આ ચૂંટણીનો પ્રચાર જેટલો ઝેરીલો હતો એનાથી ઊંધું, એના પરિણામો બિલકુલ ખાટા-મીઠાં આવ્યાં છે ! એ તો ઠીક, પણ આ વખતની ચૂંટણી બહુ જ અજબ હતી… જુઓ !
***
અહીં એક આતંકવાદીને જેલમાં મોકલનારા વકીલ ચૂંટણી હારી ગયા અને એક આતંકવાદી જેલમાં બેઠાં બેઠાં ચૂંટણી જીતી ગયો !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
અહીં અજમેર શરીફની દરગાહ પાસેના વિસ્તારમાં ભાજપ જીતી ગયું અને ત્યાં રામમંદિર પાસેના વિસ્તારમાં ભાજપ હારી ગયું !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
જ્યાંના બળાત્કારોએ દેશભરમાં ચકચાર અને હાહાકાર મચાવ્યો હતો એ જ બળાત્કારોનો કહેવાતો આરોપી પ્રચંડ બહુમતીથી જીતી ગયો !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
છેક ૧૯૯૬થી જે શિવસેનાએ ભાજપને સાથ આપ્યો તેની સાથે દગો કર્યો અને હવે દગાબાજ તરીકે જાણીતા એવા નિતિશકુમારને સાથી બનાવવા પડે છે !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
જ્યાં અગાઉ ચૂંટણી વખતે સાડી, કુકર, ટીવી અને ચિકન વહેંચાતા હતા ત્યાં આ વખતે બળાત્કારોની સેંકડો વિડીયોની પેન-ડ્રાઈવો વહેંચાઈ ગઈ !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
આ ચૂંટણીમાં રાજકીય હત્યાઓનો આંકડો માત્ર ૩૦ની આસપાસ રહ્યો પરંતુ ભયંકર ગરમીને કારણે ચૂંટણીપંચના ૪૪ જેટલા કર્મચારીઓનાં મોત થઈ ગયાં !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
જે લોકો પીઓકે લઈ લેવાની વાતો કરતા હતા. એ લોકો પોતાની અયોધ્યા સીટ પણ સાચવી ના શક્યા !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
વરસે લાખ રૂપિયા આપવાનાં માત્ર વચન આપીને એક પાર્ટીએ કરોડો વોટ લઈ લીધા અને જેણે ચાર વરસ લગી કરોડોને મફત અનાજ આપ્યું એના લાખો વોટ ધોવાઈ ગયાં !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
અને લગભગ ૫૦ ટકા હિન્દુઓ તો મત આપવા જ ના ગયા… અને હવે હિન્દુ જ હિન્દુઓને કહી રહ્યા છે કે તમે નગુણા, નફ્ફટ અને અહેસાન-ફરામોશ છો !
… અજબ ચૂંટણી હતી, ભાઈ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment