે !’
સોમુભાઈએ નાછૂટકે એ ઉપાય અજમાવી જોયો. પણ ત્રીજા જ દિવસે અશક્તિના કારણે એમને ચક્કર આવી ગયાં ! બિચારા પોતાના લોટા કરતાં પણ ખરાબ રીતે બેલેન્સ ગુમાવીને ભોંય પર પડ્યા !
થોડા દિવસ પછી કોઈએ નવો નુસખો બતાડ્યો. ‘સોમુભાઈ તમે કારેલાંનો રસ પીવો ! હું છે, કે તમુંને ગોળ ખાવાની ટેવ પડેલી છે નીં, એમાં જ પેલા કાળુ કૂતરાને હવાદ આવતો લાગે ! પણ એકવાર કારેલાંનો હવાદ ચાઈખો, તો પછી કૂતરું તમારી પાંહે નીં આવહે !’
સોમુભાઈએ એ પણ ટ્રાય કરી જોયું ! પરંતુ એનાથી ખાસ ફેર ના પડ્યો. ઉલ્ટું, સોમુભાઈની ભૂખ જ મરી ગઈ ! આખો દિવસ થોડી થોડી વારે ગોળની કાંકરી ખાવાની આદત ધરાવતા સોમુભાઈની જીભમાં કારેલાંના રસનો સ્વાદ એટલો ખરાબ રીતે બેસી ગયો કે ગોળ ખાવામાં પણ પેલો કડવો સ્વાદ આવી જતો હતો !
પછી તો સોમુભાઈએ નવા નવા અખતરા કરી જોયા. ઝાડે ફરવા જવા માટેનો રસ્તો બદલી નાંખ્યો ! તો ત્રીજા જ દિવસે કાળુ એ રસ્તા ઉપર હાજર ! ઝાડે ફરવાની જગ્યા બદલી નાંખી ! તો બીજા જ દિવસે કાળુ દિશા સુંઘતો ત્યાં પહોંચી ગયો !
અરે, સોમુભાઈ ક્યાંકથી મોટો ચાર ફૂટ ઊંચો વાંસની પટ્ટીનો ટોપલો લઈ આવ્યા ! એ ટોપલાની અંદર બેસીને પ્રાતઃક્રિયા પતાવવાનું શરૂ કર્યું ! પણ પેલો કાળુ કૂતરો હવે એટલો નફ્ફટ થઈ ગયો હતો કે પંજા વડે ધક્કો મારીને અથવા મોં વડે ટોપલા નીચે ઘૂસીને તે ટોપલો ઉલાળી નાંખતો હતો !
હવે તમે જ કહો, રોજ સવારે તમને આવું ‘કોમેડી સરકસ’ મફતમાં જોવા મળતું હોય તો કોણ ના જુવે ? સોમુભાઈ સાથે આજે શું શું ખેલ થશે તે જોવા માટે ગામના ટીખળી જુવાનિયાઓ રીતસર પ્રેક્ષક બનીને ચારેબાજુ ફરતા રહેવા લાગ્યા ! એમાં વળી અમુક તો કાળુને ચગાવે : ‘છૂ… ! છૂ…! કાળુ છૂ…!!’
એક દિવસ જરા વધારે પડતું જ થઈ ગયું. કાળુ પેલા ટોપલાને ઉઠાવી શકતો નહોતો અને સોમુભાઈ પોતાની જાતને બચાવવા માટે ટોપલા સહિત આમથી તેમ ભાગી રહ્યા હતા એવામાં ત્રણ ચાર જુવાનિયાઓએ કાળુને મદદ કરવા માટે ટોપલો ઊંચો કરીને દૂર ફગાવી દીધો અને કાળુને બોચીથી ઝાલીને સોમુભાઈની પાછળ ગોઠવી દીધો ! અધૂરામાં પુરું કોઈએ સોમુભાઈનો લોટો પણ ઢોળી નાંખ્યો.
હવે સોમુભાઈનો પિત્તો ગયો. એમણે ગામના વડીલોને ભેગા કરીને ફરિયાદ કરી. પણ પેલા જુવાનિયાઓ સદંતર જુઠું બોલ્યા કે ‘એવું કંઈ થિયું જ નીં મલે ! કાળુને સોમુભાઈનું ગૂ ભાવે તેમાં અમે હું કરીએ ?’
સોમુભાઈ સમસમી ગયા. પરંતુ બહુ થોડા જ સમયમાં એમને બદલો લેવાની તક મળી ગઈ. એ ચાર પાંચ જુવાનિયાનાં એ સિઝનમાં લગ્ન થઈ ગયાં. હવે એમની નવી નવી વહુઓ આવી સોમુ દરજીને ત્યાં નવા કબજા સીવડાવવા ! સોમુ દરજી કહે ‘મેં નીં હીવી (સીવી) આપા ! તમારી હાહુઓને કે’વો કે અમે તો કબજા હીવડાવવા અમારે પીયર ચાઈલાં !’
હવે પેલા જુવાનિયાઓએ ગામના વડીલો આગળ ફરિયાદ કરી. વડીલોએ ચૂકાદો આપ્યો કે ‘કબજા તો હીવી જ આપવા પડે, સોમુભાઈ ! નીં તો ગામમાં રે’વાનું ભારે પડહે.’
સોમુ દરજી હવે વધારે વીફર્યા. અગાઉ તો એ માત્ર એકવાર મેઝર ટેપથી અને એક વાર નજરથી માપ લેતા હતા પણ હવે નવી વહુઓના માપ ચાર ચાર વાર લીધાં ! એટલું જ નહીં, ફીટીંગ જોવા બબ્બે વાર બોલાવે ! તે વખતે પણ ‘નજીક’થી બરાબર માપ લે !
પેલા નવા નવા પરણેલા જુવાનિયા ફરી ફરિયાદે ચડ્યા. પણ વડીલો આગળ સોમુ દરજી છૂટી પડ્યા : ‘કબજા હીવડાવવા હોય તો માપ આપવાં જ પડે કેનીં ? નીં ફાવે તો બીજો દરજી હોધી લેવો !’
આના કારણે વીફરેલા જુવાનિયાઓએ સોમુભાઈને રસ્તામાં આંતરીને માર મારવાની ધમકી આપી ! હવે તો સોમુભાઈ છેલ્લે પાટલે બેસી ગયા ! એમણે પોતાના સંચા પાસે પાટિયું માર્યું. ‘કબજાનાં નવાં માપ લેવાશે નહીં. માપ માટે જુનો કબજો આપી જવો. તે મુજબ જ સિલાઈકામ થશે.’
હવે તમે જ કહો, નવી નવી વહુઓનાં માપ તો છ આઠ મહિનામાં ફરી જ જાય ને ? એટલું જ નહીં, બીજી સ્ત્રીઓનાં માપ પણ સંતાનો થવાથી કે બીજા કારણસર ફરી જ જતાં હોય છે ને ? પણ સોમુ દરજી જીદ ઉપર અડીને બેઠા હતા. આના કારણે માત્ર અમારા પીપલધરા જ નહીં આજુબાજુના પાંચ ગામનાં બૈરાંઓને કબજાઓની ‘કબજિયાત’ થઈ ગઈ !
હવે તો પાંચ ગામનાં બૈરાંઓએ ભેગા મળીને અમારા પીપલધરા ગામના વડીલોને ફરિયાદ કરી ! પણ અમારા સોમુ દરજી ટસના મસ ના થાય…
આ બધા તમાશાને કારણે ફરક એટલો જ પડ્યો કે સવાર સવારના જ્યારે સોમુભાઈ લોટે જાય ત્યારે જુવાનિયાઓએ પીછો કરવાનું બંધ કર્યું ! પણ હા, પેલા કાળુ કૂતરાએ એની ભાવતી વાનગી છોડી નહોતી !
તમને થશે કે આ વારતાનો અંત શી રીતે આવ્યો હશે ? તો વાત એમ બની કે એક દિવસ સોમુ દરજી સંચે બેસીને સીવતા હતા ત્યાં એક ભૂરી ભૂરી આંખોવાળું કૂતરું પૂંછડી પટપટાવતું આવીને બેઠું. સોમુ દરજીએ એને રોટલો નાંખ્યો. એ ખાઈ ગયું !
...ત્યારે સોમુભાઈને થયું કે જો આને સાથે રાખું તો એ મને કાળુથી બચાવે ! અને ખરેખર એવું જ થયું ! ભૂરીયું કૂતરું રોજ સોમાભાઈ સાથે ઝાડે ફરવા જાય અને કાળુ સામે સતત ભસે !
પણ સોમુભાઈ એક ડિટેલમાં થાપ ખાઈ ગયેલા ! એ ભૂરું કૂતરું નર નહીં પણ ‘માદા’ હતું ! એટલે જતે દહાડે કાળુ અને ભૂરીને પ્રેમ થઈ ગયો !
છેવટે એવું જાણવા મળેલું કે સોમુ દરજી ગામ છોડીને જ જતા રહેલા… હજી સુધી તે પીપલધરા ગામમાં દેખાયા નથી !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
જો થઇ છે બિચારા હોમુભઇની,ગામ
ReplyDeleteછોઇડું પણ હહરીનાએ ગોળ મેયલોકે નીં?? નવા ગામમાં માપબાપ લેય કે પછી આંખથી જ ચલાવી લેતો છે ??