આઈપીએલ જેવી ચુંટણીઓ !

ચૂંટણીઓ અને આઈપીએલ… બન્નેમાં રસાકસી જામી છે ! જોવાની વાત એ છે કે આઈપીએલના અમુક નિયમોની અસર ચૂંટણીમાં પણ દેખાય છે !

*** 

જેમકે ‘ઇમ્પેક્ટ પ્લેયર’...
અત્યાર સુધી જેને મેદાનમાં જ ઉતરવાની છૂટ નહોતી એ કેજરીવાલે આવતાંની સાથે જ ચોગ્ગા છગ્ગા ફટકારવા માંડ્યા છે ! ભલેને બાવીસ જ બોલ રમવા મળવાના છે, છતાંય ! (‘આપ’ માત્ર બાવીસ સીટો ઉપર લડી રહ્યું છે.)

*** 

પરંતુ ‘ફીલ્ડ રીસ્ટ્રીક્શન્સ’
આ તો મેચોની તારીખો જાહેર થઈ એ પહેલાંથી વિપક્ષી ટીમે બૂમાબૂમ કરી હતી કે ઈડીના દરોડા વડે હવે ‘લેવલ પ્લેઇંગ ફીલ્ડ’ નથી રહ્યું !

*** 

ઉપરથી ‘સ્ટ્રેટેજીક ટાઇમ-આઉટ’...
જુઓને, ચૂંટણી પતી ગયા પછી કેટલા મત પડ્યા એની જાહેરાત કરવામાં અગિયાર અગિયાર દિવસ શેના લાગી જાય છે ?

શું આ સ્ટ્રેટેજીક ટાઇમ-આઉટ નથી ?

*** 

એમાંય ‘માથાથી ઊંચા બાઉન્સર’...
જ્યારે રાહુલ ગાંધી દરેક ગરીબ મહિલાને વરસે લાખ રૂપિયા આપવાની વાત કરે છે ત્યારે એ બાઉન્સર માથા ઉપરથી જાય છે ! કેમકે જો દેશમાં ૨૦ કરોડ ગરીબ મહિલાઓ હોય તો ૨૦ લાખ કરોડ રૂપિયા લાવશો ક્યાંથી ? અહીં દેશનું બજેટ જ ૪૫ લાખ કરોડનું છે !

*** 

વચ્ચે ‘ડીઆરએસ’ની માંગ...
એમાંય બંગાળ,. બિહાર અને ગુજરાતમાં જ્યાં જ્યાં બુથ-કેપ્ચરીંગ અને હિંસા થઈ ત્યાં ડીઆરએસની માંગ કરવામાં આવી ! ફરી મતદાન થયું... પણ અંપાયરનો ચૂકાદો બાકી છે !

*** 

રન આઉટ’ અને ‘હિટ વિકેટ’
બન્ને કોંગ્રેસને નડી ગયાં ! સુરતમાં નીલેશ કુંભાણીએ જાતે હિટ-વિકેટ કરી અને ઇન્દોરમાં અક્ષય કાંતિ બંને જાતે જ કોંગ્રેસને રન-આઉટ કરી !

*** 

કમરથી ઊંચો ફૂલ-ટોસ’
મોદીજીએ અંબાણી-અદાણીનાં નામ લઈને ટેમ્પો ભરી ભરીને રૂપિયા મોકલાયાની વાત કરી નાંખી !

*** 

ફ્રી-હિટ’માં સિક્સર...
અને મમતા બેનરજીને ત્યાંના રાજ્યપાલ વિશેની જાતીય સતામણીની ફરિયાદમાં ફ્રી હિટ ઉપર સિક્સર મારવા મળી ગઈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments