ટીવીની ન્યુઝ ચેનલોમાં તો ‘ક્યાંક ને ક્યાંક’… ‘તમે જોઈ શકો છો…’ ‘એની જો વાત કરીએ તો…’ અને ‘તમને જણાવી દઈએ કે…’ એવું વારંવાર બોલાતું રહે છે.
જોકે છાપાની ભાષામાં પણ અમુક ખાસ ‘રૂઢિપ્રયોગો’ થઈ ગયા છે, જેનો ઉપયોગ ક્યારેક તમને માથું ખંજવાળતા કરી શકે છે ! વાંચો…
***
ગટરોની સાફસૂફી થઈ જ નથી એવો વિપક્ષનો આક્ષેપ ખોટો છે એવું જણાવતાં મંત્રીશ્રીએ ‘સફાઈ’ આપી હતી કે સાફસૂફી ચાલી જ રહી છે !
***
(હવે જુઓ, ત્યાં ‘સફાઈ’ અલગ છે અને અહીં ‘સાફસૂફી’ અલગ છે…)
આમ આદમી પાર્ટીની સજ્જડ હારને પગલે જેલમાં બેઠેલા કેજરીવાલે પક્ષમાં ‘સાફસૂફી’ કરવાના સંકેત આપ્યા !
(ઉપરથી એમનું નિશાન પણ ‘ઝાડુ’ છે.)
***
બંગાળના કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીનાં આડેધડ નિવેદનોની નોંધ લઈને કોંગ્રેસ પ્રમુખ ખડગેએ એમને ‘આડે હાથ’ લીધા !
(યસ, કેમકે નિશાન ‘સીધો હાથ’ છે.)
***
એ જ રીતે કાનાફૂસી ચાલી રહી છે કે અમુક ભાજપી ઉમેદવારોને હરાવવા પાછળ આયાતી કોંગ્રેસીઓનો ‘હાથ’ હતો !
(હકીકતમાં તો આને ‘ટાંટિયાખેંચ’ કહેવાય.)
***
હવે આ વાંચવા જેવું છે.
મંત્રીશ્રીએ આરોપોને રદિયો આપતાં જણાવ્યું હતું કે હજી ચોમાસું શરૂ થાય એ પહેલાં જ વિપક્ષો પ્રિ-મોન્સૂન પ્લાન વિશે ‘કાદવ ઉછાળવા’ લાગ્યા છે !
(સાચી વાત છે, હજી કાદવ બનવા તો દો ?)
***
(અને વરસાદ પડશે પછી ?)
તદ્દન નવા બંધાયેલા રસ્તાઓનાં એક જ વરસાદ પછી પડી ગયેલા ખાડા જોતાં લાગે છે કે તંત્ર ‘ખાડે ગયું’ છે !
***
ટ્રેનો સમયસર ન દોડતાં ‘તંત્ર દોડતું થઈ ગયું !’
(આમાં શું સમજવાનું ? તંત્રવાળા દોડીને ધક્કા મારતા હશે ?)
***
ક્યારેક તો લખાણમાં જ રમૂજ થઈ જાય છે…
જેમકે ‘ભરબપોરે વીજળી ડૂલ થતાં અડધા રાજ્યમાં અંધારપટ ! તંત્ર સફાળું જાગ્યું !’
(અલ્યા ભરબપોરે ‘અંધારપટ’ ? બાકી હા, તંત્ર ભરબપોરે ઊંઘતું હોય એ માની શકાય છે.)
***
અક્ષયકુમારની વધુ એક ફિલ્મ ટિકીટબારી ઉપર ‘ફસડાઈ પડી’… ‘થિયેટરોમાં ઉડ્યા કાગડા’…
(જાણે ફિલ્મ ‘ફસડાઈ’ ના પડી હોત તો ટિકીટબારી ઉપર ઠેકડા મારતી હોત ! અને ભઈ, અહીં શ્રાધ્ધપક્ષમાં કાગડા નથી જોવા મળતા ત્યાં તમને થિયેટરોમાં ક્યાંથી ઉડતા દેખાઈ ગયા ?)
***
બાકી, આ બેસ્ટ છે…
વસ્તીની બાબતે ‘ચીનને પછાડીને’ ભારત નંબર વન બન્યું !
(એટલે ? નવાં પેદા થયેલાં ટાબરિયાં ત્યાં ચીનમાં ટેણિયાંઓને ‘પછાડવા’ ગયાં હતાં ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment