શાહરૂખને અમદાવાદમાં શું થયેલું ?

છાપાં, ટીવી અને સોશિયલ મિડીયામાં તો માત્ર એવા જ ખબર આવ્યા હતા કે મશહૂર ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને અમદાવાદની ગરમીમાં લૂ લાગી ગઈ હતી.

પરંતુ એ સિવાય પણ શાહરૂખ સાથે બીજી એક રહસ્યમય ઘટના બની હતી ! સાંભળો…

*** 

શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કર્યો છે એ ખબર મળતાંની સાથે એમની પત્ની ગૌરી ખાન તરત જ ફ્લાઇટ પકડીને મુંબઈથી અમદાવાદ આવી ગયાં.

પણ જેવાં એ હોસ્પિટલના વીઆઈપી રૂમમાં આવ્યાં કે તરત શાહરૂખ અકળાઈ ગયો :

‘શું જરૂર હતી મુંબઈથી અહીં દોડી આવવાની ? ખોટેખોટા ફ્લાઇટના ખર્ચા કરી નાંખ્યા ને ! મારી ખબર પૂછવી હોય તો વિડીયો કોલ પણ થઈ શકે ને ? ફ્લાઇટ બુક કરાવતાં પહેલાં મને સ્હેજ પૂછવું તો જોઈએ ?’

ગૌરીજી જરાક ડઘાઈ ગયાં ! પતિની ખબર કાઢવા માટે ફ્લાઈટમાં આવી તો એમાં વળી શું થઈ ગયું ? છતાં ગૌરીજી મન મોટું રાખીને કંઈ બોલ્યા નહીં.

પછી જ્યારે હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે તેનું બિલ ચૂકવવા માટે ગૌરીજી હજી પોતાનું ક્રેડિટ કાર્ડ આપી રહ્યાં હતાં ત્યાં શાહરૂખ કહે છે :

‘એ-એ-એક મિનિટ ! વો બિલ જરા મુઝે દિખાઓ ?’

પછી બિલ જોઈને શાહરૂખે કચકચ કરવા માંડી. ‘યે ઇતના જ્યાદા ચાર્જ ક્યું લગાયા હૈ ? રૂમ કા અલગ લિયા હૈ, મેડિસીન્સ કા અલગ હૈં, ટ્રિટમેન્ટ કા અલગ ઔર... યે સર્વિસીસ કા ચાર્જ ક્યા હોતા  હૈ ? કુછ કમ કિજિયે.’

હોસ્પિટલના મેનેજરે સ્માઈલ સાથે કહ્યું, ‘સર, ઓલરેડી પંદર ટકા ડિસ્કાઉન્ટ આપ્યું જ છે !’

‘નહીં નહીં બિલ બહોત જ્યાતા હૈ, ઔર કમ કીજીયે...’

આખરે મેનેજરે વધુ દસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું ત્યારે જ શાહરૂખને શાંતિ થઈ ! પણ જે હોટલમાં બધા ઉતર્યા હતા ત્યાં પણ બિલ ચૂકવતી વખતે શાહરૂખે ફરી કચકચ ચાલુ કરી.

‘પાની કી બોતલ તો બીસ રૂપિયે મેં મિલતી હૈ, ઉસ કા સો રૂપિયા કૈસે લગા દિયા ? ઔર કોફી કા જ્યાદા સે જ્યાદા સો રૂપિયા હોતા હૈ, તુમને તો સાડે તીનસો લગા દિયા... યે કમ કરો... કમ કરો...’

ગૌરીજીને આ બધું બહુ એમ્બરેસિંગ લાગી રહ્યું હતું. તેમણે શાહરૂખના દિકરા અબરામને પૂછ્યું ‘યે ડેડી કો ક્યા હો ગયા હૈ ?’

અબરામે શાંતિથી કહ્યું : ‘કુછ નહીં, ડેડી ને અમદાવાદ કા પાની પી લિયા થા...તબ સે...’

***

- મન્નુ શેખચલ્લી

Comments