આજકાલ અમુક ઘટનાક્રમો એવા બન્યા છે કે જેમાં તમને ‘ખો-ખો’ની રમત યાદ આવી જાય ! એમાંય છેવટે તો બિચારી પ્રજા જ ‘આઉટ’ થાય છે ! જુઓ…
***
રાજકોટમાં અગ્નિકાંડ થયો….
સરકારે તપાસ સમિતીને ખો આપી…
તપાસ સમિતિએ અમુક અધિકારીઓને સસ્પેન્ડ કરાવીને ખો આપી…
અમુક અધિકારીઓએ પુરાવા નાશ કરીને તપાસને ખો આપી…
તપાસ સમિતિ (સીટ)એ રીપોર્ટ સબમિટ કરીને ખો આપી દીધી…
સરકારે રીપોર્ટ કોર્ટમાં રજૂ કરીને ખો આપી…
કોર્ટે ઠપકો આપીને ખખડાવ્યા એટલે થોડા અધિકારીઓની બદલી કરવાની ખો અપાઈ ગઈ…
બહુ હોબાળો થયો એટલે તમામ ગેમિંગ ઝોનની તપાસની ખો અપાઈ…
એમાંથી તમામ કોમર્શિયલ બિલ્ડીંગોની તપાસની ખો અપાઈ ગઈ…
એના અડફેટમાં સ્કુલોની તપાસની ખો આવી ગઈ…
જેને કારણે ૩૦થી વધુ સ્કુલોને સીલ લાગી ગયાં…
છેવટે ‘આઉટ’ કોણ થયું ? ફી ભરી હોવા છતાં ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કુલે જઈ શકતા નથી !
(બોલો, ‘ખો’ તંત્રની જય !)
***
ઊભ રહો, હજી બાકી છે ! સ્કુલોને સીલ લાગ્યા એમાં સ્કુલ રીક્ષા અને સ્કુલ વાનો અડફેટે આવી ગયાં…
સરકારી તંત્રએ સ્કુલ રીક્ષા અને સ્કુલ વાનો ઉપર તપાસની ખો આપી…
છેવટે થયું શું ? સ્કુલ વાનોની ફી વઈ ગઈ ! રાજકોટનો રેલો છેક સુરત સુધી… (બોલો ‘ખો’ તંત્રની જય !)
***
નેશનલ લેવલે પણ ‘ખો-સિસ્ટમ’ ચાલી છે. ‘નીટ’ની પરીક્ષાનાં રિઝલ્ટ આવ્યાં…
અમુક ટોપર્સને ૭૦૦માંથી ૭૦૦ માર્ક મળ્યા… અમુકને ઓડ આંકડામાં માર્ક મળ્યા…
સરકારી તપાસની ખો અપાઈ ગઈ…
તપાસે ખો આપી કે એ તો પેપર આપવામાં મોડું થયેલું, એટલે ગ્રેસિંગના માર્ક્સ આપેલા…
સુપ્રિમ કોર્ટે ‘પવિત્રતા જોખમાઈ’ એવું કહીને ‘કડક ખો’ આપી… (વાહ વાહ)
બીજી બાજુ ગોધરા, યુપી, બિહારમાં પેપર લીક કરનારી ગેંગે લાખો રૂપિયાના ચેક લીધાનું બહાર આવ્યું…
પેપર લીકની ખો માત્ર મિડીયામાં ગઈ…
છેવટે થયું શું ? સુપ્રિમ કોર્ટે કહ્યું કે જેને ગ્રેસિંગ માર્ક મળ્યા હોય એમણે પરીક્ષાઓ ફરીથી આપવાની ! બસ ?
(બોલો, ‘ખો’ તંત્રની જય !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment