તમે ‘ટાઢા પહોરનાં ગપ્પાં’ તો સાંભળ્યા હશે પણ આ પાંચ-છ દિવસના હિટ-વેવમાં એવી ખતરનાક ગરમી પડી રહી છે કે હવે તો ‘ગરમ પહોરનાં ગપ્પાં’ પણ માનવાનું મન થાય ! સાંભળો…
***
ભીખાલાલ નામના એક કાકા છેલ્લા ત્રણ દિવસથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હજી વધારે ગરમી પાડો... હજી વધારે ગરમી પાડો...
કોઈએ એમને પૂછ્યું કે આવી વિચિત્ર પ્રાર્થના કેમ કરો છો ? તો જવાબમાં ભીખાલાલ કહે છે : ‘ગયા વરસે અહીં રોડ ઉપર તાજો ડામર પાથર્યો હતો એમાં મારી એક ચંપલ ચોંટી ગઈ હતી. હવે જો આ વરસે ગરમીથી ડામર પીગળે તો મને મારી ચંપલ પાછી મળી જાય !’
બોલો.
***
અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં એક નેપાળી ફેરિયો સાંજના સમયે ‘લઇ લો... ગરમ ધાબળાં... ગરમ રજાઈ... ગરમ સ્વેટર... ગરમ મફલર... ગરમ ટોપીઈઈ...’ એવી બૂમો પાડતા નીકળે છે.
ઘરાકો ખરીદવા માટે ચેક કરે છે તો આ ધાબળા, રજાઈ, સ્વેટર, મફલર, ટોપી વગેરે ખરેખર હથળીમાં ખાસ્સાં ‘ગરમ’ લાગે છે ! આના કારણે એ નેપાળી ફેરિયાનો અડધો-અડધ માલ વેચાઈ પણ ગયો છે !
બોલો.
***
અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા તનસુખલાલ નામના એક ભાઈને છેલ્લા સાત વરસથી ચામડીના રોગો મટતા નહોતા. અનેક ડોક્ટરો વૈદ્યો તથા નુસખાબાજ લોકોના ઇલાજો કરવા છતાં એમની ચામડીના હઠીલા રોગ જતા જ નહોતા.
પરંતુ છેલ્લા ચાર દિવસથી એમણે પોતાના ઘરના નળ નીચે બેસીને બપોરે ૧ થી ૩ વચ્ચે નહાવાનું શરૂ કરવાથી તેમની ચામડીમાં રોગ ફેલાવતાં તમામ જીવાણુંઓ દાઝીને ખતમ થઈ ગયા છે ! હવે તેમને ઘણી રાહત છે !
બોલો.
***
વડોદરા, રાજકોટ, જામનગર, ભૂજ, ગાંધીધામ, પાલનપુર વગેરે શહેરનાં મલ્ટિપ્લેક્સોએ નવી સ્કીમ ચાલુ કરી છે :
‘બપોરે ૧ થી ૪ ના શોમાં આવો, મસ્ત સોફામાં બેસીને સરસ મઝાની ઊંઘ કાઢો... તમને ડિસ્ટર્બ ન થાય એટલા માટે કોઈપણ ફિલ્મ જ નહીં બતાવીએ !’
બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment