લોકસભાની ચૂંટણીનાં જે પરિણામો આવ્યાં છે તે શેરબજાર સહિત બહુ લોકોને માટે ચોંકાવનારા નીકળ્યાં છે ! (ખુદ કોંગ્રેસને મત આપનારા પણ ચોંકી ગયા છે ! બોલો.) પરંતુ પરિણામો પછી જીત સિવાયની પણ અમુક ખુશીઓની લહેર ફરી વળી છે ! પ્લસ થોડી આગાહીઓ પણ છે…
***
સૌથી પહેલાં તો ઈવીએમમાં કોઈ ગડબડ થઈ જ નથી ! બોલો ખુશ ?
***
બીજું, ચુંટણીપંચ સરકારની કઠપૂતળી નહોતું ! ખુશ ?
***
ત્રીજુ, લોકશાહી હવે ખતરામાં નથી ! ખુશ ?
***
દેશમાં સરમુખત્યારશાહી... તાનાશાહી... હિટલરશાહી.. એમાંનું કશું આવ્યું નથી ! હવે ખુશ ?
***
હજી સાંભળો,. ચારસો પાર નથી ગયા એટલે બંધારણ પણ ખતરામાં નથી ! હવે ખુશ ?
***
એમ તો, તમારાં મંગળસૂત્ર પણ કોઈ છીનવી જશે નહીં ! શું કહો છો, ખુશ ને ?
***
અરે, તમારા વાડામાંથી કોઈ ભેંશ પણ છોડીને નહીં લઈ જાય ! બોલો, ખુશ ?
***
લઘુમતીઓ પણ હવે ‘સલામત’ છે ! બોલો, ખુશ ? (અરે, પીઓકે પણ બચી ગયું !)
***
અને હા, વિપક્ષી નેતાઓએ જેલમાં પણ નહીં જવું પડે ! હવે તો ખુશ કે નહીં ?
***
બીજી બાજુ કેટલીક આગાહીઓ પણ છે...
- એક્ઝિટ પોલમાં ગપગોળા ચલાવ્યા બાદ એકપણ ન્યુઝચેનલ કે કોઈપણ એજન્સી માફી માગશે નહીં !
- ૪૦૦ પાર જેવી પ્રચંડ જીતની આગાહી કરનારા જ્યોતિષીઓ પણ ગાયબ થઈ જશે !
- ત્રણ દિવસ પહેલાં જે ‘એક્સ્પર્ટો’ એનડીએ શા કારણે છવાઈ જશે તેની ‘છણાવટ’ કરતા હતા એ જ એક્સ્પર્ટો હવે એનડીએનું ધોવાણ શા કારણે થયું તેના ‘એક્સ્પર્ટ ઓપિનીયન’ આપતા હશે !
- ખાસ તો કોંગ્રેસે દર મહિને ૮૫૦૦ રૂપિયા ખટાખટ... ખટાખટ... આપવા નહીં પડે !
- પહેલી જુલાઈએ જે બાર લાખ નોકરીઓ લાગવાની હતી... ખટાખટ... ખટાખટ... એ પણ નહીં આપવી પડે !
- અરે, કોંગ્રેસીઓની ‘ઘરવાપસી’ શરૂ થઈ જશે ! એમને હવે ‘યાદ’ આવશે કે કોંગ્રેસ કેટલી સારી હતી !
- શેરબજારના નાના ઇન્વેસ્ટરોએ હવે રેકોર્ડ-બ્રેક તેજી માટે વધુ પાંચ વરસ રાહ જોવી પડશે... વધુ એક એક્ઝિટ પોલની !
- અને હા, એકાદ ભાજપી નેતાને તો ઇવીએમમાં ખામી દેખાશે જ !
બોલો, લોટા જેવી લોકશાહી ઝિન્દાબાદ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment