આઝાદી પછીની કદાચ આ એકમાત્ર એવી વિચિત્ર ચૂંટણી છે જ્યાં પાર્ટીઓ અને ઉમેદવારો પોતે જ્યોતિષીઓ બની ગયા છે ! પોતે શું કર્યું અને પોતાની પાર્ટી શું કરવા માગે છે એની વાત કરવાને બદલે ભવિષ્યવાણીઓ જ કર્યે રાખી છે !
***
લેટેસ્ટ ભવિષ્યવાણી જ્યોતિષાચાર્ય ઉદ્ધવ ઠાકરેએ કરી છે કે ચાર જુન પછી ભાજપના બે ટુકડા થઈ જશે !
(શિવસેનાના બે ટુકડા થતાં પહેલાં એમણે પોતાની કુંડળી નહીં જોઈ હોય ?)
***
અરવિંદ કેજરીવાલ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે નવા વડાપ્રધાન અમિત શાહ હશે ! અને યોગી, રાજનાથ વગેરેને કાઢી મુક્યા હશે. એટલું જ નહીં, તમામ વિપક્ષી નેતાઓ જેલમાં હશે !
(આ ભવિષ્ય કદાચ તિહાર જેલની દિવાલો ઉપર લખેલું દેખાયું હશે, નહીં ?)
***
મલ્લિકાર્જુન ખડગેજી પહેલાં કહેતાં હતા કે જો ભાજપ જીતશે તો દેશમાં ફરી ચૂંટણીઓ જ નહીં થાય ! પણ હવે કહે છે કે ભાજપને તો ૨૦૦ સીટો પણ નહીં મળે !
(ખડગેજી કઈ રીતે જ્યોતિષ જોતાં હશે ? અડદના દાણા નાંખીને ? કે પોપટ પાસે ચીઠ્ઠી ઉપડાવીને !)
***
ફારૂખ અબ્દુલ્લાને ભવિષ્ય દેખાયું છે કે જો ભારત પીઓકે લેવાની વાત કરશે તો પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી.... એ પરમાણુ બોમ્બ ફેંકશે તો અહીં જ આવીને પડશે !
(આમાં એક શંકા છે... સાલું, પાકિસ્તાને ફેંકેલો બોમ્બ પાકિસ્તાનમાં જ પડે, એવું પણ બને !)
***
અમિત શાહે પણ કાલયંત્રની ગણત્રી માંડીને કીધું છે કે પાકિસ્તાનને પરમાણું બોમ્બ વેચવાનો વારો આવશે !
(આ બને, હોં ? પેલા ઇરાનને જોઈએ જ છે ! અમિતભાઈ વચમાં રહે તો સોદો સહેલાઈથી પાર પડે !)
***
મોદીજી કહે છે કે જો કોંગ્રેસ આવશે તો તમારા ઘરમાં ઘૂસીને તમારી ભેંસ પણ લઈ જશે !
(અચ્છા ? આ ભેંસની કુંડળીઓ ક્યારથી બનવા લાગી ?)
***
જોકે ભાજપ અને કોંગ્રેસ એક ભવિષ્ય બાબતે બિલકુલ સહમત છે...
- ભાજપ કહે છે કે જો કોંગ્રેસ આવશે તો મુસ્લિમોને અનામત આપશે...
અને કોંગ્રેસ કહે છે હાસ્તો વળી ! અમે આવીશું તો મુસ્લિમોને અનામત જરૂર આપીશું ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment