પિત્રોડા સાહેબને જણાવવાનું કે...

અમેરિકામાં બેઠેલા સામ પિત્રોડાએ ભારતના લોકોની સરખામણી ચાઇનિઝ, આફ્રિકન અને ગોરાઓ સાથે કરી એમાં તો હોબાળો મચી ગયો !

પિત્રોડા સાહેબ, તમે જરાક ભૂલ કરી. તમારે સરખામણી ભારતીય મતદારોની કરવા જેવી હતી ! જેમકે…

*** 

અમુક મતદારો ચાઇનિઝ રમકડાં જેવા હોય છે. રાત્રે તમે પૈસા આપીને ખરીદો, પણ સવારે વોટિંગ પહેલાં તો ફૂટી જાય !

*** 

અમુક મતદારો ચાવીવાળી ઘડિયાળ જેવા હોય છે. એમને સતત ચાવી ચઢાવ્યે જ રાખવી પડે છે ! નહિતર મતદાનના દિવસે ઘંટડી જ ના વાગે !

*** 

વળી અમુક મતદારો ઝેરી ગેસના ફુગ્ગા જેવા હોય છે. એમનામાં સતત ઝેરી ગેસ ભર્યે રાખવો પડે ! તો જ એ સતત ‘ચગેલા’ રહે છે !

*** 

અને અમુક મતદારો તળિયા વગરના લોટા જેવા હોય છે. ક્યારે કઇ દિશામાં નમી પડે કહી જ ના શકાય ! 
(ભણેલા સેફોલોજિસ્ટો આને ‘સ્વીંગ’ કહે છે, બોલો.)

*** 

તો વળી અમુક મતદારો લજામણીના છોડ જેવા હોય છે. એમને જરીક અમથી વાતે ખોટું લાગી જાય તો પછી મહિના સુધી નોર્મલ થઈ શકતા નથી !

*** 
અમુક મતદારો બજારમાં બિન્દાસ ફરતી નકલી નોટો જેવા હોય છે ! એમનું બધું જ નકલી હોય છે… નકલી આધારકાર્ડ, નકલી મતદાર કાર્ડ, નકલી રેશનકાર્ડ… છતાં એનાથી જીડીપીમાં ફેર પડે છે ! બોલો.

*** 

અને સૌ જાણે છે કે અમુક મતદારો ઘેટા જેવા હોય છે. એમનો આગેવાન એમને જ્યાં લઈ જાય એની પાછળ પાછળ જાય છે.

*** 

પણ દેશના ૪૦ થી ૪૫ ટકા મતદારો ‘ભણેલી ગોકળગાયો’ જેવા હોય છે !

શી રીતે ? એમને એટલી બધી આળસ આવે છે કે આખો દિવસ પુરો થઈ જાય ત્યાં સુધીમાં પણ તેઓ બુથ સુધી પહોંચી શકતા નથી !

પછી એ જ ભણેલી પ્રજા મોબાઇલમાં કોમેન્ટો કરે છે, એ પણ ઇંગ્લીશમાં ! ‘આઇ ડોન્ટ લાઇક ગવરમેન્ટ… ઇટ ઇઝ નોટ રિપેરીંગ રોડ, નોટ ગિવીંગ જોબ, ઓન્લી ડુઇંગ ઉદ્‌ઘાટન એન્ડ લોકાર્પણ !’

***

-મન્નુ શેખચલ્લી

Comments