આજકાલ વોટ્સએપમાં જાતજાતનાં ગ્રુપો ચાલે છે; જોક્સનાં, ફ્રેન્ડ્ઝનાં, પોલિટિક્સનાં, ફેમિલીનાં, ફિલ્મી સંગીતના વગેરે વગેરે…
પરંતુ એમના ગ્રુપ એડમિનોના જુદા જુદા પ્રકાર હોય છે ! જેમ કે…
***
મનમોહનસિંહ જેવા એડમિન…
મહેતો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં ! એટલે ગ્રુપમાં એકની એક પોસ્ટ અઢાર વાર આવે, અંદરો-અંદર ટાંટિયાખેંચ ચાલે, કોઈ રીસાઈને જતું રહે, કોઈ ગમે ત્યાંથી ઘૂસ મારે… અને હા, દહાડાની ત્રણસો ચારસો પોસ્ટ આવીને પડી હોય એટલે ખરેખર તો નેવું ટકા લોકો ખોલીને જોતા પણ ના હોય ! છતાં ગ્રુપ એડમિનનો કોઈ વાંક ના કાઢે ! બોલો.
***
રાહુલ ગાંધી જેવા એડમિન…
સિરિયસ પોસ્ટ પણ જોક્સ બની જાય ! છતાં વખાણ તો એડમિનનાં જ થાય ! એ તો ઠીક, પણ જો કોઈ મેમ્બર બીજા મોટા ગ્રુપના એડમિનનાં વખાણ કરે તો એ તરત ‘રિમૂવ’ થઈ જાય !
***
કેજરીવાલ જેવા એડમિન…
એડમિન પોતે આ ગ્રુપ ચલાવવા કેટલી મહેનત કરે છે એની પોસ્ટ એડમિન પોતે જ મુક્યા કરે ! આ ગ્રુપ ચલાવવામાં પોતાને માથે કેટલું જોખમ છે, અને ‘સરકારથી થાય તે કરી લે, હું તો લખીશ !’ એવું વારંવાર લખ્યા કરે… ટુંકમાં ગ્રુપ ગ્રુપ નહીં પણ કોઈ આંદોલન હોય એવું જ લાગ્યા કરે !
***
સોનિયા ગાંધી જેવા એડમિન…
આ ગ્રુપમાં કોઈ પોસ્ટ જ ના હોય ! જો ભૂલેચૂકે આવે તો ચોવીસ કલાકમાં જ ‘ડિસ-એપિયર’ થઈ જાય ! એમાંય જો કોઈએ એડમિન વિશે કંઈ ઘસાતું લખ્યું હોય તો એ પોતે જ ભેદી રીતે ‘લેફ્ટ’ થઈ જાય ! છતાં ગ્રુપ વરસો લગી ટકી તો રહ્યું જ હોય…
***
મોદી સાહેબ જેવા એડમિન…
આમાં ગ્રુપના મેમ્બરોએ પોતાનાં સાચાં નામને બદલે એડમિનના આદેશ મુજબ નવાં નવાં નામો બદલતા રહેવું પડે છે. જેમ કે ‘એડમિન કા પરિવાર’ ‘મૈં ભી ગ્રુપ કા ચોકીદાર’ વગેરે. એ સિવાય એડમિનની નાની-મોટી તમામ સિધ્ધિઓની માટે તાળીઓના ગડગડાટનાં ઇમોજી જથ્થાબંધના હિસાબે મુકતાં રહેવાનું હોય છે !
***
નિતિશ કુમાર જેવા એડમિન…
આ ટાઇપના એડમિન પોતાનું નાનકડું વોટ્સએપ ગ્રુપ ચલાવે છે. પરંતુ મૂડ, મિજાજ અને મુદ્દાના આધારે બીજા કોઈ ગ્રુપમાં તમામ મેમ્બરોની સાથે ઘૂસ મારીને ધમધમાટી બોલાવી દે છે ! છતાં વળી ફરી કોઈ મૂડ, મિજાજ કે મુદ્દામાં વાંધો પડે તો આખું ઝુંડ લઈને એડમિન બીજા ગ્રુપમાં જોડાઈ જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment