ભારતીય ચૂંટણીના રિયાલિટી શો !

ભારતની ચૂંટણી પોતે જ એક જબરદસ્ત મોટી સાઇઝનો લાઇવ રિયાલીટી શો છે ! એ જેટલો મનોરંજક છે એટલો જ ખતરનાક પણ છે ! જુઓ એની અલગ અલગ ઝલક…

*** 

કૌન બનેગા કરોડપતિ
અહીં પબ્લિકને નજર સામે દેખાય છે કે ઉમેદવારો ફોર્મ ભરતી વખતે પોતાની કરોડોની મિલકતો જાહેર કરે છે... છતાં એ જ કરોડપતિઓને પાંચ વરસમાં અબજોપતિ બનાવવા માટે પ્રજા વોટ આપે છે !

*** 

સ્ટાર પરિવાર શો
દરેકે દરેક ચૂંટણીમાં એકના એક પરિવારો ‘સેવા’ નામનું મનોરંજન પીરસવા આવી પહોંચે છે ! ટીવીના મલ્હોત્રા પરિવાર અને ગોકુલધામ પરિવારને બદલે અહીં ગાંધી પરિવાર, યાદવ પરિવાર, ઠાકરે પરિવાર, ચૌધરી પરિવાર, અબ્દુલ્લા, મુફ્તી, બેનરજી, નાયડુ, ગૌડા... જેવા અનેક પરિવારો ધૂમ મચાવે છે !

*** 

મુવર્સ એન્ડ શેકર્સ
આ જુનો શો નવા સ્વરૂપે શરૂ થયો છે. આમાં અમુક જ્ઞાતિઓ પોતાની જ ચેનલને હચમચાવીને ‘મુવર્સ એન્ડ શેકર્સ’ બને છે !

*** 

ક્રાઇમ પેટ્રોલ
આ એવો શો છે જ્યાં ક્રાઈમ વધારે ભડકે એટલા માટે એમાં પેટ્રોલ છાંટવામાં આવે છે ! એટલું જ  નહી ક્રિમિનલ્સના હાથમાં જ પેટ્રોલના કેરબા પકડાવી દે છે !

*** 

ઇન્ડિયન આઇડલ્સ
‘આઇડોલ’ નહીં ‘આઇડલ્સ’ એટલે કે આળસુઓ ! દેશના કરોડો નવરાઓ રોજના ચાર ચાર કલાક મોબાઈલમાં ચોંટેલા રહે છે અને પછી રડે છે કે બેરોજગારી છે !

*** 

લાપતાગંજ
ટીવીમાં ભલે આ કોમેડી શો હતો, પણ હવે આ રિયાલીટી શો છે ! કેમકે એમાં કરોડો મિડલ ક્લાસ મતદારો છે જે રાજકીય પાર્ટીની નજરોમાંથી લાપતા છે !

*** 

ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ
આ ટ્રેજિક રિયાલીટી શો છે, જેમાં નેતાઓ ભારતની પ્રજાની ચેલેન્જ આપે છે કે તમે હસી બતાડો તો, ખરા !

*** 

સચ કા સામના
આ શો ફક્ત એક જ દિવસ માટે હશે... તારીખ છે... ૪ જુન !

***

- મન્નુ શેખચલ્લી

Comments