પરિણામો પછીની ટચુકડીઓ !

તમે નહીં માનો, પણ ‘ગુજરાત સમાચાર’માં આવતી ટચૂકડી જાહેરખબરોનો પણ બહુ મોટો વાચક વર્ગ છે ! એટલે જ બીજા કોઈ અખબાર કરતાં અહીં છપાયેલી ટચૂકડીને સૌથી વધુ રિસ્પોન્સ મળે છે.

જોકે આજના આ કોલમમાં તમામ ટચૂકડી જાહેરખબરો કાલ્પનિક છે.

*** 

જાહેર જનતાને જણાવવાનું કે જે રીતે ગુજરાતમાં ભાજપ પોતાના વિજયની ઉજવણી કરવાનો નથી એ જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની તમામ ઓફિસોએ પણ આજે બેસણાં, છાજિયાં, ખરખરા તેમજ સાદડીના કાર્યક્રમો રદ કરેલ છે.

*** 

જાહેર ચેતવણી… ફલાણા ફલાણા નામધારી જ્યોતિષીએ અમને પાંચ લાખની લીડ સાથે ભવ્ય વિજય મળશે, દિલ્હીમાં ગઠબંધનની સરકાર જરૂર બનશે અને હમોને દિલ્હીમાં કેબિનેટ કક્ષાનું મંત્રીપદ સો ટકા મળશે એવાં લોભવચનો આપીને અમારી પાસેથી દસ તોલા સોનું, પાંચ કિલો ચાંદી તેમજ સવા લાખ રૂપિયાની રોકડ દાન-દક્ષિણા પેટે કઢાવી લીધા પછી તેઓ ગાયબ થઈ ગયેલ છે. જે કોઈને તેમની ભાળ મળે કે તરત હમોને તથા પોલીસને જાણ કરવા વિનંતી છે.

*** 
લિગલ નોટિસ… અમારાં ક્લાયન્ટ શ્રીમતી ફલાણાબેન ઢીકણાભાઈના પતિ ઢીકણાભાઈ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલ હતા. તેઓને કુલ પાંચ વોટ મળેલ છે. જેમાંથી ચાર તેમના બે પુત્રો, એક પત્ની અને પોતાનો વોટ છે. હમોને ફોર્મ સી-૧૭ તપાસતાં ખબર પડેલ છે કે પાંચમો વોટ કોઈ મહિલાએ નાંખેલ છે. આથી અમારાં ક્લાયન્ટને પાકી શંકા છે કે તેમના પતિને એ મહિલા સાથે આડા સંબંધો છે, આથી જાહેર નોટિસ આપવામાં આવે છે કે જે તે મહિલા પોતાની ઓળખ જાહેર કરે. નહીંતર હમો તપાસ કરીને કાનૂની પગલાં લઈશું. (કોર્ટનો સિક્કો, સહી અવાચ્ય)

*** 

અમારી પાર્ટીના પ્રમુખે કરેલા જંગી બહુમતીના દાવાને ભરોસે રહીને જંગી પ્રમાણમાં ખરીદેલો ફટાકડાનો સ્ટોક સસ્તા ભાવે કાઢવાનો છે. વર્લ્ડકપની મેચો, લગ્ન, બર્થ-ડે તથા જેલમાંથી છૂટી જવાના શુભ પ્રસંગે કામમાં આવી શકે તેવો શાનદાર પેટીપેક સ્ટોક છે. 
ખાસ નોંધ : ભાજપ કે એનડીએવાળાએ તસ્દી લેવી નહીં.

*** 

જાહેર જનતાનો ખુબ ખુબ આભાર !... ગુજરાતમાં તેર-તેર પૂલ તૂટી પડવા છતાં, તક્ષશિલા કાંડ, મોરબી કાંડ, ગેમ ઝોન કાંડ, પેપર લીક કૌભાંડ, ભરતી કૌભાંડ તથા નકલી સરકારી ઓફિસો, નકલી ટોલનાકાં, નકલી અધિકારીઓ વગેરે ભવાડા થવા છતાં વિધાનસભા તથા લોકસભામાં અમારી પાર્ટીને ભવ્ય વિજય અપાવવા બદલ ગુજરાતની ‘ભોળી’ જનતાનો ખુબ ખુબ આભાર !

***

- મન્નુ શેખચલ્લી

Comments