મગન ભૂલાની સ્મશાનયાત્રા પહેલાંની યાત્રા !



નવી શ્રેણી....ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…

‘ગમન ભૂલાએ મને પાંચમાં ધોરણનાં ચોપડાં લેઈ આપેલાં ! એ તો બો’ હારો માણહ ઉતો…’

ધ્રુસકે ધ્રુસકે રડી રહેલો બત્રીસ વરસનો બિચારો દિનુ વારંવાર એક જ વાત કરી રહ્યો હતો. ફળિયાના લોકો એની પીઠ પસવારીને એને આશ્વાસન આપી રહ્યા હતા ‘બસ કર દિનીયા. ભગવાંનની મરજી હાંમુ કોણનું ચાલતું છે ?’

વાત એમ હતી કે બોંતેર વરસના ગમન ડોસા યાને કે ગમનભાઈ ભૂલાભાઈ શ્રાવણ મહિનામાં ભરાતી મહાલક્ષ્મીની જાત્રાએ ચાલતા ગયા હતા. પાછા ફરતાં થાક લાગવાથી એક રાનકૂવા ગામમાં કોઈ ઓળખીતાને ત્યાં રાત રોકાયેલા. પણ સવારે જોયું તો ગમન ડોસાનું પ્રાણપંખેરું ઊડી ગયેલું !

હવે આ લોકો તો કંઈ ગમન ભૂલાના સગા નહોતાં કે એમને છેક એમના ગામડે પહોંચાડે. એટલે એક રસ્તો કાઢ્યો. ગામમાંથી દિવસમાં બે જ વાર પસાર થતી એસટી બસના કંડકટરને કહ્યું કે ‘ભાઈ ખેરગામ પાંહે આવેલા જામણપાડા ગામમાં ખબર પહોંચાડવાની કે તેમના ગાંમનો ગમન ભૂલો ડોહો ચાલી ગેયલો છે, તો તેને લેઈ જવાની વ્યવસ્થા કરજો.’

કંડકટરે એ સંદેશો બસના છેલ્લા સ્ટેશન ખેરગામ સુધી પહોંચાડ્યો અને ત્યાંથી કોઈ બળદગાડામાં જતા મુસાફરે અહીં આપણા જામણપાડા ગામમાં જ્યારે પહોંચતો કર્યો ત્યાં સુધીમાં તો બપોરના બાર વાગી ગયેલા.

ફળિયામા ખબર આવ્યા ત્યારથી દિનુએ રડવાનું ચાલુ કરી દીધેલું. ‘ડોહો બો’ હારું માણહ ઉતો… મને પાંચમા ધોરણનાં ચોપડાં લેઈ આપેલાં…’ 

જ્યારે હકીકત તો એ હતી કે દિનુ એ જ ચોપડા વડે પાંચમાં ધોરણમાં ત્રણ ત્રણ વાર નપાસ થયો હતો. પરંતુ ફળિયામાં સૌ ગમન ભૂલાને જુદી જુદી રીતે યાદ કરી રહ્યા હતાં.

‘મારી વહુ ગાભણી (પેટથી) ઉતી તિયારે અડધી રાતે તેને ખાટી કેરી ખાવાનું મન થેલું… તો ગમન ભૂલો છેક તેના ખેતરના આંબેથી કેરી તોડી લાવીને આપી ગેલો…’

‘અરે, વરહાદના તોફાનમાં મારી ગભાણ (ઢોર રાખવાની જગ્યા)ની તાડપત્રી ઉડી ગેલી, તે ગમન ભૂલો છેક કાંથી હોધીને પાછી લેઈ આવેલો…’

‘બાર વરહ પેલ્લાં મહાલક્ષ્મીની જાત્રામાથી મારા હારુ ધજમજેની છત્રી લેઈ આવેલો તે અ’જુ ચાલતી છે…’

સદ્‌ગતને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ હજી લાંબો ચાલ્યો હોત પણ ગામનો ટેમ્પાવાળો ખંડુ અકળાયો ‘રડવાનું પછી રડ્યા કરજો. પણ એમ વિચારો કે ગમન ભૂલાને અંઈ લાવવાનો કેમ કરીને ?’

ફળિયાંવાસી પાસે એનો કોઈ જવાબ નહોતો. કેમકે રાનકૂવા કંઈ બગલનું ગામ થોડું હતું કે ચાર જણા બાંધીને ઉપાડી લાવે ? જોકે જવાબ ખંડુ ટેમ્પાવાળા પાસે જ હતો : 

‘તેમ કે’ય તો મેં મારો ટેમ્પો લેઈને જાઉં… ડિઝલનો ખર્ચો હો મારો ! પણ -’

પણ ખંડુનો એક નાનકડો સ્વાર્થ હતો. એણે કહ્યું ‘રાનકૂવા ગામમાં નવસારનો દારૂ બો’ ફક્કડ મલતો છે. જો તમે પૈહા આપે તો હાથેહાથે ભૂસું (ચવાણું) હો લેતો આવું !’

આ આઇડિયા બધાને ગમી ગયો ! કેમ કે તમને અગાઉના કિસ્સાઓમાં કહ્યું તેમ, કોઈ વડીલ જ્યારે પુરી ઉંમરે ગુજરી જાય ત્યારે સ્મશાનમાં ચિતા સળગાવ્યા પછી ડાઘુઓને દારૂ અને ચવાણુંનો રીવાજ હતો.

પૈસાની વ્યવસ્થા તરત જ થઈ ગઈ ! સાથે સાથે આપણો દિનુ પણ તૈયાર થઈ ગયો. ‘ખંડુ, મેં તારી હાથે આવા… આ ગમન ભૂલાએ મને પાંચમાનાં ચોપડાં લેઈ આપેલાં ! આજે મારી આટલી તો ફરજ ગણાય કેનીં ?’

મૂળ તો દિનુને પણ પેલા રાનકૂવાની ભઠ્ઠીનો દારૂ પીવાની તલબ હતી ! ટેમ્પામાં ચાદર, તાડપત્રી, દોરડી, દોરડું વગેરે લઈને એ લોકો નીકળ્યા ત્યારે કાળાં વાદળ ઘેરાવાનાં શરૂ થઈ ગયેલાં ! રાનકૂવા પહોંચ્યા ત્યારે મસ્ત ઝીણોઝીણો વરસાદ ચાલુ થઈ ગયેલો ! અને ગમન ભૂલાની બોડી ટેમ્પોમાં ચડાવીને રાનકૂવાની દારૂની ભઠ્ઠીએ પહોંચ્યા ત્યારે તો લહેરાતા પવનની સાથે વરસાદની હેલી ચાલુ, બોસ !

હવે તમે જ કહો, ભલે તમે ડાઘુ હો, ભલે તમારે તમારા ફળિયાના વડીલની લાશને અવલ-મંઝિલે પહોંચાડતાં પહેલાં ઘરે પહોંચાડવાની હોય પણ આવી મોસમમાં નશો કરનારનો જીવ ઝાલ્યો રહે ખરો ? દિનુ અને ખંડુ ભઠ્ઠી પાસેના છાપરાં નીચે જ બેસી પડ્યા ! ઉપરથી દિનુ હવે અસલી ‘શોક-ભવન’માં પહોંચી ગયો. એ રડતો જાય, પીતો જાય, આંસુ લૂછતો જાય અને લવારી કરતો જાય.

‘ગમન ભૂલો બો’હારૂ માણહ… ખંડુ ! મને પાંચમાંનાં ચોપડાં લેઈ આપેલાં… હારા, મેં જરીક ધિયાનથી ભણેલો ઓ’તે તો ગમન ડોહો આજે સરગમાં બેઠો બેઠો મને સાબ્બાસી આપતો ઓ’તે ! પણ ખંડુ… મેં નાપાસ થિયો… બાકી, ગમન ભૂલો બો’ હારૂ માણહ…’

ખેર, પીવાનું તો પત્યું. પણ એ દરમ્યાનમાં વરસાદનું જોર વધી ગયું. ખંડુએ ગમન ડોસાની લાશને તાડપત્રીથી લપેટીને દોરડીઓ વડે બાંધીને, જાડા દોરડા વડે ટેમ્પાના હૂકમાં ભરાવી રાખી હતી, જેથી ક્યાંક ‘ખલવાઈ’ ના પડે ! પરંતુ ગમન ભૂલાના નસીબમાં સ્મશાનયાત્રા પહેલાંની યાત્રા લાંબી લખાયેલી હતી !

એક તો રાનકૂવા પહોંચવામાં મોડું કરેલું, ઉપરથી પીવામાં ટાઇમ બગડ્યો. અને હવે વરસાદ ! ખંડુ ટેમ્પો ચલાવતો તો હતો પણ ભઠ્ઠીના છાપરાં નીચે લગાડેલા ચાર ચાર ગ્લાસની અસર પણ કંઇ કમ નહોતી !

એવામાં વરસાદનું જોર અતિશય વધી ગયું ! તમને કદાચ ખબર હશે કે દક્ષિણ ગુજરાતમાં જ્યારે મુશળધાર વરસાદ પડે ત્યારે વાહનની લાઈટો ચાલુ હોય તો પણ તમને પાંચ ફૂટ દૂર શું છે તે દેખાય નહીં !

આમાં ને આમાં ખંડુ રસ્તો ભૂલ્યો !

‘ખંડુ, આ આમલી પાંહે તો આપણી બીજી વાર આઈવા ! આપણે ગોળગોળ ફરિયા કરતા છે કે હું ?’ 

દિનુ નશા સાથે ટેન્શનમાં હતો. જ્યારે ખંડુ કોન્ફીડન્સ સાથે નશામાં હતો : ‘કંઈ રસ્તો ભૂલેલા નીં મલે ! જરીક આફા-તીફા થિયા (આફા-તીફા એટલે આમતેમ) ઓહે, પણ રસ્તો મને પાક્કો ખબર !’

જોકે એકાદ કલાક ગોળગોળ ફર્યા પછી બન્ને જણા થાકી ગયા. ઉપરથી અંધારું પણ થઈ ગયું ! હવે આવી વરસાદી રાતમાં રસ્તો ય કોને પૂછવો ? એટલે નક્કી કર્યું કે ‘હવાર પડે તિયારે વાત !’

પણ રાત્રે ભૂખ લાગી ! એનું શું ? તો બોસ, પેલું ભૂસું તૈયાર જ હતું ને ? પ્લાસ્ટિકની કોથળીઓ ખુલી, બાટલીઓ પણ સંગાથમાં હતી જ ને ? એટલે…

બિચારા ગમન ભૂલાને સ્વપ્નેય એવો વિચાર નહીં આવ્યો હોય કે એ મર્યા પછી તાડપત્રીમાં વીંટાઈને ટેમ્પોના કેરિયરમાં સૂતો હશે અને આગળ બેઠેલા એના બે સારથિઓ એને ‘યાદ’ કરીને ક્યારેક રડતા તો ક્યારેક હસતા અને છેવટે નસકોરાં બોલાવીને ઊંઘતા હશે !

ખેર, સવાર પડી. ઉઘાડ નીકળી ચૂક્યો હતો. આવતા જતા માણસને પૂછતાં રસ્તો પણ જડી ગયો, પરંતુ હવે નવી મુસીબત આડી ઉતરી હતી…

આ આડી ઉતરેલી મુસીબતનું નામ ખરેડા નામની નદી હતું !

અહીં એક લો-લેવલનો બ્રિજ હતો પરંતુ રાત્રે ઉપરવાસમાં એટલો બધો વરસાદ થયો હતો કે આ પુલની ઉપરથી પૂરનાં પાણી ધસમસતાં જઈ રહ્યાં હતાં ! પૂલના બન્ને છેડે બળદગાડાં, બાઈકો અને સાઈકલો પુર ઉતરવાની રાહ જોતાં ઊભાં હતાં.
આ બાજુ દિનુના પસ્તવાનો પાર નહોતો : 

‘ખંડુ, આપણે બો’ ખોટું કામ કઈરું… આ ગમન ભૂલાએ મને પાંચમાનાં ચોપડાં અપાવેલાં… મેં નીં ભઈણો તો નીં ભઈણો, પણ હારા, દારૂ નીં પીવો જોઈતો ઉતો… આમાં જ બિચારા ગમન ભૂલાનો આત્મા ભૂલો પડી ગિયો ! એટલે આપણને હો ભૂલા પાઈડા…. ખંડુ, ગમન ભૂલાએ મને પાંચમાંના ચોપડાં -’

અચાનક ખંડુની છટકી ! એણે બે ગાળ દઈને ટેમ્પો ધમધમાવીને પુલ ઉપરથી વહી જતાં પાણીમાં ઝંપલાવી દીધો ! ટેમ્પો જોશભેર ધસી રહ્યો હતો પણ પુલનો પોણો ભાગ પસાર થવા આવ્યો ત્યારે જ મોટી ઘરઘરાટી સાથે ડચકાં ખાતો ટેમ્પો બંધ પડી ગયો ! હવે ?

જોશભેર વહી રહેલા પાણીમાં ટેમ્પો તણાઈ જાય એવી સ્થિતિ થઈ ગઈ ! એ તો સારું થયું કે બન્ને બાજુથી બળદગાડાંવાળા દોડી આવ્યા અને ધક્કા મારીને ટેમ્પાને સામે છેડે પહોંચાડી દીધો. પરંતુ અંદર પાણી ભરાઈ જવાને કારણે ટેમ્પો સ્ટાર્ટ થવાનું નામ જ લેતો નહોતો !

એક બાજુ દિનુ માથે હાથ દઈને ગમન ભૂલાના ઉપકારો યાદ કરીને રડવા બેઠો હતો તો બીજી બાજુ ખંડુ ઊભોઊભો ધૂંધવાઈ રહ્યો હતો. છેવટે અડધા પોણા કલાકે નદીનાં પાણી ઉતર્યાં તો ખરાં ! બળદગાડાંની અવરજવર ચાલુ થઈ.

એકાદ બળદગાડાની લિફ્ટ લેવાના ઇરાદે ખંડુએ ટેમ્પામાંથી ગમન ભૂલાની લાશ ખભે ઉપાડીને રસ્તા ઉપર હજી ગોઠવી જ છે ત્યાં નવી ઉપાધિ આવી પડી ! 

નજીકના ગામમાં રહેતા ખુશાલ ગામીત નામના ગ્રામ્ય પોલીસના હવાલદાર ત્યાંથી સાઈકલ લઈને ડ્યૂટી પર જઈ રહ્યા હતા ! એમની ‘ચકોર’ નજર આ લાશ ઉપર પડી !

તમે જ કહો, બાર બાર વરસથી ગ્રામ્ય પોલીસ તરીકે તમે દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ જ પાડી હોય, અથવા કોઈની ચોરાયેલી ભેંશ કે પછી આંબાવાડીમાંથી ‘ખાતર’ પાડીને લૂંટાઈ ગયેલી કેરીઓની જ ફરિયાદો સોલ્વ કરી હોય, એને કદી આવો ‘ખૂન-કેસ’ મળ્યો હોય ખરો ? કોન્સ્ટેબલ ખુશાલ ગામીત તરત જ ‘ફોર્મ’માં આવી ગયા ! 

‘એઈ ! આ કોની લાશ છે ? કાં લેઈ જતા છે ? દાટવા હારુ જતા છે ? કોનું મર્ડર કરેલું છે ?’

હવાલદાર સાહેબે બન્નેની ‘મુદ્દામાલ’ સાથે ધરપકડ કરી ! શી રીતે ? ટેમ્પોમાંથી દોરડું કાઢીને બન્નેના હાથે બાંધ્યું. ગમન ભૂલાની લાશને કોઈના બળદગાડામાં સૂવડાવી ને કીધું ‘લેઈ ચાલો, ચીખલી પોલીસ સ્ટેશને !’

આવું અનોખું ‘સરઘસ’ જોઈને આજુબાજુના ગામવાળાનાં ટોળાં ભેગાં થવા માંડ્યાં ! હવે વાચકમિત્રો, તમે આખી કહાણીનું વર્તુળ જુઓ, સાહેબો… કે એ જ વખતે પેલી એસટી બસ ત્યાંથી નીકળી !

ભીડને કારણે ધીમી પડેલી બસમાંથી પેલા અસલ ‘સંદેશવાહક’ કંડક્ટરે બારીમાંથી ડોકીયું કરીને પૂછ્યું કે ‘આ હું છે, બધું ?’

ત્યારે તરત જ તક ઝડપીને ખંડુએ ખુલાસો કર્યો કે ‘અમે તો જામણપાડા ગામથી ટેમ્પો લઈને રાનકૂવા ગયેલા. આ ગમન ભૂલાને લેવા… પણ રાતે ભૂલા પઈડા, ને…’

બસ, પછી શું ? બસ ઊભી રખાવીને ઉતરી પડેલા કંડક્ટરે હવાલદાર ખુશાલ ગામીતને આખી વાત સમજાવી ત્યારે તે માન્યા !

પણ થોભો. અહીંથી ગમન ભૂલાને પોતાને ગામ પહોંચડવાની યાત્રા તો બાકી જ હતી ને ? તો કંડક્ટરે  બે ટિકીટ પેસેન્જરોની અને ત્રીજી ટિકિટ ૬૭ કિલો 'લગેજ- સામાન'ની ફાડીને એમને ખેરગામ પહોંચાડ્યા... ત્યાંથી બળદગાડામાં, વહેલું આવે જામણપાડા ગામ !

ચાલો, જે થયું તે, ગમન ભૂલાની લાશ આખરે અવલ મંઝિલે પહોંચી ખરી ! હા, બિચારા જામણપાડા ગામના લોકો જે રાનકૂવાનો ‘ફક્કડ’ દારૂ પીવાના મૂડમાં હતા એમની મઝા સહેજ મરી ગઈ. બાકી જો…

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

  1. It gave a.feeling that as if we are travelling with the dead body heartily enjoyed Thanks Lalitbhai

    ReplyDelete

Post a Comment