વરસાદ પડ્યા પછીની ચા હોય કે ભરબપોરના ઉનાળાની ચા હોય… કે પછી શિયાળાની કડકડતી ઠંડીમાં પીવાતી ચા હોય… દરેક ચાનો મિજાજ અલગ હોય છે ! જુઓ…
***
દોસ્તો સાથેની ચા...
ભલે એ ‘કટિંગ’ ચાય હોય, એ ‘કટ’ કરવાને બદલે ‘બોન્ડિંગ’ બનાવે છે.
***
કોલેજની કેન્ટિનની ચા...
તમારી ‘ઉધારી’ કેટલી છે એ નહીં, તમારી ‘ક્રેડિટ’ કેટલી છે એ બતાડે છે !
***
ઓફિસ પાસેની ટપરીની ચા...
એમાં દૂધ, ખાંડ, ચા ઉપરાંત ઓફિસની પંચાતનો સ્વાદ ઉમેરાતો હોય છે !
***
અને ઓફીસના ટી-મશીનની ચા...?
એર-કંડીશન્ડ જેલના કેદીઓ માટે સાડા ત્રણ મિનિટની બે-સ્વાદ રાહત...
***
પત્નીએ બનાવેલી ચા...
પત્નીના સ્વભાવનું બેરોમીટર... મૂડ સારો તો ચા સરસ અને મૂડ ખરાબ તો ચા પણ એવી જ !
***
પતિએ બનાવેલી ચા...
જો સારી હોય તો ચેતવણી ! ‘સાવધાન... ઇસ કી આદત લગ સકતી હૈ !’ (ચેતવણીઓ પતિઓ માટે છે, ભઈ !)
***
સેમિનાર પછીની હાઈ-ટી...
એક તો કપડાં હાઈ-ફાઈ, બીજું વાતો હાઈ-ફાઈ, ત્રીજું ચા સાવ ફીક્કી... અને પીવાની પણ ઊભાં ઊભાં !
***
ટ્રેન-વિમાનમાં આવતી ટ્રે વાળી ચા...
આમાંથી તો પેલા બિલ ગેટ્સને જેણે ચા પીવડાવી હતી એ ‘ડોલી ચાયવાળો’ મથીને મરી જાય તો પણ સારી ચા ના બનાવી શકે ! શું કહો છો...
***
અને બ્લેક-ટી...?
અણગમતા મહેમાનોનો બેસ્ટ ઇલાજ ! દૂધ બચે, ટાઇમ બચે, મસાલો બચે, વટ પડે અને મહેમાન વહેલો ટળે !
***
હાઇવે રેસ્ટોરન્ટની ચા...
આખી પીવાય નહીં, અડધી મળતી નથી, બનતાં બહુ વાર લાગે છે, ઠંડી તરત પડી જાય છે, મોંઘી પણ લાગે છે, અને પૈસા વસૂલ પણ નતી થતા એટલે જ... ચા પીધા છતાં માથું ઉતરતું નથી !
***
અને ભારતના ‘નંબર વન’ ચાયવાલાની ચા...
જેને ફાવી ગઈ છે એની છૂટતી નથી અને જેને નથી ફાવતી એને વારંવાર મરચાં લાગે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment