બાર વરસે જમાઈ આઈવો, પણ કેવો ?

નવી શ્રેણી....ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…

આજકાલ સોશિયલ મિડીયામાં વાયરલ થયેલું દક્ષિણ ગુજરાતનું પેલું લગ્નગીત તો સાંભળ્યું જ હશે : ‘વેવાણ… તારો જમાઈ આઈવો ! દારૂનો બાટલો લાઈવો… તારો જમાઈ આઈવો !’ આજનો કિસ્સો પણ એવા જમાઈનો જ છે.

ફરક એટલો કે આ જે જમાનાની વાત છે એ વખતે ગામડાંઓમાં મોબાઈલ તો છોડો, પેલાં એસટીડીના પીળાં બૂથ પણ નહોતાં. શહેરોમાં પણ એસટીડીનો જમાનો આવ્યો નહોતો. આવા સમયે દેશી લોકોનો વિદેશમાં રહેનારાં સગાંઓ સાથેનો વ્યવહાર માત્ર અને માત્ર ટપાલ વડે ચાલતો હતો. ટપાલ પણ કેવી ? ભલે લખ્યું હોય ‘એર-મેઇલ’ છતાં દસમે કે બારમે દિવસે ત્યાંથી મોકલેલું પરબિડીયું અહીં હાથમાં આવે !

આવું જ એક પરબિડીયું અમારા ધનોરી નામના ગામમાં રહેતા મગનભાઈ ભૂલાભાઈને ઘરે આવ્યું. આસમાની રંગના એ પરબિડીયા ઉપર સરસ મજાનું વિમાનનું ચિત્ર હતું, જેની બાજુમાં નાના છતાં સુંદર અક્ષરે અંગ્રેજીમાં ‘એર-મેઇલ’ લખેલું હતું. બાજુમાં રાણી વિક્ટોરીયાની તસવીરવાળી બે મોટી મોટી ટપાલ ટિકીટો ચોંટાડેલી હતી. મોકલનારનું સરનામું અંગ્રેજીમાં હતું, પણ ચાર ચોપડી ભણેલા મગનભાઈ ભૂલાભાઈને ખબર હતી કે આ પેલી ‘લંડન’ ગામે વળાવેલી અને ‘લેસ્ટર’ નામના પરગણામાં રહેતી પોતાની દિકરી મંગુનો કાગળ હતો.

પંચાવન વરસના મગનભાઈએ વાંચવાના ચશ્મા ચડાવીને પહેલાં તો પેલું વિદેશી પરબિડીયું બહુ સાચવીને ખોલ્યું ! રખેને પેલી રાણી વિક્ટોરીયાની ટપાલ ટિકીટ ક્યાંક ફાટી ના જાય ? કેમકે એવી ટિકીટો તો સાચવીને રખાતી ! (પાડોશીઓને બતાડવા માટે.)

‘અલી, હાંભળતી છે કે ? મંગુનો કાગળ આઈવો, ઇંગ્લાંડથી !’ મગનભાઈએ હરખભેર પોતાની પત્નીને ઘરમાંથી બોલાવી. એક તો મંગુ દિકરીનો કાગળ જ એક વરસે આવ્યો હતો. (ફોન તો ક્યાંથી આવે ? ગામમાં પણ કોઈના ઘરે ફોન હોવો જોઈએ ને !)
અંદરથી વાંકાચૂકા અક્ષરે લખાયેલો મંગુનો કાગળ નીકળ્યો :

‘પૂજ્યા બા-બાપુજીને ઇંગ્લાંન્ડથી તમારી દિકરી મંગુના જેસીક્રસ્ન. જત જણાવવાનું કે તમારા જમાઈ જે છેલ્લા હાત વરહથી રીહાયેલા ઉતા, તે અમણાં જરીક માનેલા છે. અને ઇન્ડીયા આવતા છે. આપડા ઘરે રે’વાના છે. તો તેની હાથે હારો વેવાર રાખજો, બોલવામાં તે જરીક ભડભડીયા છે પણ તમે હાચવી લેજો. નીતા ને રાજુ મજામાં છે. સ્કુલે જતા છે.’ વગેરે વગેરે.'

હવે તમે જ વિચાર કરો. જેનો એકનો એક જમાઈ પુરા બાર વરસે ઇન્ડિયા પાછો આવતો હોય, અને એમાંય છેલ્લાં સાત વરસથી ‘રીહાયેલો’ (રીસાયેલો) હોય, એનાં સાસુ-સસરાની દશા કેવી હોય ? હકીકત તો એવી હતી કે જમાઈ ‘ભડભડીયો’ છે એની પણ આજે જ ખબર પડી ! તે પણ દિકરીએ આ એક લીટી લખી તેમાં !

બાકી, બાર વરસ પહેલાં એ ભાઈ અહીં એમની મંગુને જોવા માટે આવેલો અને ‘બહારનું માગું છે, બો’ હારૂં છે, પોરી સુખી થેઈ જાહે, મગનભાઈ, તમે બો’ વિચાર નીં કરો, હા પાડી દેવો’  એવા દબાણમાં આવીને મગનભાઈએ ‘હા’ પાડી દીધેલી, તે વખતે આ જમાઈને પહેલી વાર જોયેલો ! બરોબર ?

બીજી વાર એ ભાઈ જાન લઈને આવેલો ત્યારે જોયેલો ! અને ત્રીજી વાર, લગ્નના ફક્ત ચોથા જ દિવસે એ ‘વિમાનમાં બેહીને ઇંગ્લાંડ જવા હારુ’ ભાડાની ટેક્સીમાં બેસેલો, ત્યારે વિદાય આપવા માટે તેના હાથમાં નાળિયેળ અને એકસો એક રૂપિયા આપેલા ત્યારે જોયેલો ! એ પછી એનો એકપણ ફોટો ય જોવા મળેલો નહીં !

કારણ શું ? કારણ એટલું જ કે જમાઈનું ફેમિલી મૂળ આફ્રિકામાં રહેતું હતું. પણ ઈદી અમીને ત્યાંથી બધાને તગેડ્યા એટલે એ ઇંગ્લાંડમાં જઈને વસેલા. જમાઈ ત્યાં પણ ખાસ ભણેલો નહીં એટલે કોઈ ફેક્ટરીમાં મજુરી કરી ખાય. ટુંકમાં, ફોટા પડાવવા માટેનો કેમેરો વસાવવા જેટલી વધારાની કમાણી જ નહીં.

ઉપરથી જમાઈ સાત વરસથી ‘રીહાયેલો’ (રીસાયેલો) હતો ! તે શા માટે ? તો એમાં એવું હતું કે આપણી ધનોરીની મંગુ જ્યારે અહીં પ્રાથમિક શાળામાં ભણતી હતી ત્યારે તેને એક જસુ ઉર્ફે જસવંત નામનો છોકરો બહુ ગમતો હતો. એ જસવંત હતો બીજી નાતનો, પણ મંગુ દૂર દૂરથી પસાર થતી હોય ત્યારે જસુ ‘સંગમ’ પિકચરનું ગાયન ગાતો : ‘યે મેરા પ્રેમપત્ર પઢકર, કે તુમ નારાજ ના હોના…’ બસ એટલું જ.

એ પછી તો મંગુનાં લગ્ન થઈ ગયાં. જસુ પણ બે વરસ પછી પરણી ગયો પરંતુ શી ખબર સાત વરસ પહેલાં એને એક દિવસ મંગુનું પાકું સરનામું મળી ગયું ! તો એક ‘પ્રેમપત્ર’ લખી નાખ્યો ! જે આ ધનોરી ગામના જમાઈના હાથમા આવી ગયો અને એ ભાઈ ‘રીહાઈ ગિયા’ !

ખેર, આટલાં વરસે રીસાયેલો જમાઈ પાછો આવે છે એ વાતે મગનભાઈ અને મીનાબહેન ખુશ હતાં… અને એક દિવસ જમાઈ આવી પણ પહોંચ્યો ! 

પણ આ શું ? મગનભાઈ અને મીનાબહેન જમાઈને જોઈને વિચારમાં પડી ગયાં. 

‘એ જાન લેઈને આવેલો તિયારે તો પતલો હરખો ઉ’તો… અતિયારે આટલો જાડો કેમ કરીને થેઈ ગિયો ? અને માથા પર તો બો બધા બાલ ઉ’તા… અતિયારે તો પૂનમના ચાંદ જેવી ટાલ ચમકતી લાગે ! તે વખતે તો ચહમાં (ચશ્માં) હો નીં ઉતાં, આજે ચહમાંવારો થેઈ ગિયો, અમારો જમાઈ ?’

પણ સાહેબો, બાર વરસમાં કોની કાયા એવી ને એવી રહે છે ? જમાઈની પણ કાયા ઓળખાય તેવી રહી નહોતી. છતાં મીનાબહેન રહી રહીને વિચાર્યા કરે ‘ખાલી નાક જરીક મલતું આવતું છે… બાકી…’

‘આમ ધારી ધારીને જોયા હું કરે, મારી હાહુ ?’ જમાઈએ ઘરની બહાર ઊભાં ઊભાં જ રોફ જમાવ્યો. ‘’તારો જમાઈ આઈવો ! ઘરમાં બોલાવહે કે પછી -’

‘અરે અરે, હોતું હશે ? આવો આવો !’ મગનભાઈએ જમાઈને આવકાર્યો. ઘરમાં બોલાવ્યો. બેસાડ્યો. પુરેપુરી આગતા સ્વાગતા કરવા માંડી.

‘જોવો હહરાજી ! હું અહીં જ પંદર દા’ડા રે’વાનો છું. કેમકે તમે તો જાણતા છો, અમારા બધાં હગાં-વ્હાલાં તો ઇંગ્લાંડમાં, આફરીકામાં ને કેનેડામાં જ રે’ઈ પડેલાં. એટલે -’

‘તમે, આને તમારું જ ઘર હમજો જમાઈ !’

બસ, એ પછી જમાઈનાં નખરાં ચાલું થયાં ! પહેલી જ ફરમાઈશ… ‘મને આ બધો ભાજીપાલો હું ખવડાઈવા કરે ? ચિકન બનાવો નીં ? મટન લેઈ આવો નીં ? તમે ખાતા છે, કે પછી ભગત થેઈ ગેલા ?’ (એ જમાનામાં જે લોકો માંસ-મચ્છીનો ત્યાગ કરી દે, તેને ‘ભગત’ કહેવાનો રીવાજ પડી ગયેલો.)

મગનભાઈ અને મીનાબહેન ‘ભગત’ નહોતાં થઈ ગયાં. છતાં એ બધું છોડી દીધું હતું. પરંતુ બાર વરસે ‘જમાઈ આઈવો’… તે પણ ‘સાત વરહ લગી રિહાયેલો’… એટલે મન મારીને ઘરમાં નોન-વેજ રાંધ્યું. પણ જમાઈને જરાય મજા આવી નહીં. 

‘આમાં કંઈ હવાદ—બવાદ નીં મલે ! તમુંને રાંધતાં આવડે કે નીં ? અને તણ દા’ડા થેઈ ગિયા, મને દારૂ હો નીં પીવડાઈવો ! આવું જાણતે તો તમારી પોરી હાથે લગન જ નીં કરતે !’

લો બોલો, પરણવા માટે ‘પોરી’ જોવા આવેલો ત્યારે એવું થોડું પૂછેલું કે ‘સાસુ, તમને મટન રાંધતાં આવડે કે ? સસરાજી તમને ‘લેવાની’ ટેવ ખરી કે ?’ એ વખતે તો પોરીને જોઈને જરીક માથું હલાવેલું, એટલું જ !

પણ હવે એ બધી પિંજણ થોડી થાય ? વળી પાછો જમાઈ ‘રિહાઈ જાય’ તો ? ત્યાં ઇંગ્લાંન્ડ જઈને દિકરીને હેરાન કરે ! પરંતુ આ બધી ‘ડિમાન્ડો’નું કરવું શું ?

એ વખતે મગનભાઈને યાદ આવ્યો પેલો જસુ ! તમે નહીં માનો, પણ આખા ગામમાં આ એકની એક દિકરીને વિદેશ વળાવ્યા પછી એકલાં પડી ગયેલાં મા-બાપની કાળજી રાખનારો એકમાત્ર જસુ જ હતો. કારણ ભલે પેલું ‘યે મેરા પ્રેમપત્ર પઢકર…’વાળું ગાયન હોય કે પછી આજે સોશિયલ મિડીયામાં ચાલ્યું હતું તેવું ‘બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે..’ જેવી પ્રીત હોય, એ જસુ આ ઘરનાં નાનાંમોટાં કામો હોંશે હોંશે કરી આપતો હતો.

મગનભાઈએ જમાઈનો હવાલો જસુને સોંપી દીધો ! જસુએ પણ ‘હોઓઓ… બચપન કે દિન ભૂલા ન દેના…’ની સોગંદ ખાઈને જમાઈનું મનોરંજન પોતાના માથે લઈ લીધું. 

જસુ પોતે કંઈ ખાસ કમાયો નહોતો, છતાં પોતાની સાઈકલ ઉપર બેસાડીને જમાઈને ચીખલીનાં પ્રખ્યાત મામણાં (કબાબ – આજે પણ ફેમસ છે તે) ખાવા લઈ જાય… પેલા વાંકડી ગામની ફાંકડી તાડી લાવીને પીવડાવે… ખેતરમાં લઈ જઈને પહેલી ધારનો નવસાર-ગોળનો દારૂ પીવડાવે… વગેરે પોતાની હેસિયત મુજબ કરવા માંડ્યું.

જમાઈ આમ અંદરથી મોજમાં, પણ તોય ઘરે આવે ત્યારે મોં ચડાવીને સાસુ સસરાનો જીવ ખાય : ‘હહરીનાં, તમારાં ગામમાં કંઈ ભલીવાર જ નીં મલે ! અમારા ઇંગ્લાંડમાં જો મરઘું જોય તો તગારા જેવડું આવે ! તેને ટર્કી કે’ય ટર્કી ! અને તમારા અંઈનાં મરઘાં તો ખોબા જેવડાં જ ! હહરીનો… અંઈનો ડેસી દારૂ બી હવાદ વગરનો ! અમારાં ઇંગ્લાંડમાં તો ધજમજેની વ્હીસ્કી મલે… બ્રાન્ડી મલે… આ તમારાં ડેસી બાટલાંમાં હું લેવાનું ?’

મગનભાઈ આ વ્યથા જસુ આગળ રજુ કરે અને જસુ બિચારો ક્યાંકથી બ્રાન્ડી તો ક્યાંકથી મોંઘા ભાવની વ્હિસ્કીની વ્યવસ્થા કરે ! અહીં ઘરમાં તો એ બધા તાયફા થાય નહીં એટલે જમાઈને સાઈકલની પાછળ બેસાડીને કોઈનાં ખેતરમાં લઈ જાય ! મૂળ બિચારા જસુની ભાવના એટલી જ કે જમાઈ પાછો ઇંગ્લાંડ જઈને ‘મારી મંગુને હેરાન નીં કરે !’

આ જ રીતે એક દિવસ ‘સવારી’ ઉપડી હતી ત્યારે ગામના કોઈ વડીલે ટોણો માર્યો. ‘જસીયા આ પછાડી (પાછળ) બેહેલું છે તેનાં પગ નીં મલે કે ? સાઈકલ પર બેહડાવે તેના કરતાં પોયરાને (બાળકને) બગલમાં જ ઉંચકી લે નીં ?’

બસ, આ સાંભળીને જમાઈની છટકી ! એ કહે ‘બેનની જાત મારું ! આ સાઈકલ મને આપી દે ! મેં જાતે જ ચલાવવાનો ! તારે પછાડી પછાડી આવવાનું !’

બિચારા જસુએ મંગુની પ્રીતને ખાતર એ પણ સહન કરી લીધું ! હવે સીન જોવા જેવો થાય ! રોજ જમાઈ સાઈકલ ચલાવતો ખેતર બાજુ જાય અને જસુ એની પાછળ પાછળ થેલામાં દારૂનું બાટલું અને રાંધેલું મરઘું લઈને જતો દેખાય ! સાંજે જમાઈની સાઈકલ લથડિયાં ખાતી પાછી આવતી દેખાય અને જસુ બિચારો પીધેલો ના હોવા છતાં થાકને લીધે ઢીલોઢીલો પાછળ આવતો દેખાય !

એવામાં એક દિવસ ભારે થઈ !

જમાઈ ડોલનશૈલીમાં સાઈકલ ચલાવતા એક તરફથી આવી રહ્યા છે અને બીજી તરફથી ગાયો-ભેંશોનું ધણ ધૂળ ઉડાડતું આવી રહ્યું છે ! જસુએ બહુ બૂમો પાડી કે ‘જમાઈ હાચવજો…’ પણ જમાઈએ જોરથી એક ભેંશમાં દઈ મારી !

સાઇકલ તો બાજુમાં પડી ગઈ પણ જમાઈને પેલી ભેંશનું શિંગડું એવું જોરથી વાગ્યું કે એના આગળના બે દાંત ત્યાં જ તૂટી ગયા ! 

આ ઘટના પછી જમાઈ આખું ગામ માથે લે એવું તો બનવાનું જ હતું પણ એથી યે ખરાબ વાત એ હતી કે જે ભેંશ સાથે જમાઈ અથડાયા હતા એ ભેંશ બિચારા જસુની હતી !

જસુ બિચારો એ જ સાઇકલ ઉપર જમાઈને બેસાડીને ચીખલી ટાઉનના ડોક્ટર પાસે લઈ ગયો. જે કંઈ સારવાર કરાવવાની હતી એ કરાવી. પણ ડોક્ટરે કહ્યું : ‘જમાઈના દાંત નવા બેહાડવા પડે તેના હારુ હુરતની હોસ્પિટલમાં લેઈ જવા પડે. ખરચો ઘણો થડે બાકી, દાંત વગર ચલાવી લેવાના હોય તો મેં નીં જાણું.’

‘દાંત વદર…?’ જમાઈએ બોખા મો સાથે વિરોધ જાહેર કર્યો. ‘દાંત વદર ઇંગ્લાંન તેમ તરીને દવાનો ? તાં કોને આવું મોં બતલાવાનો ?’

જોકે જમાઈના પાછા જવાની તારીખ આવી ગઈ હતી. એટલે એ બોખા મોં સાથે ટેક્સીમાં વિદાય થયા ખરા. પણ એ પહેલાં ‘નવા દાંત’ બનાવવાના પુરા પાંચ હજાર સસરાજી પાસે લીધા જ લીધા !

ખેર, પાછા જઈ રહેલા જમાઈ ‘રિહાયેલા નથી’ એટલી શાંતિ તો હતી ? પણ કિસ્સો અહીં ખતમ નથી થતો... 

જમાઈ ગયા તેના ત્રીજા જ દિવસે દિકરી મંગુની ટપાલ આવી : ‘બાપુજી, તમારા જમાઈની તબિયત બગડેલી હોવાથી ટિકીટ કેન્સલ કરાવેલી છે.  હવે પછી પોગરામ ગોઠવાય તિયારે આવહે.’

‘હેં ? તો આ જમાઈ આવીને ગયો એ કોણ હતો ?’ 

તો દોસ્તો, વાત એમ હતી (અને હજી છે કે) એ જ વિસ્તારમાં ‘ધનોરી’ નામનાં બે ગામ છે ! એક ‘અટગામ ધનોરી’ તરીકે ઓળખાય છે જેનો આજે પિનકોડ નંબર ૩૯૬૩૬૫ છે અને બીજું ‘ધનોરી (ચાંગા)’ છે, જેનો પિનકોડ ૩૯૬૩૬૦ છે ! 

બાર વરસે ભારતમાં આવેલો આ જમાઈ હતો ‘અટગામ ધનોરી’નો પણ આવી પહોંચેલો ‘ધનોરી (ચાંગા)’માં ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment