નવી શ્રેણી....ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધી ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
***
‘ભગુ રણછોડ મરી ગિયો. હવારે નવ વાગે એને કા’ડી જવાના….’
ઘોઘમાર વરસતી રાતે બે જુવાનિયાઓ છત્રી લઈને આ ખબર આપવા માટે ગામમાં ફરી વળ્યા. આમ જોવા જાવ તો એ વડીલ ૭૮ વરસની પાકી ઉંમરે મરી ગયા એટલે કંઈ બહુ શોક ન કરવાનો હોય, છતાં આ સમાચારથી આખા ગામમાં અને ખાસ કરીને અમારા ફળિયામાં ટેન્શનનું લખલખું પસાર થઈ ગયું !
કારણ શું ?
કારણ દક્ષિણ ગુજરાતનો વરસાદ ! અહીં ચોમાસાની શરૂઆત થાય ત્યારે કોઈ કોઈ વખત સાત સાત દિવસ સુધી સુર્યનારાયણનાં દર્શન ના થાય ! એમાંય આ વખતે તો છેલ્લા ચાર દિવસથી જે મંડ્યો હતો કે વાત ના પૂછો ! હાલત એ હતી કે ખેતરમાંથી પાણી ઉભરાઈને શેઢાને પાર જતાં રહ્યાં હતાં. રસ્તાઓ ધસમસતી નદી બની ગયા હતા અને સપાટ જમીનો તળાવો બની ગઈ હતી.
છતાં ટેન્શનનું કારણ વરસાદ નહોતું. ટેન્શનનું અસલી કારણ એ ભગુ રણછોડ નામના વડીલની વિશાળ કાયા હતી ! આવી ભારેખમ ૧૨૦ કિલોની કાયાને ખભે ઉપાડીને છેક સાડા ચાર કિલોમીટર દૂર આવેલ સ્મશાને લઈ કોણ જશે ? એ પણ આવા ધોધમાર વરસાદમાં ?
એ ભગુ રણછોડની કાયા કેવી ભારેખમ હતી એના કિસ્સાઓ આસપાસનાં સોળ ગામમાં પ્રખ્યાત હતા. એક તો છ ફૂટમાં માંડ એકાદ ઇંચ ઓછી હોય એટલી હાઇટ, અને અનાજની બબ્બે ગુણ એકસાથે પેટ ઉપર બાંધી હોય એવી ફાંદ ! જતે દહાડે પોતાનું જ વજન પોતાના પગ ઊંચકી નહોતા શકતા એટલે એમનાં ઘુંટણ નકામા થઈ ગયેલા. આમાં સૌથી મોટી તકલીફ ત્યારે થતી જ્યારે એ જાજરૂમાં જાય ત્યારે એમનો ‘કાર્યક્રમ’ પતી જાય પછી એમને ઊભા કરવા માટે બે છોકરાઓએ રોજ ‘સેવા’ આપવી પડતી હતી !
અચ્છા, ફક્ત ઊભા કર્યે કામ પતતું હોત તો સમજ્યા પણ ભગુ રણછોડ જ્યારે ખાટલા ઉપર જાતે બેસવા જાય ત્યારે ઘુંટણોએ તો ઉચ્ચાલનના નિયમોનો બહિષ્કાર જ કર્યો હોય ? એટલે એ બેસે ત્યારે અચાનક ‘ભપ્પ !!’ કરતાંકને બેસી પડે ! આમાંને આમાં એમણે ચાર ખાટલાની ઇસો ભાંગી નાંખી હતી ! (પછી એમના માટે ખાસ લોખંડની પાઈપનો ખાટલો બનાવરાવ્યો ત્યારે બે ખાટલાની પાઈપો વાળી નાંખેલી !)
પેલી જાજરૂવાળી દૈનિક-સહાયમાં જતે દહાડે એવું થયું કે એમને સેવા આપનારા ફળિયાના બે કિશોરો હવે મોટા થઈને હાઈસ્કૂલમાં ભણવા માટે બીજા ગામે જતા રહેલા ! એટલે પછી ભગુ રણછોડના દિકરા જીવણે રૂપિયા ખર્ચીને ખાસ ‘સ્ટેન્ડિંગ ટોઇલેટ’ અર્થાત્ વિદેશી સ્ટાઈલનું કમોડ નંખાવડાવેલું. એમાં કાર્યક્રમ પતાવ્યા પછી જાતે ઊભા થઈ શકાય એટલા માટે બન્ને બાજુ મલખમના દંડા હોય એવા બે સમાંતર લોખંડના રોડ પણ નંખાવેલા. પરંતુ પેલી ‘ભપ્પ !!’ કરીને બેસવાની આદતને કારણે એક દિવસ પેલું બિચારું સિરામિકનું શૌચસાધન એમના આક્રમણને ખાળવામાં નિષ્ફળ ગયું !
ટોઇલેટના ટુકડે ટુકડા નહીં, ફૂરચે ફૂરચા બોલી ગયા ! શરીરમાં ઘૂસી ગયેલી ઝીણી ઝીણી કરચ તો દિકરા જીવણે જાતે ચીપીયા વડે કાઢી હતી પણ પેલા બે વિશાળ ગોળાર્ધની વચ્ચે ફસાયેલા કાટમાળને દૂર કરવા માટે બાજુના ગામમાંથી ખાસ એક કમ્પાઉન્ડરને તેડાવવો પડ્યો હતો !
હવે તમે જ વિચારો, આવી તોતિંગ કાયાને ખભે ઊંચકીને સાડા ચાર કિલોમીટર દૂરના સ્મશાને પહોંચાડવી શી રીતે ? એ પણ આવા ધોધમાર વરસાદમાં ! ભગુ રણછોડના મોતના સમાચારને લીધે અમારા ફળિયામાં જે છૂપા ભયનું લખલખું ફરી વળેલું તેનું અસલી કારણ આ હતું !
જોકે એનો એક ઉપાય પણ હતો. ઉપાય હતો સેમી-પ્રોફેશનલ ‘કાંધિયાઓ’ !
જી હા, ગામમાં અમુક એવા વ્યક્તિઓ હતા જે આ સેવા આપતા હતા. બદલામાં એમની બે જ આશા હોય, એક તો થોડા ઘણા રૂપિયા મળે અને બીજું બધું પતે પછી ‘પીવા’ મળે ! આમેય ઘરથી સ્મશાન દૂર હોય ત્યારે કાંધિયાઓની સેવા લેવાતી જ હતી. એમાંય જ્યારે કોઈ વડીલ પુરી ઉંમર જીવીને ગયા હોય તો છાંટોપાણી સાથે સ્મશાનમાં જ ચવાણું અને મીઠાઈ સૌ ડાઘુઓને વહેંચવાનો રીવાજ હતો.
પણ આ વખતે ? બે મુઠ્ઠી ચવાણું અને ચાર ઘૂંટડા ‘દેશી’ માટે કંઈ ફળિયાના લોકો સ્મશાને થોડા આવવાના હતા ? એટલે ગામમાં જે જાણીતા કાંધિયા હતા એમની સાથે રાતોરાત વાટાઘાટો ચાલુ થઈ. છેવટે રકઝક કરતાં એવું નક્કી થયું કે કુલ છ કાંધિયા આવશે. તેમને દરેકને એક એક બાટલી, પચાસ પચાસ રૂપિયા અને શેર-શેર ચવાણું આપવું. (આ ચાળીસેક વરસ પહેલાંની વાત છે.)
સવારે પેલા કાંધિયા આવી ગયા. થોડી રોક્કળ પછી ઠાઠડી ઉપડી. ફળિયાના નાકા સુધી કુટુંબીઓએ કાંધ આપી, એ પછી કાંધિયાઓએ હવાલો લઈ લીધો. પણ સ્મશાને પહોંચ્યા ત્યારે નવી મુસીબતની જાણ થઈ !
મુસીબત શું હતી ? કે ભાઈ, લાકડાં પલળી ગયાં છે ! આવડી મોટી ભગુ રણછોડની કાયાને સળગીને રાખ થતાં નહીં નહીં તોય પાંચ કલાક તો સાચા ! આ બાજુ દારૂની તલબથી ઉંચકાઈ રહેલા કાંધિયા કહે :
‘એની બેનને, લાકડામાં ઘાસલાટ લાખોનીં ? ડોહો બળવાનો કિયારે, ને બાટલું મલવાનું કિયારે ?’
આ સાંભળતાં જ સ્મશાનના મસાણિયાએ અસલી સુરતીમાં ચાર ગાળ સંભળાવી. પછી કીધું : ‘ઘાસલેટ લાખે તો ઘાસલેટ જ હલગી જહે, લાકડાં તો ભીનાં જ રે’વાનાં !’
હવે કરવું શું ? જેમ તેમ કરીને ચિતા તો સળગી પણ ડાઘુઓ ઊંચાનીચા થાય ! અડધા સ્વજનો તો કંઈ ને કંઈ બહાનુ કાઢીને છટકી ગયા. જે બાકી હતા તેમને હકીકતમાં છાંટોપાણી અને ચવાણાની તલબ હતી ! છેવટે નક્કી એમ થયું કે જીવણ ભગુ પાસેથી રૂપિયા લઈને એક જણ સો’રાબ પારસીની દારૂની ભઠ્ઠીએ જાય અને બાટલાં પ્લસ ચવાણું લેતો આવે.
આમાં લોચો એક જ થયો કે જેને દારૂ લેવા મોકલ્યો એનું નામ જ ચીમન બાટલી ! એ માણસ એક નંબરનો અખંડ દારૂડીયો હતો. પણ એની પસંદગી ઉપર કાંધિયાઓએ મહોર એટલા માટે મારી કે ચીમન બાટલી જે દારૂ પસંદ કરીને લાવે તે બેસ્ટ ક્વોલિટીનો જ હોય ! સાલું, કાંધિયા તરીકે આખેઆખી બાટલી પીવાનો મોકો ફરી ક્યારે મળવાનો ?
એટલે, વરસતા વરસાદે, પલળેલે કપડે, પુરા દોઢસો રૂપિયા લઈને ચીમન નીકળ્યો. પણ સો’રાબ પારસીની ભઠ્ઠી કંઈ નજીક થોડી હતી ? એ પણ બીજા સાડા ચાર કિલોમીટર દૂર હતી ! વળી એ માત્ર ભઠ્ઠી જ નહોતી. દારૂનો મસ્ત અડ્ડો પણ હતો. અહીં બેસવા માટે ટેબલ ખુરશી તો ખરાં જ, પણ સો’રાબ પારસી સંગીતનો રસિયો, એટલે એના ટુ-ઈન-વન કેસેટ પ્લેયરમાં સતત ફિલ્મી ગાયનો વાગતાં હોય !
હવે તમે જ કહો. ચીમન બાટલી આવી મસ્ત વરસાદી મોસમમાં સો’રાબ પારસીના અડ્ડે જાય અને પીધા વિના જ પાછો આવે એવું બને ખરું ? એ બેટમજીએ જોયું કે આજે તો ભઠ્ઠીમાંથી પહેલી ધારનો દારૂ ઉતરી રહ્યો છે, એટલે એ ત્યાં જ બેસી ગયો ! એને તો મોજ પડી ગઈ !
આ બાજુ સ્મશાનમાં વરસાદની વાછંટે ભીજાતા ડાઘુઓ રાહ જોતા બેઠા છે… અડધો કલાક, પોણો કલાક… કલાક થયો છતાં ચીમન બાટલી ના દેખાયો એટલે છેવટે એક રાજુ ભૂરિયા નામના સોળ વરસના છોકરાને તપાસ કરવા મોકલ્યો.
હવે આ રાજુ ભૂરિયાએ જિંદગીમાં આની પહેલાં માત્ર બે જ વખત દારૂ પીધો હતો. એ પણ થોડો થોડો જ. આજે એ અહીં સુધી ઉઘાડા પગે લાંબો જ એટલા માટે થયો હતો કે ‘ધરાઈને પીવા મળશે !’ એ છોકરો ખળખળ વહેતા રસ્તાનાં પાણીમાં લાંબી ડાફો ભરતો પહોંચ્યો સો’રાબ પારસીને અડ્ડે ! પણ અહીં શું જુએ છે ?
ચીમન બાટલી ટેબલ ઉપર માથું ઢાળીને ટલ્લી થઈ ગયેલો હતો ! માત્ર ખાટલી બાટલી ટેબલ ઉપર આડી પડીને આંટા મારતી હતી ! રાજુ ભૂરિયાએ એને પકડીને હલાવ્યો. ચીમન ઊઠીને કહે છે :
‘પિરા, તુ હો પીવાનો કે ? અરે બેહનીં, ભગુ ડોહાને હલગતાં તો હાંજ પડવાની… ઉતાવળ હું છે ?’
સાલું, એક તરફ મસ્ત વરસાદી મોસમ હોય, બીજી તરફ ભઠ્ઠીમાંથી દારૂની સોડમ ઉડતી હોય અને ઉપરથી કેસેટ પ્લેયરમાં ગાયન વાગતું હોય કે ‘છલકાયે જામ,… આઈયે આપ કી આંખો કે નામ…’ તો બિચારો રાજુ કેટલી ઝીંક ઝીલે ? એટલે એ પણ ત્યાં બેસી ગયો !
આ બાજુ સ્મશાનમાં કાંધિયાઓનો પિત્તો આસમાને ! આ કાંધિયાએ સ્મશાનમાંથી ભીનું લાકડું ઉપાડીને ગાળાગાળી કરવા માંડી :
‘એની બેનને, પારહીને તાં જેઈને બન્નેનાં માથાં ફોડી લાખું !’
જીવણ ભગુએ એને માંડ માંડ શાંત પાડ્યો. હવે એણે જાતે જ સો’રાબ પારસીને અડ્ડે જવાનું નક્કી કર્યું. એક હાથમાં છત્રી અને બીજા હાથમાં ચંપલ (બન્ને મારવાનાં જ સાધનો હતાં) લઈને તે ઉપડ્યો… ત્યાં પહોંચીને જુએ છો તો ચીમન બાટલી માથે બાટલી મુકીને ગાયનના તાલે નાચી રહ્યો છે અને રાજુ ભૂરિયો તાળીઓ વડે તાલ પુરાવી રહ્યો છે !
જીવણ ભગુની કમાન છટકી ! એણે જતાંની સાથે ચીમન બાટલીને છત્રીએ છત્રીએ ઝૂડવા માંડ્યો ! ચીમન બાટલી લથડીયાં ખાતો એની સામું થયો. જીવણે એની ફેંટ પકડીને લાફાવાળી ચાલુ કરી. આમાં ને આમાં ચીમનના શર્ટનું ખિસ્સુ જીવણની મુઠ્ઠીથી ખેંચાઈને ફાટી ગયું !
હવે સીન જુઓ…
વરસાદના ઝંઝાવાતી પવનમાં એક પચાસની અને એક સોની એમ બે નોટો ઊડી રહી છે ! એ જઈને પડી ખળખળ વહેતા પાણીમાં ! અને જોતજોતામાં તો ગાયબ થઈ ગઈ ! હવે ?
સો’રાબ પારસી કહે ‘મારા રૂપિયા લાવ, નહીંતર દારૂ નીં મલે !’
આખરે, સમાધાન એવું થયું કે ભગુ રણછોડના બારમાના દિવસે જ્યારે સો’રાબ પારસી લાડવા જમવા આવે ત્યારે એેને હાથોહાથ રૂપિયા આપી દેવાના ! સો’રાબ પારસીએ પણ ચીમકી આપી કે ‘જો રૂપિયા નીં આપહે તો તારા બાપનો આતમા અવગતે જાહે !’
જે હોય તે, પેલા કાંધિયા આજે ઘરડા થઈ ગયા છે, પણ હજી યાદ કરે છે કે ‘ભગુ રણછોડની કાંધ વખતે જે પીધેલું, તેવું આજ લગી નીં પીવા મઈલું !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Wonderful development of subject
ReplyDeleteVery high quality humour from the pen of Lalitbhai “Mannu”. Can’t wait for further episodes.
ReplyDeleteવાહ લલીત ભાઇ, મઝા આવી ગઇ!
ReplyDelete