વોટ્સએપ ગ્રુપો જોક્સનાં છે, ફિલ્મી ગીતોનાં છે, સિનિયર સિટીઝનો અને ક્રિકેટપ્રેમીઓનાં છે… પણ એ બધામાં જે ફેમિલી ગ્રુપો હોય છે એની કહાણી અલગ જ છે…
વાંચો આ નાનો સરખો લેખ !
***
તમે માર્ક કરજો કે મોટા ભાગનાં ફેમિલી ગ્રુપો હકીકતમાં એક જ ફેમિલીના કઝિન્સ દ્વારા શરૂ થયાં છે. (આ ઐતિહાસિક તથ્ય તમને વોટ્સએપ યુનિવર્સિટીમાં પણ નહીં મળે.)
સામાન્ય રીતે કાકા-બાપાના, મામા-માસીના કે માસી-ફોઈનાં યંગ અથવા ટીનએજરો એકબીજા સાથે ટચમાં રહેવા માટે આવું ગ્રુપ શરૂ કરે છે. એમાં એકબીજાની મજાક, એકબીજાની મસ્તી અને ક્યારેક એકબીજાનાં એક્ઝામનાં ટેન્શનો શેર થતાં રહે છે.
પણ પછી એમાં એક ખતરનાક વળાંક ત્યારે આવે છે જ્યારે કોઈ છોકરો કે છોકરી પોતાની મમ્મીને ‘હેપ્પી બર્થડે’ વિશ કરવા માટે ગ્રુપમાં મમ્મીને એડ કરે છે !
બસ, એ પછી પપ્પાને તો એડ કરવા જ પડે ? અને એ જ ન્યાયે કાકાઓ, મામાઓ, માસાઓ, ફૂઆઓ, ફોઈઓ, માસીઓ, મામીઓ અને કાકીઓ એડ થઈ જાય છે !
હવે ગ્રુપમાં શું થાય છે ? તો તમે પોતે જ તમારા ફેમિલી ગ્રુપમાં જોજો… સવાર પડે ને ફૂલપત્તીવાળાં ડઝનબંધ ‘ગુડ-મોર્નિંગ’ અને રાત પડે ત્યારે છૂટાછવાયાં ડઝનબંધ ‘ગુડ નાઇટ’ આવતાં થઈ જશે. એ તો ઠીક, ‘સુવાક્યો’ની લાઇન લાગી જશે !
ચાલો, આ તો રૂટિન છે, પણ પછી જે થાય છે એમાં રીતસરની જે રીતે જાહેર મિલકતો ઉપર દબાણ થતાં હોય, લગભગ એવી જ પધ્ધતિ ગ્રુપમાં ‘દબાણ-પ્રવૃત્તિ’ ચાલુ થાય છે ! એની મોડસ-ઓપરેન્ડી શું છે ?
તો એમાં ડાહ્યા ડાહ્યા વિડીયો આવશે : ‘યુવા પેઢીએ સમજવા જેવું…’ ‘સંતાનોને જરૂર બતાડો…’ ‘ઘડપણની લાકડી…’ ‘માતા પિતાની મજબૂરી…’ ‘ઘરડાં ઘર શી રીતે જન્મે છે…?’
તમે જ કહો, બિચારા યંગસ્ટરોનું તો આ ઇમોશનલ બ્લેક-મેઇલ જ છે ને ! આમાં ને આમાં યંગ કઝિન્સ ગ્રુપમાં રહી પણ ના શકે અને છોડી પણ ના શકે !
પછી ગ્રુપનું નામ ખરેખર તો ‘વડીલ્સ ઓફ ધ ફેમિલી’ રાખવાનું જ બાકી રહ્યું હોય છે ! કેમકે હવે ‘ઘૂંટણના દુઃખાવાનો રામબાણ ઇલાજ…’ ‘ડાયાબિટીઝ કંટ્રોલ કરવાની જડીબુટ્ટી…’ ‘લાઇફ બિગિન્સ એટ સિક્સ્ટી…’ એવી પોસ્ટોનું ‘સંક્રમણ’ વધી જાય છે !
છતાં, ફેમિલી ગ્રુપો સતત સક્રિય કોના કારણે રહે છે, ખબર છે ? યંગ મેમ્બરોને લીધે !
હા ! કેમકે, કોની બર્થડે, કોની એનિવર્સરી, કોનું એક્ઝામનું રિઝલ્ટ ક્યારે છે એ તો ઠીક, પણ હલો… ‘ફાધર્સ ડે’ અને ‘મધર્સ ડે’ ક્યારે આવે છે એ આ યંગસ્ટરો જ યાદ રાખતા હોય છે !
ભૂલો ભલે બીજું બધું, પણ ‘બર્થ-ડે’ઓ ભૂલશો નહીં… ઓકે?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment