રણઝણસિંહનુ અવળચંડું એનાલિસિસ !

અમે અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને જ્ઞાનના સાગર સમાન રણઝણસિંહના ઘરે પહોચ્યા ત્યારે એ છાપાંના પાનાં પહોળા કરીને એમાં ડૂબેલા દેખાયા.

અમે કહ્યું ‘જોયું ને? આખરે રાહુલ ગાંધી ફૂલ્લી મેચ્યોર થઈ ગયા ને ?’

‘હવે ટોણા મારવાનું રે’વા દ્યે મન્નુડા ! રાહુલ ગાંધી હવે એટલા જ્ઞાની થઈ ગ્યા છે કે નવી મહાભારત લખી હકે, જેમાં પાંડવો ઉપર જીએસટી હોય અને કૌરવોની નોટબંધી હોય ! ઇ તો ઠીક, હસ્તિનાપુરના ઉદ્યોગપતિઓની સંપત્તિ જપ્ત કરીને અયોધ્યાના ગરીબોમાં વહેંચી દે !’

અમે હસવા લાગ્યા. ‘જે હોય તે, પણ વિપક્ષી ગઠબંધનની એકતાએ સપાટો બોલાવી દીધો.’

‘ઇ એકતાની ક્રેડિટ કોને જાય છે ખબર છે ?’

‘નિતિશકુમાર ?’ અમે યાદ કર્યું. ‘એમણે જ સૌથી પહેલાં ઝંડો હાથમાં ઉપાડ્યો હતો !’

‘અને આજે ઇ જ મોદીની હાર્યે બેહી ગ્યા !’ રણઝણસિંહ દાઢમાં હસ્યા. ‘ગાંડા વિપક્ષી એકતાનું મૂળ કારણ ઈડી છે.. ઈડી !’

‘ઈડી ? શી રીતે ?’

‘ભાઇ મન્નુ, તું જરીક હમજ. કોઈ નેતા પોલિટીક્સમાં શા માટે આવે છે ?’

‘પ્રજાની સેવા કરવા ?’ અમે ભોળો ઓપ્શન પસંદ કર્યો.

‘અલ્યા, તું ય મને ભારતની ભોળી પરજા હમજે છે ?’ રણઝણસિંહ બોલ્યા. ‘સીધી વાત છે, નેતાઉં પોલિટીક્સમાં રૂપિયા બનાવવા આવે છે ! હવે તું જ વિચાર કર, જો એમની નોટુંના ઢગલે ઢગલા ઓલ્યા ઇડીવાળા પકડી પાડે તો પોલિટીક્સમાં કમાવાનું જ શું રી’યુ ?’

‘હા, એ વાત સાચી.’

‘અટલે હંધાયના પગ તળે, અથવા કયો કે કમાણીની દુકાન હેઠે ઇડીનો રેલો આઈવો કે તરત હંધાય જાઈગા ! બાપલ્યા, હવે તો કાંઈ કરવું પડશે નઈતર આપણી તો પેઢીયું જ બંધ થઈ જાશે !’

‘અચ્છા, એટલે ઇડીથી એમનામાં એકતા આવી, એમ ?’ અમે ખોંખારો ખાધો. ‘તો પછી જે રીતે ભાજપ અયોધ્યામાં જ હારી ગયું, એ જોતાં હિન્દુઓને -’

‘મન્નુડા !!’ અમારી વાત વચમાંથી જ કાપતાં રણઝણસિંહે છાપાં સમેટવા માંડ્યા. અખબારોની ગડી કરતાં એ બોલ્યા :

‘હવે ગઈ ગુજરી ભૂલી જાવ… અને કામે વળગો ! દિવસ રાત મહેનત કરો, રૂપિયા પેદા કરો, સંપત્તિ ઊભી કરો. બેન્ક બેલેન્સ બનાવો, મૂડી જમા કરો…’

‘ટુંકમાં રાષ્ટ્રનું નિર્માણ કરવામાં લાગી જાવ, એમ જ ને ?’

‘ના !’ રણઝણસિંહ હસ્યા. ‘આ જે નવા ૫૪૩ ચૂંટ્યા છે એમના ઘર ભરવાં પડશે ને ? એક જ ટારગેટ રાખ મન્નુડા કે આવનારા પાંચ વરહમાં હંધાયની મિલકતું આપણે જ પંદર ગણી કરી આપવાની છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments