નવી શ્રેણી.... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
તમને યાદ હશે, એક જમાનો હતો જ્યારે દૂરદર્શન ઉપર આવતા ‘સુરભિ’ નામના શોમાં દર અઠવાડિયે ૧૪ લાખ જેટલા પત્રો આવતા હતા ! ભારતીય પોસ્ટલ ડિપાર્ટમેન્ટે આના માટે સરકારને ફરિયાદ પણ કરી હતી કે આનું કંઈક કરો !
આજનો જે કિસ્સો છે એમાં જરા ઊંધું છે. ટપાલનાં અતિરેકને બદલે ટપાલના દુકાળની વાત છે ! આ કિસ્સાનું મુખ્ય પાત્ર એટલે અમારા આંબલિયાધરા ગામના ટપાલી જગુભાઈ. એમને સાત ગામના લોકો ‘જગુ ટપાલી’ કહીને બોલાવે.
આ જગુ ટપાલીની એક જ તકલીફ એને તાડીનું જબરું બંધાણ ! રોજ બપોર ચડે ને એમને બે અઢી શેર તાડી પીવા જોઈએ ! એનો ચહેરો જોઈને જ તમને લાગે કે આ માણસ કાં તો ગંજેરી હશે કાં તો દારૂડિયો હશે. બન્ને આંખો ત્રાંસી થઈને ઝૂકેલી હોય, જ્યારે જુઓ ત્યારે કાળી સીસમ જેવી ચામડી સતત પરસેવો છોડતી હોય, ટપાલીનો ખાખી ડગલો પહેર્યો તો હોય પણ વગર લાયસન્સની ભઠ્ઠીની માફક નીકળી આવેલી એમની માટલા જેવી ફાંદને કારણે ખાખી ડગલામાં ત્રણ બટનો તૂટેલાં જ હોય ! આછી પાતળી અસ્તવ્યસ્ત મૂછો નીચે અડધા ખુલ્લા રહેતા હોઠમાંથી દેખાતા દાંતને એકબીજા સાથે જરાય ફાવતું ના હોય એમ તે અલગ અલગ ઊભા હોય !
જગુ ટપાલીની સાઇકલ પણ એના જેવી જ રેઢિયાળ. કોઈ દહાડો પંચર પડ્યું હોય, કોઈ દહાડો ચેઇન ઉતરી ગઈ હોય તો કોઈ દહાડો એની ઘંટડી હડતાલ ઉપર હોય ! આ ઘંટડીની કોઈ ગેરંટી નહીં, એટલે જગુ ટપાલી જ્યારે ટપાલ લઈને ફળિયામાં આવે ત્યારે ફાટેલા અવાજે બૂમ પાડે ‘આઈવીઈ… ઈ…’
આ બૂમ સાંભળીને જેને પોતાના ઘરે ટપાલ આવવાના આશા હોય એવાં બે ચાર જણાં બહાર આવે… અને જગુ ટપાલી એમને દયા-દાન કરતો હોય એ રીતે થેલામાંથી ફંફોળીને ટપાલ પકડાવે… અને પછી હાલતો થાય !
જગુ ટપાલી લગભગ સાતમા દિવસે જ દર્શન આપે કેમ કે એમના ચાર્જમાં હતાં ગામડાં નંગ સાત ! આનું કારણ એટલું જ કે એ જમાનામાં ગામેગામ પોસ્ટ-ઓફિસો નહોતી. એટલે અમારા આંબલિયાધરા ગામનું સરનામું આ રીતે હોય : ‘મોજે ગામ આંબલિયાધરામાં કરસનભાઈ ભગાભાઈને પહોંચે. મુકામ : આંબલિયાધરા, પોસ્ટ : આમધરા, સુથાર ફળિયું.’
ટુંકમાં કહીએ તો જગુ ટપાલીની હેડ ઓફિસ આમધરા ગામમાં પણ એમણે ટપાલો વહેંચવાની આજુબાજુના સાત ગામમાં. પરંતુ અગાઉ કહ્યું એમ, જગુ ટપાલીને તાડી વિના તો ચાલે નહીં ? એટલે સવારે નવેક વાગે આમધરાથી ટપાલ લઈને વહેંચવા નીકળે તો બપોરે સાડા દસ અગિયાર વાગતામાં તો માથે ચડી આવેલા તડકાથી એ બિચારો અકળાઈ-અકળાઈ જાય ! જે થોડી ઘણી ટપાલ વહેંચાઈ તે વહેંચીને એ સીધો પહોંચે ઇંગારી નદીને કાંઠે આવેલા સોમલા ભગલાના તાડીના છાપરે !
ત્યાં બેસીને હેઈ… ને, શેર બશેર તાડી ગટગટાવી જાય. પછી એને ચડે ઊંઘ ! એટલે ઇંગારી નદીને કાંઠે ઉગેલા મોટા વડની નીચે જઈને, ટપાલનો થેલો માથા નીચે મુકીને, ઘસઘસાટ ઉંઘી જાય ! વહેલી પડે સાંજ…
દક્ષિણ ગુજરાતનાં એ સાતેસાત નાનાં નાનાં ગામના લોકોને જગુ ટપાલીની આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સામે જરાય વાંધો નહોતો, કેમકે એમને વરસમાં ટપાલ પણ કેટલી આવે ? બહુ બહુ તો બળેવમાં રાખડી આવે, દિવાળીમાં કાર્ડ આવે અથવા બહારગામ રહેતું હોય તો ‘અમે સૌ મજામાં છીએ, તમે પણ મજામાં હશો’ એવા પોસ્ટકાર્ડ આવે, બીજું શું ?
પરંતુ જગુ ટપાલીની જિંદગીમાં બહુ મોટી ખલેલ પડી ઉત્તર ગુજરાતના એક શિક્ષકને લીધે ! નામ એમનું મોહન માસ્તર. શરીરે સાવ સુકલકડી પણ સિધ્ધાંત બાબતે નેતરની સોટી જેવા કડક ! ગળું એમનું પાતળું સરખું, પણ અવાજ નીકળે રેલ્વેના એન્જિનની સિસોટી જેવો ! સ્વભાવના પણ આખાબોલા.
કદાચ એટલે જ ઉત્તર ગુજરાતના હોવા છતાં શિક્ષણખાતાના કોઈ અધિકારીના પ્રતાપે બિચારાની બદલે આપણા આંબલિયાધરાની પ્રાથમિકશાળામાં થયેલી. એમનાં લગ્ન થયે માંડ સાતેક વરસ થયાં હશે, અને પત્ની પણ શિક્ષિકા જ, પરંતુ પત્નીની નોકરી ઉત્તર ગુજરાતના કોઈ ગામમાં અને બિચારા મોહન માસ્તર અહીં દક્ષિણ ગુજરાતમાં જાતે ચૂલો ફૂંકીને, જાતે રોટલા ટીપીને ખાય !
મોહન માસ્તરનો તીખો સ્વભાવ હોવા છતાં એમનું દાંપત્યજીવન સારું જ હશે, કેમકે મોહન માસ્તર દર રવિવારે ઘરે બેસીને, સમય કાઢીને, મોતીના દાણા જેવા અક્ષરે ‘આંતરદેશીય પત્ર’માં પત્નીને લાંબોલચક પત્ર લખતા… જે સોમવારે જાતે-પોતે આમધરાની પોસ્ટઓફિસના ડબલામાં નાંખી આવતા.
જવાબમાં પત્ની પણ ત્રાંસા અક્ષરે, પોસ્ટકાર્ડમાં કીડી પણ ચાલી ન શકે એવો ખીચોખીચ જવાબ મોકલતી હતી ! પરંતુ આ યુગલના પત્ર-પ્રેમમાં વિલન બન્યો આપણો જગુ ટપાલી ! એનો તો નિયમ હતો કે વહેંચાય એટલી ટપાલો યથાશક્તિ વહેંચવી અને પછી ઇંગારી નદીના કાંઠે તાડી પીને ટપાલોના થેલાનું ઓશિકું બનાવીને નિંદ્રાધીન થવું !
આમાં ને આમાં એક દિવસ મોહન માસ્તર અને જગુ ટપાલીની થઈ ગઈ સામાસામી ! વાત એમ હતી કે જગુ ટપાલીનું સાસરું આપણા આંબલિયાધરા ગામમાં જ ! જગુ ટપાલીની બૈરી વારંવાર જગુ સાથે ઝગડો કરીને પોતાને પિયર એની વિધવા મા પાસે આવી રહે ! જગુ ટપાલી એને પાછી બોલાવવા માટે સાસુના ઘરે જાય અને બહાર ઊભો ઊબો ઘાંટા પાડીને તમાશો કરતાં પોતાની પત્નીને મણમણની સંભળાવે :
‘ઓ કમજાત ! ઓ કોહયલી ! ઓ કુબજા ! તને તારા ધણીની જરા ’બી પરવા ખરી કે નીં ? અને ઓ મારી હાહુ ! તું હું જોયા કરે ? તારા ઘરે તારો જમાઈ આઈવો ! કંઈ મટન-બટન રાંધીને ખવડાવહે કે નીં ? જમાઈની જરીક તો ઇજ્જત રાખ, મારી હાહુ ?’
મૂળ વાત એમ હતી કે જગુ ટપાલીની સાસુ રસોઈ બહુ અફલાતૂન બનાવે ! એનાથી ઉલ્ટું, જગુની બૈરી રસોડાના મામલે એટલી જ બેસ્વાદ ! આમાં જ જગુને એની બૈરી સાથે ઝગડો થાય, જગુ એને લાકડીએ-લાકડીએ મારવા લે, અને બૈરું ભાગીને પિયર આવતું રહે !
હકીકતમાં જગુ ટપાલીને પણ આ જ જોઈતું હોય ! આ બહાને એ પોતાની સાસુના ઘરની બહાર તાયફો કરે ! છેવટે સાસુ કંટાળે એટલે એને ઘરમાં બોલાવે… અને પછી જગુ ટપાલી હોય… ને લહેરથી છ સાત દહાડા સાસુના હાથની મસ્ત નોન-વેજેટેરીયન વાનગીઓ ખાઈ ખાઈને પેટ ઉપર હાથ ફેરવતો પડ્યો રહે !
આવી જ એક સાંજે મોહન માસ્તરે જોયું કે પોતાના ભાડૂતી ઘરની બિલકુલ સામેના ઘરમાં જે માણસ તાયફા કરે છે એ જ તો અહીંનો ટપાલી છે ! મોહન માસ્તરે ખાટલામાં ફેલાઈને પડેલા જગુ ટપાલીને કહ્યું :
‘ભાઈ, તમે આટલી હદે બે-જવાબદાર, બે-ઈમાન, બિન-કાર્યક્ષમ, રેઢિયાળ અને હલકટ હશો એની મને ખબર હોત તો મેં તમારી સામે સત્યાગ્રહ નહીં પણ હઠાગ્રહ આદર્યો હોત કે તમે હવે તમારી ફરજ પ્રત્યે સભાન થાવ નહીંતર મારે તમારી વિરુદ્ધ કડક પગલાં શા માટે ન લેવાં તેની તમોને કાયદેસર રીતે શો-કોઝ નોટિસ ફટકારી દીધી હોત !’
મોહન માસ્તરનું આટલું ‘અઘરું’ ગુજરાતી જગુ ટપાલીની ખોપરીમાં ઉતર્યું જ નહીં એટલે તેણે પલંગમાં પડ્યાં પડ્યાં માથું ખંજવાળતાં સાસુને બૂમ પાડી ‘ઓ હાહુ ! આ જોનીં ? હું કકલાટ કરતો છે ?’
પછી જરીક બેઠા થઈને મોહન માસ્તરને કીધું ‘જો ભાઈ, મેં તો પાંચ જ ચોપડી ભણેલો છે. મને હમજાય તેવું બોલ.’
હવે મોહન માસ્તરે અસલી ભડાસ કાઢી : ‘હું અહીંથી છેક ઉત્તર ગુજરાતમાં બેઠેલી મારી પત્નીને દર સોમવારે પત્ર લખું છું, જવાબમાં તે પણ નિયમિત રીતે પોસ્ટકાર્ડ લખે છે. પરંતુ તારી બિન-કાર્યક્ષમતાને કારણે મારી પત્નીની ટપાલ મને મળતી જ નથીઈઈ !’
‘અં… હં ! એમ બોલનીં ?’ જગુ ટપાલીએ બહુ સહજતાથી જવાબ આપ્યો. ‘આજુબાજુનાં હાત ગામમાં કોઈને કંઈ તકલીફ નીં મલે, તો તને હું પેટમાં દુઃખતું છે ?’
‘પેટમાં ? મને પેટમાં દુઃખે છે ?’ માસ્તર બગડ્યા. ‘તુચ્છ ટપાલી ! તું સમજી નથી શકતો કે મારી પીડા શું છે !’
‘અચ્છા ! હમજી ગિયો ! છતી બૈરીએ વાંઢાની જેમ ચૂલો ફૂંકીને રોટલા ટીપવા પડતા છે, તે જ ને ? એમાં હું ? મારી હાહુને તાં જમવા આઈવા કરનીં ? બોવ મસ્ત મટન ચાંપ, ને પાયા, ને મરઘી બનાવીને તને ખવડાવહે !’
આખી વાતમાં બન્યું એવું કે જગુ ટપાલીનું આ ‘વાંઢા-મહેણું’ માસ્તરની છાતીએ તીરની જેમ લાગી આવ્યું ! માસ્તરનો મિજાજ ગયો ! એમણે બીજા જ દિવસે આમધરા પોસ્ટઓફિસે જઈને જગુ ટપાલી વિરુધ્ધ ચાર પાનાં ભરીને લેખિત ફરિયાદ આપી ! જેમાં ગામ લોકોની પણ સહીઓ હતી. એટલું જ નહીં, પોસ્ટ માસ્તરને પણ ‘કડક પગલાં’ની મૌખિક ચીમકી આપી !
હવે તો જે થવાનું હતું તે થવાનું જ હતું ? પોસ્ટ માસ્તરે જગુ ટપાલીને રૂબરૂમાં બોલાવીને ખખડાવ્યો ! એટલું જ નહીં, લેખિત ‘મેમો’ આપી દીધો !
બસ, આમાં જગુ ટપાલીની ખોપડી છટકી ! એ હવે નફ્ફટાઇ ઉપર ઉતરી આવ્યો. ‘એની બેનને…. આ માહતરિયું તો માહતરિયું… પણ ગામના લોકોને બી પેટમાં દુઃખવા લાઈગું ? અ’વે તમે બી લેતા જાવો…’
બીજા દિવસથી જગુ ટપાલીએ નવો દૈનિક-ક્રમ શરૂ કર્યો. એ સાઇકલ લઈને નીકળે, આમધરા પોસ્ટ ઓફિસે પણ જાય, ટપાલનો થપ્પો થેલામાં પણ નાંખે, પરંતુ એ પછી ઇંગારી નદીમાં જઈને બધી ટપાલ પધરાવી આવે !
આમાં ને આમાં મહિનો, બે મહિના વીતી ગયા ! મોહન માસ્તર તો ઊંચોનીચો થાય જ, પણ ગામ લોકોને પણ થયું કે ‘હાહરીની ટપાલ કેમ નીં આવતી ?’ બધાએ જઈને જગુ ટપાલીને પૂછ્યું તો એણે ચોખ્ખું ચોપડાવ્યું ‘તમે જ હહરીના અરજી કરવાના થયેલા ! તો હવે લેતા જાવો ! ટપાલ તો બધી વાયા ઇંગારી જ આવવાની !’
આ ‘વાયા-ઇંગારી નદી’નો ભેદ ખુલ્યો એટલે આખરે જગુ ટપાલી સસ્પેન્ડ થયો !
પરંતુ વાત અહીં પુરી નથી થતી. એક ટપાલી સસ્પેન્ડ થાય એટલે કંઈ તાત્કાલિક બીજો ટપાલી આકાશમાંથી થોડો આવે ? એટલે થયું એવું કે બીજાં સાત ગામમાં ટપાલ વહેંચતા એક અઠ્ઠાવન વરસના વયોવૃદ્ધ ખખડી ગયેલા ખટારા જેવી તબિયત ધરાવતા સિનિયર ટપાલી છગનલાલને માથે ડબલ-ડ્યૂટી આવી પડી !
એ બિચારા હતા કર્મનિષ્ઠ અને ફરજ-પરસ્ત, એટલે ચૌદ-ચૌદ ગામનાં ફળિયે ફળિયે ટપાલ વહેંચતાં વહેંચતાં એક દિવસ દમના હૂમલાથી હાંફીને આપણા આંબલિયાધરામાં જ સાઇકલ ઉપરથી ગબડી પડ્યા !
હવે ? ગામના લોકોને થયું કે જો છગન ટપાલી ગુજરી ગયા તો એનું પાપ આપણને લાગશે ! પણ હવે ઉપાય શું ?
ઉપાય એની મેળે જગુ ટપાલી વડે જ થયો ! બન્યું એવું કે જ્યારે એ ઇંગારીના વડ નીચેથી નીંદર પુરી કરીને પોતાની સાસુના ઘરે તાયફો કરવા આવ્યો ત્યારે એણે જોયું કે એની બૈરી સામેના ઘરમાં, માસ્તરનો ચૂલો ફૂંકીને સળગાવવામાં મદદ કરી રહી હતી !
‘તારી હાહુનું હાક દાઝે… જે માહતરે મને સસ્પેન્ડ કરવાનો તેનો જ તું ચૂલો ફૂંકતી છે ?’ એમ કહીને એણે મોટો ઝઘડો કર્યો.
એની બૈરી સામી વીફરી. ' ફૂંકતી છે તો તારા બાપનું હું ગિયું ?'
જગુ ટપાલી ફરિયાદ કરવા એની સાસુને ત્યાં ગયો. પણ સાસુએ જરાય દાદ આપી નહીં. કેમકે ઉતર્યો અમલદાર કોડીનો ! સાસુએ પણ સંભળાવી દીધું : ' ખબરદાર જો મારી પોરીને દુ:ખી કરવા ંંઅંઈ આવતો છે તો !'
હવે જગુ ટપાલીની કમાન છટકી ! પુરેપુરો બદલો લેવા માટે એણે પાકો કારસો ઘડ્યો.. જગુ ટપાલી આમધરા પોસ્ટઓફિસે ગયો. ત્યાંથી મોહન માસ્તરની પત્નીને લખાતી ટપાલમાંથી ઉત્તર ગુજરાતનું સરનામું મેળવ્યું…
- અને ગડબડિયા અક્ષરે ટપાલ લખી કે ‘તમારો ધણી અહીં બીજાની બૈરી સાથે રંગરેલિયા મનાવતો છે. તે કંઈ ‘સતો’ નથી. ગામનાં બૈરાં પર ખરાબ નજર રાખતો છે. પોતાના ઘરની સાંમેવારીને તો ઘરમાં જ ઘાલેલી છે. તારી જિંદગી બરબાદ થતી જોવી હોઈ તો આવીને તારી આંખે જોઈ લે…’ વગેરે વગેરે.
બસ, પછી શું ? વળતી ટપાલે, એટલે કે વળતી ટ્રેને અને મારતી એસટી બસે, મોહન માસ્તરની પત્ની વાવાઝોડાની માફક, આંબલિયાધરામાં ત્રાટકી ! અને બીજા જ દહાડે માસ્તરનું ઘર ખાલી કરાવીને સાથે લઈ ગઈ !
જોકે એ પછી જગુ ટપાલીની નોકરી પાછી લાગતાં છ મહિના થયેલા, પણ એ ‘વસૂલ’ કહેવાય !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Well developed story
ReplyDeleteવાહ.... સરસ રેખાચિત્ર સાથે જીવાતા જીવનની વિડંબનામાંથી લેખક હાસ્ય નીપજાવે છે... અભિનંદન..
ReplyDeleteભાગ્યેશ જહા.
Hilarious! What a caricature. It also gives reflection of rural india.
ReplyDelete