હવે જ્યારે કંગના રાણાવત, હેમામાલિની, મનોજ તિવારી, શત્રુઘ્નસિંહા અને અરુણ ગોવિલ જેવા સ્ટાર્સ ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે તો જરા કલ્પના કરવી જોઈએ કે બોલિવૂડમાં પ્રધાનમંડળ રચવામાં આવે તો કોનો કયું ખાતું આપવું જોઈએ ?
***
કરણ જોહરને ‘માહિતી અને પ્રસારણ’ ખાતું સ્હેજ પણ વિચાર્યા વિના આપી દેવું જોઈએ ! કેમકે બોલીવૂડમાં કોણ કોની સાથે લફરામાં છે એ તો ઠીક, કોનાં આંતરવસ્ત્રોનો રંગ કેવો છે એની ‘માહિતી’ રાખે છે ! અને પોતાના એક શો દ્વારા તેનું ‘પ્રસારણ’ પણ કરે છે !
***
અક્ષયકુમારને ‘હેલ્થ એન્ડ સેનિટેશન’ ખાતું આપો ! કેમકે ફિલ્મો અને જાહેરખબરોમાં શૌચાલય, સેનિટરી પેડ વગેરેનો પ્રચાર કર્યો છે ! એટલું જ નહીં, લોકોને પાન મસાલા ખવડાવીને દેશની જે લાખો દિવાલો ખરાબ કરાવી છે તેની સફાઈ પણ હવે એમના માથે રહેશે !
***
ડિફેન્સ મિનિસ્ટ્રી અનુરાગ કશ્યપને સોંપો ! કેમકે બોલીવૂડ ઉપર નિપોટીઝમનો આરોપ હોય કે એન્ટી-હિન્દુ, પાક-તરફી હોવાની છાપ હોય, આ ભાઈ તો સેન્સર બોર્ડ કાતર ઉગામે તે પહેલાં જ વાણી સ્વાતંત્ર્યની તલવાર લઈને બોલીવૂડના ડિફેન્સમાં કૂદી પડે છે !
***
સલમાન ખાનને વિદેશ મંત્રાલય આપો ! કેમકે માત્ર પાકિસ્તાન નહીં, એમના ફેન તમામ ઇસ્લામિક દેશોમાં છે. એટલું જ નહીં ફિલ્મોમાં એ આઈએસઆઈની એજન્ટને પરણેલો છે અને ઇરાકમાંથી ભારત-પાકની નર્સોને છોડાવી લાવે છે.
***
આદિત્ય ચોપરા પણ વિદેશમંત્રી તરીકે બેસ્ટ છે ! કેમકે તે પોતાની ‘સ્પાય યુનિવર્સ’ ફિલ્મોમાં ભારતીય એજન્ટોને પાકિસ્તાની જાસૂસો સાથે પ્રેમસંબંધમાં બાંધે છે ! સમ્રાટ પૃથ્વીરાજ જેવા ભારતીય રાજાનો ઇતિહાસ વિકૃત કરીને બતાડે છે અને હિન્દુ ભજનકારને મુસ્લિમનો દિકરો બતાડે છે ! પરંતુ આદિત્ય ચોપરા તો બોલીવૂડના ફાઈનાન્સ મિનિસ્ટર બનવા જોઈએ કેમકે આવી ફિલ્મો બનાવવાનું ફાઈનાન્સ એ શી ખબર ક્યાંથી લઈ જ આવે છે !
***
બાકી, બેરોજગારી મંત્રાલય જેવું ખાતું હોય તો બે મજબૂત દાવેદારો છે… અભિષેક બચ્ચન અને તુષાર કપૂર !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment