એવાં કેવાં ગઠબંધન ?!

આ વખતની ચૂંટણીમાં છેક ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો આવે ત્યાં સુધી ગઠબંધનોમાં ગાંઠ-બંધન અને ગાંઠ-છોડ જેવી પ્રક્રિયા ચાલી છે.

સરવાળે અહીં છ જાતની ફોર્મ્યુલાઓ જોવા મળી છે. 
(૧) મારું એ મારું, પણ તારું-મારું સહિયારું 
(૨) ભાઈ ન લડો, વહેંચીને ખાઓ 
(૩) હું ભલે મરું, પણ તને રાંડ કરું. 
(૪) ડાહી સાસરે ના જાય અને ગાંડીને શીખામણ આપે 
(૫) શિયાળ ખેંચે સીંમ ભણી, કૂતરું ખેંચે ગામ ભણી 
(૬) તુમ મુઝે સીટ દો, મેં તુમ્હેં સપોર્ટ દૂંગા…

આમાં કોમેડીઓ એવી થઈ છે કે…

*** 

આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસની સાથે ખરી. પણ પંજાબમાં સામસામે છે…

*** 

જોકે પંજાબમાં આપ-કોંગ્રેસ સામસામાં ખરાં. પણ ચંદીગઢમાં સાથે છે !

*** 

ચંદીગઢમાં સાથે છે કેમકે હરિયાણાની રાજધાની પણ ચંદીગઢ છે, અને હરિયાણામાં આપ-કોંગ્રેસ સાથે છે !

*** 

કેરળમાં કોંગ્રેસ અને સીપીએમનું ગઠબંધન ખરું… પણ વાયનાડમાં રાહુલ ગાંધી સામે સીપીએમે ઉમેદવાર ખડો કર્યો હતો !

*** 

મમતા બેનરજીએ બંગાળમાં કોંગ્રેસ કે કોમ્યુનિસ્ટોને એકપણ સીટ આપવાની ના પાડી દીધી, ગઠબંધનથી છેડો પણ ફાડી લીધો. પણ હવે કહે છે કે જો ગઠબંધન જીતે તો પોતે ટેકો આપશે !

*** 

બિહારમાં કોંગ્રેસ લાલુ યાદવ સાથે છે પણ લાલુ યાદવ બિહારમાં સમાજવાદી પાર્ટી સાથે નથી !

*** 

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી કોંગ્રેસ સાથે છે પણ મુલાયમ અને લાલુજી એકબીજાના વેવાઈ હોવા છતાં ચૂંટણીમાં સાથે નથી !

*** 

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શરદ પવાર સાથે છે પણ મધ્ય પ્રદેશમાં શરદ પવારને સીટ આપવાની ના પાડી દીધી !

*** 

બસપા યુપીમાં ગઠબંધન સાથે નથી પણ બિહારમાં ગઠબંધનની સાથે ખરી !

*** 

રહી વાત ભાજપની, તો ઉધ્ધવ ઠાકરેની આગાહી મુજબ, ચોથી જુન પછી ભાજપની અંદરો અંદર જે ગઠબંધનો છે તે બહાર આવી જશે !

જય લોકશાહી…

***

- મન્નુ શેખચલ્લી

Comments