સુવાક્યોમાં શું દાટ્યું છે ?

સવાર સવારના તમારા મોબાઈલમાં જે સુવાક્યો આવી પડે છે. એમાં શું દાટ્યું છે ? અરે, ભરપૂર મનોરંજન દાટ્યું છે ! જો તમે એને સ્હેજ ખોતરી શકો તો ! દાખલા તરીકે…

*** 

‘સત્ય હંમેશા કડવું હોય છે.’

- અચ્છા ? એટલે ખાંડ, ગોળ, ચોકલેટ વગેરેમાં કંઈ સત્ય જ નથી ?

*** 

‘દુનિયા હંમેશા ઉગતા સૂરજની પૂજા કરે છે.’

- હા ભઈ હા, પણ જલસા તો બધા રાતે જ થાય છે ને !

*** 

‘ઇચ્છા દુઃખની મા છે.’

- ઓ ભાઈ, કુટુંબ નિયોજન ખાતામાં જઈને ફરિયાદ કરો !

*** 

‘સ્ત્રી, તારું નામ જ ઇર્ષ્યા છે.’

- દિમાગ ના ખાઓ યાર ! આખા ભારતની વસતી ગણતરીનું લિસ્ટ ખોલીને જોઈ લો. એક પણ સ્ત્રીનું નામ ‘ઇર્ષ્યા’ નીકળે તો આગળ વાત કરજો.

*** 

‘હું માનવી ‘માનવ’ થાઉં તો ઘણું.’

- આના માટે તમારું આધાર-કાર્ડ ફરીથી કઢાવવું પડે ! સમજ્યા ?

*** 

‘ધીરજનાં ફળ મીઠાં હોય છે.’

- અને ધીરજનાં લીંબુ ?

*** 

‘સર્વ દિશાઓમાંથી શુભ વિચારો આવવા દો.’

- અને પછી એ બધું ‘ડિલીટ’ કોણ કરશો ? તારો કાકો ?

*** 

‘ખોટું કામ કરવાનો વિચાર આવે ત્યારે તેને અમલમાં મુકતાં પહેલાં કોઈ સારા માણસની સલાહ લેવી જોઈએ.’

- આજકાલ આવા સારા માણસોને ‘ટેક્સ-કન્સલ્ટન્ટ’ કહેવામાં આવે છે !

*** 

‘જે ક્ષણે તમારા હૃદયમાં ગાંઠ પડવાનું શરૂ થાય છે એ જ ક્ષણથી સ્વાર્થની શરૂઆત થાય છે.’

- સ્વાર્થની નહીં, હૃદયરોગની શરૂઆત થાય છે, બોસ !

*** 

‘પડ્યા પડ્યા કટાઈ જવા કરતા કામ કરીને ઘસાઈ જવું સારું.’

- અમે અમારા રસોડાની છરીઓને પણ આ જ સલાહ આપીએ છીએ !

*** 

‘ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે અને સતત ભેગા રહીને કામો કરવાં એ સફળતા છે.’

- ઇન્ડી ગઠબંધનવાળા આજકાલ આ જ ભ્રમમાં છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments