આજનો દિવસ ભારતની લોકશાહી માટે મોટો તહેવાર છે, રાઈટ ?
લોકશાહી અને રાજનેતાઓ વિશે દુનિયાના મોટા મોટા લોકોએ યાદગાર વાક્યો પણ કહ્યાં છે. પરંતુ હવે એમાં ‘ઝોલ’ છે : જુઓ…
***
જ્હોન એફ કેનેડીએ કહ્યું હતું કે... ‘તમે થોડા લોકોને ઘણા સમય માટે, અથવા ઘણા લોકોને થોડાં સમય માટે મુરખ બનાવી શકો, પણ બધા લોકોને બધા સમય માટે મુરખ બનાવી શકતા નથી.’
હા, એ સાચું, પણ જો તમે ‘ઘણા’ લોકોને ‘થોડા’ સમય માટે મુરખ બનાવી શકો તો તમે ‘ચૂંટણી’ જીતી શકો છો ! પછી ‘પાંચ વરસ’ સુધી તમે ‘બધા લોકોને મુરખ બનાવી શકો છો ! રાઈટ ?’
***
અન્ય એક મહાનુભાવ કહી ગયા છે કે... ‘ચાલાક નેતાઓ ધનવાનો પાસેથી પૈસા લે છે અને ગરીબો પાસેથી વોટ લે છે... અને બન્નેને ખાતરી આપે છે કે તમને એકબીજાથી બચાવીશું.’
હા, પણ જ્યારે કોઈ નેતા જાહેરમાં એમ કહેવા લાગે કે ‘અમે ધનવાનો પાસેથી પૈસા લઈને ગરીબોને વહેંચવા માંડીશું’... ત્યારે શું સમજવાનું ?
એ જ, કે એમને ધનવાનો પૈસા નથી આપી રહ્યા અને ગરીબો વોટ નથી આપી રહ્યા !
***
જ્હોન કેનેડીનું વધુ એક વાક્ય છે : ‘ડેમોક્રેસી ઇઝ ફોર ધ પિપલ, ઓફ ધ પિપલ એન્ડ બાય ધ પિપલ.’
આ તો ક્યારનું બદલાઈ ગયું સાહેબ ! આજે તો સ્થિતિ એ છે કે ‘લોકશાહી એ નેતાઓ દ્વારા, નેતાઓ માટે બનાવાયેલી, નેતાઓની જ સિસ્ટમ છે !’
***
પ્રખ્યાત વ્યંગકાર માર્ક ટ્વેન કહી ગયા કે... ‘રાજકારણીઓ અને ડાઇપર વારંવાર બદલતા રહેવું જોઈએ, અને સેઇમ... કારણસર !’ (અર્થાત્ બન્ને જટ ગંદા થઈ જાય છે.)
પરંતુ પ્રોબ્લેમ એ છે કે મતદારો તો ૧૮ વરસની ઉંમરે પુખ્ત થઈ જાય છે ! એટલે એ ડાયપર્સ વાપરતા નથી, તેથી નેતાઓને ઝટ બદલતા નથી !
***
હિટલરનો પ્રોપેગેન્ડા મંત્રી ગોબેલ્સ કહેતો હતો : ‘જો એકનું એક જુઠ્ઠાણું હજાર વાર કહેવામાં આવે તો લોકો એને સાચું માની લેશે.’
એમાં ગોબેલ્સે નવું શું કીધું ? આપણે પણ છેલ્લાં ૭૭ વરસથી માની જ લીધું છે ને, કે ‘ભારત દુનિયાનો સૌથી મોટો ‘લોકશાહી’ દેશ છે !’
***
બાકી આ વાક્ય બેસ્ટ છે, એને બદલવાની કોઈ જરૂર નથી..
‘જો મત આપવાથી બધું બદલાઈ શકતું હોત, તો રાજકારણીઓ કદી આપણને મત આપવા જ ના દેતા હોત !’
- શું કહો છો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment