એક્ઝિટ પોલની પોલમપોલ !

ચૂંટણીમાં છેલ્લા તબક્કાનું મતદાન હજી પત્યું ના પત્યું, ત્યાં તો અડધો ડઝન જેટલી એજન્સીઓ કે ચેનલોના એક્ઝિટ પોલ આવી ગયા ! આ પોલમાં પોલમપોલ શું છે ? જરા સમજો…

*** 

દેશના ૭૦ થી ૮૦ કરોડ મતદારોએ જે મત આપ્યા છે એમાંથી માત્ર ૭૦૦૦ થી ૮૦૦૦ મતદારોને ‘તમે કોને વોટ આપ્યો’ એમ પૂછીને જે આંકડા કાઢવામાં આવે છે તેને એક્ઝિટ પોલ કહે છે.

*** 

મઝાની વાત એ છે કે માત્ર ૦.૦૧ ટકા મતદારોએ જે કહ્યું તેના આધારે જે આંકડા બહાર પાડવામાં આવે છે એમાં ઓલરેડી ’૧૦ થી ૧૫ સીટો પ્લસ-માઇનસ’ છે એવું કહેવામાં આવે છે !

*** 

એનાથી પણ મઝાની વાત એ છે કે વિવિધ એજન્સીઓના જે આંકડાઓ હોય છે એમાં એકબીજાથી ૨૦ થી ૩૦ સીટોનો ફરક હોય છે !

*** 

ટુંકમાં સમજો તો ૦.૦૧ ટકાના આધારે જે આંકડા બહાર પડે છે એમાં ૩૦થી ૪૦ સીટોનો ‘ઝોલ’ (‘સ્વીંગ’… એ લોકોની ભાષામાં) હોવાની શક્યતા છે !

*** 

હજી પણ મઝાની વાત એ છે કે આ જે ૩૦થી ૪૦ સીટોના ઝોલવાળા આંકડા છે તે માત્ર ૦.૦૧ ટકા મતદારો નહીં, પરંતુ ૩૦થી ૪૦ ‘એક્સ્પર્ટો’ (હા, ૩૦ થી ૪૦ હજાર નહીં, માત્ર ૩૦ થી ૪૦ એક્સ્પર્ટો)ના ‘મંતવ્યો’ ઉપર પણ આધારિત હોય છે !

*** 

સૌથી મજાની વાત એ છે કે આ ૩૦ થી ૪૦ એક્સ્પર્ટો કાં તો ભાજપ/એનડીએના સપોર્ટરો હોય છે કાં તો કોંગ્રેસ/ગઠબંધનના સપોર્ટરો હોય છે !

(છતાં આ બધા એક્ઝિટ પોલને ન્યુટ્રલ એટલે કે ‘તટસ્થ’ ગણવામાં આવે છે.)

*** 

હજી સાંભળો, જે રીતે નેતાઓના અગાઉનાં વચનો, જ્ચોતિષીઓની અગાઉની ખોટી પડેલી આગાહીઓ અને એક્ઝિટ પોલના અગાઉ ખોટા પડેલા યાદ કરવાનો રીવાજ નથી, એ જ રીતે આ વખતે જાહેર થયેલા એક્ઝિટ પોલ પાંચ દિવસ પછી પણ કોઈ યાદ કરાવશે નહીં !

*** 

આ વખતે મોટામાં મોટો ફરક એ છે કે એક્ઝિટ પોલમાં જે રીતે ૧૦ થી ૧૫ ટકાનું ‘કરેક્શન’ ગણવામાં આવે છે એની પહેલાં જ ચૂંટણીપંચે મતદાનના આંકડાઓમાં ૩ થી ૪ ટકાનું ‘કરેક્શન’ કરીને જ રાખ્યું છે !

લોકશાહી ઝિન્દાબાદ !

***

- મન્નુ શેખચલ્લી

Comments