જુઓ, સિનિયર સિટીઝનોનાં વોટ્સએપ ગ્રુપ એ અલગ વાત છે પણ સ્કૂલમાં એક જમાનામાં સાથે ભણતાં હોય અને હવે આટલાં વરસો પછી ભેગા મળવાના હોય એવા સિનિયર સિટીઝનોની વાત જ અલગ છે !
કેમ ? કારણ કે એમના દિલમાં અને દિમાગમાં હજી પેલી સ્કુલમાં ભણનારો બાબલો અથવા બેબલી જ બેઠેલાં છે.
એટલે થાય છે શું ?...
***
એકાદ નવરા પડેલા (અથવા વધુ પડતી ‘એક્ટિવીટી’નું જોશ ધરાવતા) એકાદ જણને શૂરાતન ચઢશે કે ‘અલ્યા, ચલો ને, આપણે આપણું રિ-યુનિયન ગોઠવીએ ?’
એટલે એ સૌથી પહેલાં તો એક વોટ્સએપ ગ્રુપ બનાવશે. એમાં પોતે જેટલાને ઓળખતો હશે એ બધાને (ડઝનના ભાવે) ધડાધડ એડ કરવા માંડશે !
આમાંથી અડધાને પેલા હરખુલાલના ઈરાદા વિશે કંઈ માહિતી જ ના હોવાથી પૂછશે : ‘મને કેમ એડ ક્રયો ? એ પણ પૂછ્યા વિના ?’
પછી ધીમે રહીને ખબર પડશે કે અચ્છા, આ તો વરસો પહેલાં આપણે જે સ્કુલમાં ચડ્ડીઓ પહેરીને ભણવા જતા હતા એ બધાને ભેગા કરવા માટેનો ઝંડો પેલાએ ઉપાડ્યો છે.
વાહ ભઈ વાહ ! એમ કરતાં ગ્રુપમાં સ્માઇલીઓ અંગૂઠાઓ અને બેસ્ટ ઓફ લકના મેસેજોની લંગાર શરૂ થશે. પણ ખરી મજા એ પછી શરૂ થશે…
‘અલ્યા પેલો મુકલો ક્યાં છે ?’
‘કયો મુકલો ? મુકેશ પટેલ કે મુકેશ મહેતા ?’
‘અરે મુકેશ પટેલ તો અમેરિકામાં છે. જો એનો ફોટો !.’
‘બહુ રૂપિયા કમાયો લાગે છે. એનો સૂટ તો જો !’
‘અલ્યા મોટેલમાં પોતાં મારી મારીને કમાયો છું !’ મુકેશ કૂદી પડશે. ‘અને સૂટ ભાડૂતી છે, પણ મુકેશ મહેતા ક્યાં છે ?’
‘છેલ્લે મેં એને નડિયાદના એસટી ડેપોની બહાર ફ્રૂટની લારી ચલાવતો જોયેલો.’
‘શું વાત કરે છે ? એ તો પાકો ગોખણિયો હતો ને ?’
‘એટલે જ બકા… પણ પેલી સ્મિતા ક્યાં છે ? કોઈના ટચમાં ખરી ?’
‘એ તો હરેશ દવેને પરણી ગઈ !’
‘જા જા ! એનું તો પેલા અતુલ મિસ્ત્રી જોડે નહોતું ચાલતું ?’
‘ના બે… અતુલ પછી તો અજીત અને એના પછી એક દિલ્હીવાળો મનજીત પણ હતો. મને પૂછ ને, કોલેજમાં મારી જોડે જ હતી.’
‘બાકી મસ્ત હતી નંઈ ?’
‘અને યાદ છે, પેલી માલવિકા..’
‘આયે હાયે…’
આવું બધું મસ્ત મજાનું ચાલતું હોય ત્યાં પેલો હરખુલાલ એડમિન એક સામટી બત્રીસ છોકરીઓને એડ કરી દે !
પછી આખો સીન બદલાઈ જાય…
‘કેટલા સારા સંસ્કાર મળ્યા આપણને આપણી શાળામાંથી…’
‘આપણા સદ્ગુણોને શત શત નમન…’
‘સાચા સંસ્કારોનું સાચું ઘડતર કરે એ જ સાચી શાળા !’
- બોલો, આવું થયું છે ને તમારા રિ-યુનિયન ગ્રુપમાં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment