છેલ્લાં ૬૦-૭૦ વરસમાં જેટલાં સામાજિક, રાજકીય અને ટેકનોલોજીકલ પરિવર્તનો આવ્યાં છે કે આજના સિનિયર સિટીઝનોની પેઢી જાણે ત્રણ-ત્રણ યુગમાંથી પસાર થઈ છે !
આ પેઢી ખરેખર અનોખી છે કારણ કે…
***
આ છેલ્લી પેઢી છે…
જે પોતાનાં મા-બાપથી ડરતી હતી.
અને પહેલી પેઢી છે…
જે પોતાના સંતાનોથી ડરે છે !
***
આ છેલ્લી પેઢી છે…
જે પોતાના બાપાને કશું શીખવાડી શકવાનો ફાંકો રાખી શકે તેમ નથી.
અને આ પહેલી પેઢી છે…
જેને પોતાના સંતાનો પાસેથી નવી ટેકનોલોજી ઝખ મારીને શીખવી પડે છે !
***
આ છેલ્લી પેઢી છે…
જેણે પગપાળા, સાઇકલ, સ્કુટર, બસ, ટ્રેન અને વિમાનની એમ તમામ વાહનોની સફર પણ કરી લીધી છે.
અને આ પહેલી પેઢી છે…
જેણે આજે ટ્રેન અને વિમાનમાં જવા માટે સંતાનો પાસે ટિકીટ બુક કરાવવી પડે છે !
***
આ છેલ્લી પેઢી છે…
જેને આજે ૭૦ વરસ જુનાં ગાયનો પણ યાદ છે.
અને આ પહેલી પેઢી છે…
જે સંગીતપ્રેમી હોવા છતાં છેલ્લાં ૧૭ વરસથી કોઈ નવું ગાયન સાંભળ્યું જ નથી !
***
આ છેલ્લી પેઢી છે…
એવી મહિલાઓની, જેમણે પોતાની સાસુનું કહ્યું સાંભળી લીધું છે.
અને આ પહેલી પેઢી છે…
જેનું કહ્યું એમની વહુ સાંભળતી નથી ! બોલો.
***
પણ આ છેલ્લી પેઢી છે…
એવી પત્નીઓની, જેમણે શરૂઆતમાં પતિનું કહ્યું માન્યું છે અને હવે બિચારો પતિ એનું કહ્યું માને છે !
અને આ પહેલી પેઢી છે…
એવા પતિઓની, જે પોતાના દિકરાને સામે ચાલીને સલાહ આપે છે, કે બેટા, પત્નીનું કહ્યું માનશે… તો સુખી થઈશ !
***
બાકી આ છેલ્લી પેઢી છે…
જેણે જિંદગીમાં લાખો રૂપિયા કમાયા હોવા છતાં પાંચ-પાંચ પૈસાનો હિસાબ પણ રાખ્યો હોય !
છતાં, આ પહેલી પેઢી છે…
જે વસિયતમાં લાખોની મિલકત મુકી જશે છતાં એમની આજે કિંમત પાંચ પૈસાની યે નથી… બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment