આખા ગુજરાતમાં વરસાદ પડી ગયા પછી હવે કહી શકાય કે દરેક દિમાગમાં વરસાદની અલગ અલગ તસવીર હોય છે. જુઓ…
***
પોલ-ખોલ વરસાદ...
ટીવીના ન્યુઝ ચેનલો માટે આ ફિક્સ રિવાજનો અવસર છે ! ‘તમને જણાવી દઈએ…’ ‘તમે જોઈ શકો છો…’ અને ‘ક્યાંક ને ક્યાંક…’ એવા શબ્દ છંટકાવો કરીને એ લોકો તમને તંત્રની ખુલી ગયેલી પોલ, એકાદ ગટરના ખુલી ગયેલા ઢાંકણાની આજુબાજુ જ બતાડ્યા કરશે !
***
ફેસબુકીયો કાવ્ય વરસાદ…
આ કવિઓ છેક મહિના પહેલાં ૪૫ ડીગ્રીની ગરમીમાં એમની ‘પહેલા વરસાદ’ વિશેની કવિતાઓ લખીને જ બેઠા હોય છે ! બસ, જેવો વરસાદ પડે કે તરત જ ‘શ્વાસમાં વરસી વાદળી…’ ‘ફેફસામાં તરસી માટી…’ ‘તન તારું ભીનું ને મન મારું કોરું…’ ‘સાથે ભજિયાં ખાધાનું મને યાદ…’ ‘આવી જા છત્રીનો દાંડો ઝાલવા…’ એવી કવિતાઓનો વરસાદ વરસાવી મુકે છે !
***
રીલ્સ વરસાદ
એકાદ સફેદ વાળવાળા અંકલ ચાલુ વરસાદે ‘કોઈ લડકા હૈ, જબ વો ગાતા હૈ, બારિશ હોતી હૈ… છમક છમક છમછમ’ ઉપર ડાન્સ કરતા દેખાશે ! એકાદ આન્ટી પોતાના ધાબા ઉપર ‘બરસો રે મેઘા મેઘા…’ ઉપર કોઠી જેવી કમર હલાવતાં દેખાશે… અને ગામડાના દેશી યંગસ્ટર્સ લોકો ‘હાઈ ગાયઝ… અમારે તાં બો વરહાદ પડતો છે… જોઈ લેવો’ વાળા પોડ-કાસ્ટ કરશે !
(પોતપોતાના ગામમાં છાપરાં ઉડતાં હોય અને વાસણો તણાતાં હોય એવા વિડીયોની રાહ જુઓ… કમિંગ સૂન !)
***
ગળતર અને વળતર વરસાદ…
હમણાં થોડો ટાઇમ ‘ગળતર’ના ન્યુઝ ચાલશે… ‘મંદિરના ગર્ભગૃહમાં ગળતર…’ ‘ફલાણા સ્ટેડિયમમાં ગળતર..’ ‘હવામાન ખાતાંની ઓફિસમાં જ ગળતર…’ વગેરે.
પછી જો વરસાદ ખેંચાઈ જાય તોય અને વરસાદ વધારે પડતો પડે તોય, શરૂ થશે કે ‘ખેડૂતોને આપો વળતર…!’
(અલ્યા, આપણા જ પૈસે બનેલા રોડમાં ખાડા અને ભૂવા પડી જાય છે ત્યારે કેમ વળતર નથી મળતું ?)
***
‘શ્રીકાર’ વરસાદ…
આ અમને હજી નથી સમજાયું ! જો આ ‘શ્રીકાર’ વરસાદ થઈ શકે છે તો ‘શ્રીમતીકાર’ વરસાદો કેમ નથી થતા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment