છાપાળવી ભાષાના છમકારા !

ગઈકાલે જે છાપાંઓની ભાષાના મુહાવરાની વાત કરી હતી તેને આજે આગળ વધારીએ…? જુઓને છાપામાં છપાતી ભાષા એની મેળે જ ક્યારે રમૂજ પેદા કરી નાંખે છે !

*** 

દાખલા તરીકે દિલ્હીની પાણી સમસ્યાના સમાચારો જ લઈ લો...

- પાણી-માફિયાઓ કોર્ટના આદેશને ‘ઘોળીને પી ગયા...’

- પ્રજા ન્યાય માટે ‘તરસી’ રહી છે...

- શું આખા મામલે લાંચના નાણાંની ‘રેલમછેલ’ જવાબદાર છે ?

- હકીકત શું છે ? અફવાઓનું ‘ઘોડાપૂર’...

- વિપક્ષી નેતાઓ ‘જામીને વરસ્યા’ દિલ્હીની સરકાર ઉપર.. (‘જમકર બરસે’નો અનુવાદ !)

- જવાબ આપવાને બદલે ‘પાણીમાં બેસી ગઈ’ દિલ્હી સરકાર...

- છેવટે મિડીયા દ્વારા ‘ભીનું સંકેલવાનો પ્રયાસ...’
(જોયું ? પાણીને લગતા તમામ રૂઢિપ્રયોગો પાણીના જ સમાચારોમાં કેવા ફની લાગે છે !)

*** 

(આ રીતે આંખ અને કાન પણ કેવા ઊંધા ભરાય છે તે જુઓ...)

- આઈ હોસ્પિટલના કૌભાંડ સામે અદાલતે કરી ‘લાલ આંખ’ !
(આ ‘લાલ આંખ’ તો એટલી બધી વાર થાય છે કે અદાલતે હવે આઈ-ચેક-અપ કરાવી લેવાની જરૂર છે.)

- સરકારી આઈ હોસ્પિટલમાં ‘આંધળે બહેરું કૂટાયું...’ આંખની હોસ્પિટલમાં કાનની દવાઓ ખરીદાઈ !

- દરદીઓની ફરિયાદ ‘બહેરા કાને’ અથડાય છે !

- સરકાર કરી રહી છે ‘આંખ આડા કાન’...!

- આ છે આઈ હોસ્પિટલનો ‘આંખે દેખ્યો અહેવાલ’...

- આઈ હોસ્પિટલ મામલે સરકારની ‘આંખો ક્યારે ઉઘડશે ?’

- તંત્રને ‘અંધારામાં રાખીને’ ખેલાયો આખો ખેલ...

- ઉચ્ચ અધિકારીઓનાં અંદરોઅંદર ‘આંખ-મિચામણાં !’

*** 

(આવું જ ‘ખાવા’ની બાબતમાં થાય છે ! જેમ કે...)

- મધ્યાહન ભોજનમાં ચાલી રહી છે ‘ખાયકી...’

- બાળકોનું બજેટ અધિકારીઓ જ ‘ખાઈ ગયા’...

- ખાતાકીય તપાસને નામે ‘લાંચ ખાતા’ પકડાયા અધિકારી...

- ખુદ મંત્રીશ્રીએ કરી માર્મિક ટકોર : ‘કયું ખાતું’ ખાતું નથી ?

(રહી રહીને સાહેબનો ડાયલોગ યાદ આવે છે કે ‘ખાતો નથી, ખાવા દેતો નથી !’)

*** 

(અમુક સમાચારોમાં રસોડું પણ આવી જાય છે, જુઓ...)

- મંત્રીશ્રીએ ‘મમરો’ મુક્યો હતો...

- પણ અધિકારીઓએ ‘ભાંગરો વાટ્યો’...

- જેના લીધે નેતાજીને ‘મરચાં લાગ્યાં’...

- અને અભિનેત્રીની ‘જીભ લપસી’...

- આ બધામાં મિડીયાને મળ્યો ‘મસાલો’...

***

- મન્નુ શેખચલ્લી

Comments