નવી શ્રેણી...ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધી ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
નામ એમનું દામુકાકા. નાનકડા ગામડામાં એમની કરિયાણાની દુકાન. આ ઉપરાંત એમનો અનાજનો મોટો વેપાર. આજુબાજુના ગામના ખેડૂતો પાસેથી અનાજ ખરીદીને તે મોટા મોટા વેપારીઓને વેચે. આમાં તે ખાસ્સું કમાયેલા.
આખા ગામમાં પાકું, વિદેશી નળિયાંવાળું અને બે માળનું મકાન માત્ર એમનું જ. છતાં જ્યારે જુઓ ત્યારે ધોળો સદરો અને પટ્ટાવાળો પાયજામો જ પહેર્યો હોય. હા, ગામ છોડીને શહેરમાં જાય ત્યારે સદરો નવો, ઇસ્ત્રી કરેલો હોય અને પાયજામાને બદલે ગ્રે કલરનું ‘ટેરિકોટન’નું પેન્ટ હોય.
આવું જ ટેરિકોટનું પેન્ટ અને સદરો પહેરીને તે ૧૯૭૫ની સાલમાં મુંબઈ ફરવા ગયેલા. ત્યાં મુંબઈમાં સરસ મઝાના ફ્લેટમાં ઠરીઠામ થયેલા એમના એક ગ્રેજ્યુએટ ભત્રીજાએ એમને ચોપાટી, મરીન લાઇન્સ, હેંગિંગ ગાર્ડન, ગેટ વે ઓફ ઇન્ડિયા વગેરેની સફર કરાવ્યા પછી તે વખતની મશહૂર ‘મિનરવા’ ટોકિઝમાં પંદરમાં વીકમાં હાઉસફૂલ ચાલી રહેલું મશહૂર પિક્ચર ‘શોલે’ બતાડેલું !
આજે તો ‘શોલે’ એટલે સમજ્યા હવે, એમ નવી પેઢીને થાય, પણ એ વખતે મિનરવા ટોકિઝમાં ભવ્ય (અડધું ફળિયું સમાઈ જાય એવડા) ૭૦ એમએમના પરદે અને પાછુ સ્ટિરીયોફોનિક સાઉન્ડમાં દામુકાકાએ ‘શોલે’ જોયું… અને એ દંગ થઈ ગયા !
ગામડે આવીને એના જે વખાણ કરે, જે વખાણ કરે ? ‘એની બેનને, શોલે જેવું કોઈ પિચ્ચર નીં મલે ! પે’લ્લાં જ સીનમાં ‘ભખ્ખ… ભખ્ખ..’ કરતું જે રેલ્વેનું એન્જિન આવે. તેના અવાજથી આપણી ખુરશી હો ધ્રુજવા કરે ! બંધૂકમાંથી ગોળી છૂટે તે આ કાનથી પેલા કાન બાજુ જતી હંભળાય ! ને એક રાણી છાપ સિક્કો ભોંય પર પડે તેનો બી કિલિયર અવાજ હંભળાય ! એની બેનને, શોલે જેવુ પિક્ચર નીં મલે !’
અમે જેટલીવાર સ્કુલ વેકેશનમાં ગામડે જઈએ એટલીવાર જાણે હમણાં જ શોલે જોયું હોય તેમ પૂછે ‘પિરા, તેં શોલે જોયું કે નીં ? હહરીનું શોલે જેવું પિક્ચર નીં મલે !’
સ્કુલમાંથી અમે કોલેજમાં આવી ગયા છતાં દામુકાકાનો ‘શોલે’-મોહ ખતમ થવાનું નામ જ ના લે ! જોકે એ પછી તો ‘શોલે’ નજીકના શહેરમાં પણ આવી ગયું અને નજીકનાં નાનાં ટાઉનમાં પણ આવી ગયું. જેટલી વાર શોલે નજીકના ટાઉન કે શહેરમાં પડે એટલી વાર દામુકાકા જઈને જોઈ આવે ! એટલું જ નહીં આવીને એમની દુકાનમાં આવનારાં દરેક ઘરાકને પૂછે ‘અલ્યા, શોલે જોયું કે નીં ? હહરીનું, શોલે જેવું કોઈ પિક્ચર નીં મલે !’
આમ કરતાં કરતાં દસ વરસ વીતી ગયાં… ૧૯૮૫ની આસપાસ નાનાં નાનાં ગામડાંઓમાં પણ હિન્દી ફિલ્મોની વિડીયો કેસેટો જોવાતી થઈ ગઈ હતી. અમારા ગામમાં માંડ ત્રણ ઘરે કલર ટીવી હતાં. એમાંનું એક ઘર દામુકાકાનું. ઘરની લાંબી મોટી લાદીઓ વડે જડેલી પરસાળ… અને એ પરસાળમાં ફળિયાનું ‘ઓડિયન્સ’ રાત્રે જમી કરીને ભેગું થાય. ફળિયાના બે ચાર જુવાનિયા ટાઉનમાંથી નવી નવી ફિલ્મોની કેસેટો લઈ આવે અને ભાડેના વીસીઆર વડે દામુકાકાના કલર ટીવીમાં એ ફિલ્મ ચડાવવામાં આવે.
ઓડિયન્સમાં આગળ ટાબરિયાં બેઠાં હોય. (જે અડધી ફિલમ પછી ઊંઘી ગયા હોય) ડાબી બાજુ લેડીઝ, અને જમણી બાજુ પુરૂષો. એ સૌની પાછળ, દામુકાકા. એક બાંકડા ઉપર એક હાથ લંબાવીને ત્રાંસા બેઠા હોય…
આખું પિક્ચર પુરું થાય એટલે દામુકાકા દર વખતે ઊભા થતાં. જીભ વડે ડચકારો બોલાવતાં કહે ‘પણ શોલે જેવું તો નીં મલે !’
આ સિલસિલો બહુ લાંબો ચાલ્યો. જુવાનિયાઓ શોધી શોધીને અમિતાભ બચ્ચનની, રાજેશખન્નાની, વિનોદ ખન્નાની, જીતેન્દ્રની સારી સારી સુપરહિટ ફિલ્મોની કેસેટો લાવી લાવીને દામુકાકાને બતાડે… પણ દામુકાકા છેલ્લે ઊભા થતાં એમ જ કહે કે ‘શોલે જેવું નીં મલે !’
આમાં ને આમાં ફળિયાના જુવાનિયાઓ જરા અકળાતા ગયા. એમણે દામુકાકાને ખુશ કરવા માટે જુનાં ‘મધર ઇન્ડિયા' 'બરસાત' 'શ્રી૪૨૦' 'આવારા' 'હિમાલય કી ગોદ મેં’ જેવી ફિલ્મો પણ બતાડી જોઈ. પણ દામુકાકાની પિન ત્યાં જ ચોંટેલી ‘શોલે જેવું નીં મલે !’
એવામાં એક દિવસ નજીકના ટાઉનમાં ફરી એકવાર શોલે આવ્યું ! દામુકાકા હરખભેર આઠમી કે નવમી વખત શોલે જોઈને આવ્યા અને આખા ફળિયામાં જેને મળે તેને ઢંઢેરો પીટતા હોય એમ કહેવા લાગ્યા ‘પિચ્ચર એટલે શોલે ! એના જેવું કોઈ બીજું પિક્ચર નીં મલે !’
એક સાંજે જ્યારે દુકાન વધાવી લીધા પછી દામુકાકા ઘરને ઓટલે બેઠા હતા ત્યારે રોજની જેમ ગપ્પાં મારવા ભેગા થયેલા જુવાનિયાઓ આગળ એમણે ફરી એ જ રેકોર્ડ ચાલુ કરી ! ‘શોલે જુઓ, શોલે ! શોલે જેવું કોઈ પિક્ચર નીં મલે…’
ત્યારે એક જુવાનથી રહેવાયું નહીં. એણે કીધું ‘દામુકાકા, તમે શોલે ભલે દસ વાર જોયું હોય, પણ એના ખાલી એક સીનનો મતલબ તમે કહી આપો તો ખરા !’
‘કયો સીન ?’ દામુકાકાએ પૂછ્યું.
‘યાદ છે, રામગઢમાંથી પેલા છોકરાને શહેરના બીડીના કારખાનામાં નોકરી લાગે છે ? એ ગધેડા ઉપર સામાન લાદીને જતો હોય છે, ત્યારે ડાકુઓ તેને પકડીને ગબ્બર પાસે લાવીને પૂછે છે કે ‘સરદાર ઇસ કા ક્યા કરેં ?’ ત્યારે ગબ્બર કંઈ બોલ્યા વગર, આમ, હાથ ઉપર ચાલતા મંકોડાને ઝાપટ મારીને મારી નાંખે છે…. તો એનો મતલબ હું ?’
દામુકાકા હવે વિચારમાં પડી ગયા ! ‘સાલુ, મંકોડો મારી નાંખ્યો એનો મતલબ હું ?’
આ તો હવે ઇજ્જતનો સવાલ થઈ ગયો ! દામુકાકાને રાતના ઊંઘ ના આવી ! મનમાં ને મનમાં વિચારે, 'હારા... મંકોડો મારી લાઈખો એનો હું મતલબ થતો ઓહે...?'
સાલું, ફળિયામાં કોઈને પૂછાય પણ નહીં ! આમ ને આમ આખો દિવસ ગયો. ત્રીજા દિવસે ફળિયાના એક છોકરાને કહે ‘ચાલ, તારી બાઈક પર બેસાડીને મને ટાઉનમાં લઈ જા તો ?’
ટાઉનના ચાર રસ્તે ઉતરીને દામુકાકા આડે અવળે રસ્તે થઈને ‘છૂપી રીતે’ પેલા ટાઉનના નાનકડા થિયેટરમાં ફરી ‘શોલે’ જોવા બેસી ગયા ! પણ આ બાજુ ગામમાં ઉડતી ઉડતી ખબર પહોંચી ગઈ કે દામુકાકા વધુ એકવાર ‘શોલે’ જોવા ગયા છે !
સાંજે દામુકાકા ઘરે આવ્યા કે તરત એમને જુવાનિયાઓએ ઓટલા પાસે જ ઘેરી લીધા ! ‘હવે તો અગિયારમી વાર શોલે જોયું ને ? ચાલો, બોલો, પેલો મંકોડો મારી નાંખ્યો એનો મતલબ શું ?’
દામુકાકાએ આખરે હાર કબૂલી લીધી. ‘સાલું… આટલી બધી વાર શોલે જોયું, પણ હહરીના ગબ્બરે મંકોડો કેમ મારી લાઈખો ? તે નીં હમજાયું !’
‘બસ ત્યારે !’ જુવાનિયાઓ હવે ચડી બેઠા.
દામુકાકા કહે ‘ચાલો, હું હારી ગિયો, પણ મંકોડો માઈરો તેનો મતલબ હું ?’
આખરે જુવાનિયાઓમાંથી જે એક સ્માર્ટ હતો, અને નવી નવી ફિલ્મોની કેસેટો ઉત્સાહથી લઈ આવતો હતો તેણે સમજાવ્યું :
‘દામુકાકા, પેલા ડાકુઓ પૂછે છે કે ઇસ છોકરે કા ક્યા કરેં ? ત્યારે ગબ્બર આમ મંકોડાને હાથ વડે મસળી નાખીને એમ કહેવા માગે છે કે એમાં વળી શું વિચારવાનું ? આ છોકરું તો જંતુ જેવું છે ! એને તો આમ મસળી જ નાંખવાનું હોય ને ?’
આખરે જ્યારે ‘શોલે’ના આ સીનનો ‘ડીપ મિનિંગ’ દામુકાકાને સમજાયો ત્યારે એમણે ‘અં… હં…’ કરીને ડોકું હલાવ્યું !
આમ જુઓ તો અમારા ગામની એ નાની ઘટના હતી. પણ એની અસર બહુ જ મોટી હતી. કેમકે એ પછી અમારા દામુકાકા કોઈપણ પિક્ચર જોયા પછી ઊભા થતાં બોલ્યા નથી કે ‘સાલું શોલે જેવું ની મલે !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment